IIT રૂરકીના બે સંશોધકો દ્વારા પાન્ધ્રોમાં એક સાઈટ પર કરેલા સંશોધકના રીસર્ચ પેપરમાં કરાયો દાવો

કચ્છમાંથી 4.7 કરોડ જૂના મહાકાય વાસુકિ નાગના અવશેષ મળ્યા

Gujarat | Kutch | 20 April, 2024 | 02:59 PM
સાંજ સમાચાર

ભૂજ : 
કચ્છએ કુદરતની અનેક અજાયબીઓને પોતાના પેટાળમાં સમાવીને બેઠેલો અનોખો પ્રદેશ છે. હડપ્પન સંસ્કૃતિઓના અવશેષો પછી હવે કચ્છમાંથી 4.7 કરોડ વર્ષ (47 મિલિયન વર્ષ) જૂના વાસુકિ નાગના અવશેષો મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં વાસુકિને સર્પોનો રાજા માનવામાં આવે છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી રૂરકીના બે સંશોધકોએ પાન્થ્રોમાં એક સાઈટ પર કરેલા સંશોધનમાં સામે આવ્યું છે કે, કચ્છમાં 11થી 15 મીટરની લંબાઈ ધરાવતા મહાકાય સાપ લાખો વર્ષ પહેલા વિચરતા હતા. આ સંશોધન સાયન્સ જર્નલ ’સાયન્ટિફિક રિપોર્ટ્સ’માં પ્રકાશિત થયું છે. જેના કારણે દુનિયાભરના સંશોધકોનું ધ્યાન તેના પર ખેંચાયું છે.

કાળની ગર્તામાં નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી, તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ અવશેષોના આધારે દત્તાએ  અનુમાન વ્યક્ત કર્યું છે કે તે સર્પ અંદાજે 15 મીટર અથવા 49 ફૂટ લાંબો હશે અને તેનું વજન અંદાજે 1 હજાર કિલો એટલે એક ટન જેટલું હશે. નજીકમાં સમુદ્રકાંઠો હોઈ કાદવ કળણયુક્ત જમીનમાં તે વિચરતો રહેતો હશે.

અતિ વિશાળકાય હોઈ તે ધીમે ધીમે વિચરતો હશે. વાસુકિ બિનઝેરી સર્પ હશે અને આજના અજગર કે એનાકોન્ડા જેવા સાપની જેમ તે મારણ ફરતે વીંટળાઈને તેનો શિકાર કરતો હશે. તે યુગમાં પૃથ્વી પરનું તાપમાન આજના તાપમાન કરતાં અનેકગણું વધારે હશે. સર્પના કંકાલ અવશેષ અડધા મળ્યાં છે તેથી તેની લંબાઈ અને વજનનો તેમણે અંદાજ બાંધ્યો છે.

લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ અનુમાન કરતાં પેલિઓન્ટોલોજીસ્ટ ડો. દેવજીત દત્તા અને તેમના સાથી સુનિલ બાજપાઈએ સંયુક્ત રીતે શોધ કરીને ખાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમને સંશોધન દરમ્યાન મળેલા 27 કંકાલ અવશેષના નમૂના આશરે 46 મિલિયન વર્ષ એટલે કે 4.7 કરોડ વર્ષ પહેલાના વિશાળ સાપના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સંશોધન મુજબ, ગુજરાતમાં કચ્છમાંથી મળી આવેલા અવશેષો અત્યાર સુધીના સૌથી મોટા નાગની કરોડરજ્જુના હોઈ શકે છે. સંશોધકોએ મોટાભાગે સારી રીતે સચવાયેલા હાડકાં શોધી કાઢ્યા હતા, જેમાં કેટલાક જોડાણો હજુ પણ અકબંધ છે. તેઓએ કહ્યું કે કરોડરજ્જુ સંપૂર્ણ પુખ્ત પ્રાણીમાંથી હોવાનું જણાય છે.

હવે લુપ્ત થઈ ગયેલા મેડરસોઈટ પ્રજાતિનો એક ભાગ એવા આ સાપ આશરે 11થી 15 મીટર લાંબો હોવાનો અંદાજ છે. આ પ્રજાતિ આફ્રિકા, યુરોપ અને ભારત સહિતના સ્થળોએ રહેતા હોવાનું જાણીતું છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે, સાપ ભારતમાં ઉદ્ભવતા "વિશિષ્ટ વંશ" નું પ્રતિનિધિત્વ કરે છે. જે પછી લગભગ 56થી 34 મિલિયન વર્ષો પહેલાં ઇઓસીન દરમિયાન દક્ષિણ યુરોપથી આફ્રિકામાં ફેલાયો હતો. સંશોધકોએ આ નવી શોધાયેલ સાપની પ્રજાતિનું નામ વાસુકી ઇન્ડિક્સ’ રાખ્યું છે. હિન્દુ દેવતા શિવના ગળામાં આવેલા પૌરાણિક સાપ પરથી રાખ્યું છે.

નોંધનીય છે કે, 2009માં ઉત્તર કોલંબિયાની કોલસા ખાણમાં આ જ રીતે વાસુકિના પૂર્વજ એવા વિશાળ સર્પ ટાઈટનોબોઆના અવરોષો મળ્યાં હતાં. જે 13 મીટર લાંબો અને 58થી 60 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર જોવા મળતો હતો.

12 હજાર વર્ષ પહેલાં મહાસર્પનો વિનાશ થયો હોઈ શકે 
પાન્ધ્રો ખાણમાંથી મળેલાં અશ્મિના આધારે બેઉ તજજ્ઞો એ અનુમાન વ્યક્ત કરે છે કે 50 મિલિયન વર્ષ અગાઉ જ્યારે ભારતીય ઉપખંડની જમીનની પ્લેટ યુરોપની યુરેશિયા પ્લેટ સાથે ટકરાઈ ત્યારબાદના યુગમાં આ સર્પનું અસ્તિત્વ જોવા મળે છે.

વાસુકિનું અસ્તિત્વ ભારતથી લઈ દક્ષિણ યુરેશિયા અને ઉત્તર આફ્રિકા સુધી વિસ્તરેલ હશે. મોટાભાગે તેનો ખોરાક મગરમચ્છો, માછલીઓ અને પ્રાચીન વ્હેલ માછલીઓ હશે. 12 હજાર વર્ષ પૂર્વે આ મહાસર્પ પ્રજાતિનો પૃથ્વી પરથી વિનાશ થયો હશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj