સૌરાષ્ટ્રમાં પ્રચારનો શંખનાદ : જામકંડોરણામાં જંગી રેલી સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી

પ્રથમ બે તબકકાના મતદાનમાં રાહુલ બાબાના સુપડા સાફ થઇ ગયા છે : અમિત શાહ

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 27 April, 2024 | 05:30 PM
કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરે છે : કલમ-370 ખોળામાં રાખીને બેઠી હતી, અમે નાબુદ કરવાની વાત કરી તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે તેવી ધમકી આપી પણ એક પથ્થર ન ફેંકાયો -ગૃહમંત્રી : રામ મંદિર મુદ્દો પણ 70 વર્ષ લટકાવી રાખ્યો હતો
સાંજ સમાચાર

► પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયાના સમર્થનમાં સભા : જામકંડોરણામાં મીની રોડ-શો, ખુલ્લી જીપમાં ફર્યા : કમળનું બટન દબાવી નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા હાંકલ : સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ મોદી સરકારે કર્યુ છે 

► કોંગ્રેસના સમયમાં પોરબંદરની જેલ પણ બંધ કરવી પડે તેવી સ્થિતિ હતી : નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્યમંત્રી બનતા જ જેલ ખોલીને સૌપ્રથમ પોરબંદરના માફીયાઓને અંદર કર્યા : સતત 35 મીનીટ સુધી સંબોધન : શ્રોતાઓએ વધાવી લીધા

રાજકોટ, તા. 27
ગુજરાતમાં આગામી તા. 7ના રોજ યોજાનારી લોકસભા ચુંટણી માટેની ર5 બેઠકો પર મતદાન પૂર્વે જ આજે સૌરાષ્ટ્રનું બુંગીયુ ફુંકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોરબંદર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના પ્રચારમાં જામકંડોરણા ખાતે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસને આડે હાથે લેવા સાથે તેમણે જણાવ્યું હતું કે દેશમાં 65 વર્ષ કોંગ્રેસે વોટ બેંકનું રાજકારણ કર્યુ છે અને છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની સરકારે જે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે 

હવે વિકસીત ભારતના લક્ષ્યાંક માટે ફરી એક વખત કમળનું બટન દબાવીને નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે. આજે રાજકોટ વિમાની મથકે ખાસ હેલીકોપ્ટરમાં જામકંડોરણા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહનું મનસુખભાઇ માંડવીયા તેમજ જેતપુર ધોરાજી વિસ્તારના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા સહિતના અગ્રણીઓએ સ્વાગત કર્યુ હતું. બાદમાં તેમણે એક સભા સંબોધતા પૂર્વે જામકંડોરણામાં મીની રોડ-શો કર્યો હતો અને માર્ગની બંને બાજુ હજારો લોકોએ શાહનું અભિવાદન કર્યુ હતું.

બાદમાં તેમણે સભાને સંબોધતા કહ્યું કે પ્રથમ બે તબકકાના મતદાનથી રાહુલ બાબાના સુપડા સાફ થઇ ગયા છે અને હવે ગુજરાતમાં તમામ ર6 બેઠકો માટે દેશમાં 400 પારનો નરેન્દ્રભાઇનો નારોએ વાસ્તવિકતા બનવા જઇ રહ્યો છે. અમિત શાહે કહ્યું કે આજે હું પોરબંદરમાં પ્રથમ સભા કરૂ છું પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે એક સમયે પોરબંદરમાં કોંગ્રેસની સરકારને જેલ બંધ કરવાની ફરજ પડી હતી અને પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા એ સરકાર નહીં માફીયાઓના હાથમાં હતી પરંતુ 2001માં નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્યમંત્રી બનતા પોરબંદરની જેલ શરૂ કરાવી અને માફીયાઓને તેમાં સ્થાન આપી દીધુ હતું.

શાહે રાષ્ટ્રીય મુદાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ 370 કોંગ્રેસ ખોળામાં રાખીને બેઠી હતી અને વોટ બેંકની રાજનીતિ કરી હતી તો બીજી તરફ 70 વર્ષ સુધી રામ મંદિર મુદો લટકાવી રાખ્યો હતો અમે કલમ 370ની નાબુદીની વાત કરી તો કાશ્મીરમાં લોહી રેડાશે તેવી ધમકી આપી હતી અને 5 ઓગષ્ટ 2019ના દિવસે જયારે આ ખરડો લઇને હું ઉભો થયો તો રાહુલ બાબાએ પણ કાશ્મીરમાં લોહીની નદીઓ વહશે તેવું જણાવ્યું હતું પરંતુ એક પથ્થર પણ ફેંકાયો નહીં. તેમણે સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે પાકિસ્તાન એ ભુલી ગયું હતું કે ભારતમાં હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે અને અમે તેમને સબક શીખવ્યો.

► શ્રોતાઓને મોદી પંખા અપાયા
આજે ભારે ગરમી વચ્ચે અમિતભાઇ શાહની જે જાહેર સભા યોજાઇ હતી તેમાં ઉપસ્થિત એક લાખથી વધુ લોકોને ગરમીમાં રાહત આપવા ભાજપે હજારોની સંખ્યામાં મોદી પંખા વહેંચ્યા હતા. જેમાં વડાપ્રધાનની તસ્વીર પણ નજરે ચડતી હતી.

► સોમનાથને ફરી સોનેથી મઢવાનું કામ શરૂ થઇ ગયું છે 
આજે જામકંડોરણામાં સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એક સમયે વિદેશી હુમલાખોરોએ  સોમનાથની ભવ્યતા અને સમૃધ્ધિ લુંટી હતી અને સરદારસાહેબે સોમનાથ મંદિરનો પુનરોધ્ધાર કર્યો અને નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં સોમનાથ મંદિરને સોનેથી મઢવાની કામગીરી શરૂ થઇ ગઇ છે આમ દેશમાં મંદિરોને તેમની ભવ્યતા પુન: આપવા માટે મોદી સરકાર પ્રતિબધ્ધ છે. 

► જયેશ રાદડીયાને ત્યાં ભોજન લેતા અમિત શાહ સહિતના અગ્રણીઓ
આજે જામકંડોરણામાં પ્રચાર સભાને સંબોધન કરવા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બપોરનું ભોજન જેતપુર-ધોરાજીના ધારાસભ્ય જયેશ રાદડીયાને ત્યાં લીધુ હતું તેમની સાથે લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

► અર્જુનભાઇ બધુ બરાબરને... અમિતભાઇએ પૂછયું
આજે જામકંડોરણામાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરસભામાં હાલમાં જ ભાજપમાં ભળીને ફરી એક વખત પોરબંદર ધારાસભા ચૂંટણી લડી રહેલા અર્જુનભાઇને અમિત શાહની બાજુમાં જ સ્થાન અપાયું હતું અને બંને વચ્ચે ગુફતગુ પણ  થઇ હતી આ ઉપરાંત પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા સાથે પણ ચર્ચા કરી હતી.

 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj