હવે ત્રીજા તબકકાના પ્રચારની ગરમી સૂર્યદેવના આકરા તાપને પણ હંફાવે તેવા સંકેત

લોકસભા ચૂંટણી: પ્રચારની સાથે વિવાદનો પણ સુપર સન્ડે સર્જાયો

India, Politics, Lok Sabha Election 2024 | 29 April, 2024 | 12:32 PM
◙ ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનનો તાપ અનુભવી રહેલા ભાજપ માટે રાહુલ ગાંધી રાહતનું માવઠું બનીને આવ્યા અને કોંગ્રેસ માટે બચાવ મુશ્કેલ બન્યો
સાંજ સમાચાર

◙ રૂપાલાના નિવેદન પર મૌન રહેલા ભાજપના નેતાઓ રાહુલના નિવેદન પર પ્રત્યાઘાત આપવાની હોડ લગાવી: ગુજરાત કોંગ્રેસ માટે અચાનક જ અવકાશી આફત આવી હોય તેવા સંકેત

◙ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના જેલ સામે વોટના પ્રચાર વચ્ચે ચુંટણીપંચે આ પક્ષના થીમ સોંગ પર પ્રતિબંધ મુક્તા નવો મોરચો ખુલ્યો: સુનીતા કેજરીવાલે રોડ શો કર્યો તો ભાજપે તેને દિલ્હીના રાબડીદેવી બતાવ્યા

◙ કર્ણાટકમાં ઓચિંતા જ દેવેગોડા ફેમીલીના સેકસકાંડે ચુંટણીને નવા મોડ પર મુકી તો અનામત અંગે પણ ઓચિંતા જ જૂના વિડીયો વાયરલ થતા નવા વિવાદ સર્જાયા

નવી દિલ્હી તા.29
દેશમાં લોકસભા ચૂંટણીના બે તબકકાના મતદાન પુર્વે રાજકીય પક્ષોએ અલગ અલગ મુદાઓ પર પ્રચારમાં ભ્રષ્ટાચારથી પરિવારવાદ અને મંગલસૂત્રથી મુસલમાન સુધીના મુદાઓ ચગાવ્યા બાદ હવે તા.7 મેના રોજ યોજાનારા ગુજરાત સહિતના રાજયોની બેઠકો માટેના મતદાન પુર્વે જ પ્રચારની ગરમી એ સૂર્યદેવના ઉષ્ણતામાનના પારાને પણ પાછળ રાખી દેશે તેવા સંકેત છે અને ગઈકાલે રવિવારે પ્રચારનો સુપર સન્ડે રહ્યો અને તેની સાથે જે મુદાઓ પર પ્રચાર થયો તે સૌથી મોટા વિવાદને પણ સર્જી ગયો અને તેના પડઘા ગુજરાતમાં સૌથી વધુ પડે તેવા સંકેત છે.

બીજી તરફ દિલ્હીથી લઈ ઉતરપ્રદેશની અનેક લોકસભા બેઠકો પર આજે સેલીબ્રીટી નામાંકન પણ થઈ રહ્યાં છે અને તેના પ્રચારની ગરમી પણ આગામી દિવસોમાં જોવા મળશે તે ચોકકસ છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે જ જે રીતે રાજકોટ સંસદીય બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદ સર્જયો અને તેના કારણે રાજયમાં જે 25 લોકસભા બેઠક પર તા.7ના રોજ મતદાન છે તેમાં ક્ષત્રિય સમુદાયનો વિરોધ સતત વધી રહ્યો છે અને ભાજપને ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બની રહ્યું છે અને એડવેન્ટેજ કોંગ્રેસ જેવી સ્થિતિ છે તે સમયે કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે કર્ણાટકમાં એક જાહેરસભાને સંબોધતા દેશમાં રાજા-મહારાજાઓએ જેમની ઈચ્છા પડે તેમની જમીન છીનવી લીધી હતી અને કોંગ્રેસે આઝાદી બાદ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યુ તેવા જે વિધાનો કર્યા તે ગુજરાતમાં ક્ષત્રિયોનો તાપનો અનુભવ કરી રહેલા ગુજરાત ભાજપ માટે ખૂબ જ ડેમેજ કંટ્રોલ જેવી સ્થિતિ ખુદ રાહુલે બનાવી.

અત્યાર સુધી રૂપાલાના નિવેદન પર ચુપ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની સભામાં જ રાહુલ ગાંધીના નિવેદનને ચુંટણી મુદો બનાવીને સીધા પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસના રાજકુમાર કહે છે કે ભારતના રાજા-મહારાજાઓ અત્યાચારી હતા અને ગરીબોની જમીન છીનવી લેતા હતા. આમ કોંગ્રેસના રાજકુમારે છત્રપતિ શિવાજીનું અપમાન કર્યુ છે અને તે સાથે જ મોદીના નિવેદન પછી ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલથી લઈને તમામ પ્રવકતાઓએ પણ રૂપાલાના વિધાનો પર મૌન સેવ્યુ હતું.

તેઓએ રાહુલના વિધાનો પર પ્રતિભાવ આપવાનું શરુ કરીને ગુજરાતમાં ક્ષત્રિયોનો તાપ ઘટાડવા પ્રયત્ન કર્યો તો બીજી તરફ અનામત અંગે પણ જબરી ચર્ચા જાગી. ભાજપ વારંવાર કહે છે કે અનામત કોઈ છીનવી શકશે નહી તે સમયે જ આરએસએસના વડા મોહન ભાગવતનો એક જૂનો વિડીયો વાયરલ થયો અને તેમાં અનામત વ્યવસ્થા અંગે તેઓએ કરેલા વિધાનો ચર્ચામાં આવતા સંઘને તેની સ્પષ્ટતા કરવી પડી હતી અને અમીત શાહ અંગે પણ એક વિડીયો વાયરલ થતા તે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ છે.

તો બીજી તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જેલના બદલામાં વોટ અભિયાન શરૂ કર્યુ અને ભાજપએ ભ્રષ્ટાચારીઓને છાવરવા લોન્ડ્રી મશીન નહી લોન્ડ્રી કંપની ખોલી નાંખી તેવા પ્રચાર સાથે જબરી રેલી યોજી અને પુનીતા કેજરીવાલે પણ રોડ-શો કર્યો તો બીજી તરફ ભાજપે સુનીતા કેજરીવાલને દિલ્હીની રાબડીદેવી તેવા પોષ્ટર પણ ચમકાવ્યા.

બીજી તરફ કર્ણાટકમાં પુર્વ વડાપ્રધાન દેવેગોડાના પ્રપૌત્રનો જે સેકસકાંડ જાહેર થયો પછી તેને ભારતમાં રહેવું પણ મુશ્કેલ બન્યુ અને તેમને તાત્કાલિક જર્મન ભાગી જવુ પડયુ. દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષે આજે નામાંકન પુર્વે જ રાજીનામુ આપી દીધુ હતું અને જે રીતે પાટનગરમાં કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે સમજુતી મુજબ ચુંટણી લડાઈ રહી છે તેની સામે પણ પ્રશ્ન ઉઠાવાયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj