ગત વર્ષે ઉત્તરાખંડમાં સર્જાયેલી પરિસ્થિતિ હવે કાશ્મીરમાં નિર્માણ પામ્યાની શંકા

કાશ્મીરના રામબનમાં જમીન સરકવા લાગી : 60 મકાનો-વીજ ટાવરો ધરાશાયી

India | 27 April, 2024 | 11:48 AM
♦ એક કિ.મી. સુધીના વિસ્તારમાં જમીન ધસી પડી : વીજળી-પાણી પુરવઠો ઠપ્પ : વાહન વ્યવહાર અટકાવાયો : સમગ્ર વિસ્તાર કોર્ડન : વહીવટી સુરક્ષા ટીમો તૈનાત કરાઇ
સાંજ સમાચાર

♦ 300થી વધુ લોકોનું સ્થળાંતર : ભયનો માહોલ : કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં : અસરગ્રસ્તોને ભોજન, આવાસ, આરોગ્ય સહિતની તમામ સુવિધાઓ આપવા સૂચના : દિલ્હીથી ટીમ મોકલાશે

શ્રીનગર, તા. 27
ઉતરાખંડમાં જમીન ધસી પડવાના ઘટનાક્રમનો ગભરાટ માંડ શાંત બન્યો છે ત્યાં હવે કાશ્મીરમાં જમીન સરકવા લાગતા અને 60થી વધુ મકાનો જમીનદોસ્ત થયાનો બનાવ બનતા ગભરાટ સર્જાયો છે. તાબડતોબ એકશનમાં આવી ગયેલી સરકાર દ્વારા 300થી વધુ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને વાહન સહિતનો વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. વિજળીના ચાર તોતીંગ ટાવર પણ જમીનદોસ્ત થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. 

કાશ્મીરના રામબન-ગુલ રોડ પર રામબનથી પાંચ કિ.મી. દુર પરનોટ ક્ષેત્રમાં ભૂસ્ખલન અને જમીન સરકી જવાનો  બનાવ બન્યો હતો. જેમાં 60 જેટલા ઘર ધરાશાયી થયા હતા. પ0થી વધુ પરિવારોના 300 લોકોને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે એક કિ.મી. સુધીના વિસ્તારમાં જમીન સરકી ગઇ હતી.

આ વિસ્તારના મકાનો તથા માળખાકીય સુવિધાઓને નુકસાન થયું હતું. વિજળીના ચાર ટાવર  આ વિસ્તારમાં સ્થપાયેલા હતા તે પણ જમીનદોસ્ત થઇ ગયા છે જેને પગલે સમગ્ર વિસ્તારમાં વિજળી પુરવઠો પણ ખોરવાઇ ગયો છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બચાવ ટુકડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સ્થળાંતર કરાયેલા તમામ લોકોને જરૂરી મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. 

સરકારી સુત્રોએ જણાવ્યું કે સમગ્ર એક કિ.મી.ના વિસ્તારમાં ગઇકાલ સાંજથી જમીન સરકવાનું શરૂ થઇ ગયું હતું અને તેને પગલે લોકોમાં ફફડાટ સર્જાયો હતો. સંખ્યાબંધ મકાનો સંપૂર્ણ રીતે નષ્ટ થયા હતા જયારે અનેક મકાન ઇમારતોમાં તિરાડો પડવા લાગી હતી. આ બનાવની જાણ થતા તાત્કાલીક વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

લોકલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા બાદ જિલ્લા સ્તરે જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ, એસડીઆરએફ, સિવિલ સિકયુરીટી સહિતની રાહત બચાવ ટુકડીઓને દોડાવવામાં આવી હતી. અસરગ્રસ્તોને સલામત  બહાર કાઢીને સુરક્ષીત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. 

જિલ્લા કલેકટરે કહ્યું કે, જમીન સરકવાથી સમગ્ર માર્ગમાં વિઘ્ન સર્જાયુ છે. વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. વીજ પુરવઠો ખોરવાયો છે તે પુન: સ્થાપિત કરવા માટે ટીમોને કામે લગાડવામાં આવી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. લોકોને ગભરાટ નહીં રાખવા અને આગમચેતીના પગલા લેવાની સૂચના આપવામાં આવી છે. પાણીની પાઇપલાઇન પણ તુટી પડી હોવાથી પાણી પુરવઠો ઠપ્પ છે.

સમગ્ર ઘટનાક્રમ વિશે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું કે વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં સરકાર છે અને અસરગ્રસ્તોને ભોજન, આરોગ્ય, આવાસ સહિતની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. 

આગ ઠારવા હેલીકોપ્ટરોથી પાણીનો મારો
નૈનીતાલના ડુંગરાઓમાં લાગ્યો દવ: સળગતા જંગલોથી સર્વત્ર ધુમાડો: લોકોના શ્વાસ રૂંધાયા
જંગલોમાં આગને પગલે નૈનીતાલનું પ્રદુષણ ચાર ગણુ વધી ગયું: દાવાનળ માનિલા જેનલ સ્ટેટ હાઈવે પર પહોંચતા વાહનોની આવન-જાવન ઠપ્પ થઈ
નૈનીતાલ તા.27

ઉત્તરાખંડના જંગલોમાં હાલ દાવાનળ ભડકી રહ્યો છે. નૈનીતાલમાં જંગલની આ આગ બેકાબુ બની રહી છે આગથી પહાડીઓના જંગલો સાફ થઈ રહ્યા છે. આગને કાબૂમાં લેવા સૈનાનો સહયોગ પણ માગવામાં આવી રહ્યો છે.

નૈનીતાલ શહેરની આસપાસ સહિત પર્વતીય ક્ષેત્રના જંગલોમાં ચારે તરફ દાવાનળ ભડકી રહ્યો છે. જેના કારણે શહેરમાં ચોતરફ ધુમાડો ફેલાયો છે. સાત તાલ, ગેઠિયા સેનેટોરિયમની આસપાસ પટવા ડાંગર, જયોલીકોટ બેક વગેરે પહાડીઓ પર ધુમાડો જ નજરે પડે છે. શહેરના નીચેના વિસ્તારો સુધી પહોંચ્યો હતો અને તેના કારણે નૈનીતાલમાં પ્રદુષણ ચાર ગણુ વધી ગયું છે.

શહેરના ટિફિનટાપ સહિત નયના પીક ઉપરાંત સ્નોવ્યૂ કેમલ્સ બેક વગેરે પહાડીઓમાં ધૂમાડો જ નજરે પડે છે. વન વિભાગની સાથે સાથે ફાયરબ્રિગેડના પ્રયાસ છતા જંગલની આગ બેકાબૂ છે. મુખ્ય વન સંરક્ષક, વન સંરક્ષક અને ડીએફઓ સહિતના ફિલ્ડ પર આગને કાબુના નિયંત્રણમાં લાગ્યા છે.

નૈનીતાલ ઉપરાંત અલ્મોડા- હલ્દ્વાની હાઈવે પર પાડલી ગામમાં શુક્રવારે સાંજે જંગલમાં આગ લાગી હતી. આગની લપટો સ્થાનિક ઘરો સુધી પહોંચતા અફડાતફડી મચી ગઈ હતી. તો સીમાંત જિલ્લો પિથૌ રાગવમાં વનાગ્નિનો પ્રકોપ ઓછો નહીં થતા શુક્રવારે જંગલની આગ માનિલા જેનલ સ્ટેટ હાઈવે પર આગ પહોંચી ગઈ હતી.

આગ એટલી વિકરાળ હતી કે હાઈવેની બન્ને બાજુથી આવન જાવન ઠપ્પ થઈ ગઈ હતી. જંગલી આગને પગલે પ્રદુષણ ધુમાડાથી સ્થાનિક લોકોને આંખમાં બળતરા થતી હતી. સ્થાનિક લોકોએ જંગલમાં આગ લગાવનારા અરાજક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj