ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી મોટો પડકાર

India, Sports | 29 April, 2024 | 05:16 PM
પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટની જબરી કવાયત : અગરકરે રોહિત શર્મા સાથે મીટીંગ પણ કરી
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 29
આગામી જુન મહિનામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ નકકી કરવાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે  ટીમ પસંદ કરવા માટે અજીત અગરકરના વડપણ હેઠળની સિલેકશન કમીટી માટે પડકારજનક સ્થિતિ સર્જાઇ રહી છે. 

પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપ માટેની ટીમ નકકી કરવા માટેની જબરી કવાયત કરી રહી છે. ટીમનું  કોમ્બીનેશન તૈયાર કરવાનો મોટો પડકાર છે. પસંદગી સમિતિના વડા સહિતના સભ્યો વર્તમાન આઇપીએલના મેચો તથા તેમાં ખેલાડીઓના પરફોર્મન્સ પર સતત વોચ રાખી રહ્યા છે.

શનિવારે દિલ્હી અને મુંબઇ વચ્ચે રમાયેલા મેચ વખતે ખુદ અજીત અગરકર પણ મેદાન પર પહોંચ્યા હતા અને ત્યારબાદ રોહિત શર્મા સાથે ઔપચારિક મીટીંગ પણ કરી હોવાના નિર્દેશ સાંપડયા છે. 

ક્રિકેટ બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે, 15 ખેલાડીઓની ટીમની પસંદગી કરતા પૂર્વે પસંદગીકારો માટે ત્રણ મુદા અગત્યના અને પેચીદા છે. વિકેટ કિપર તરીકે ઋષભ પંતનું સ્થાન પાકુ ગણાય છે. પરંતુ બીજા વિકેટ કીપર કમ બેટસમેન તરીકે કે.એલ.રાહુલ અથવા સંજુ સેમસનની પસંદગીનો મુદો પેચીદો છે.

બંનેનો આઇપીએલમાં દેખાવ જબરદસ્ત રહ્યો છે. આ ઉપરાંત ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલ વચ્ચે પણ પસંદગી કરવાનો  પડકાર છે. શુભમન ગીલ હજુ સુધી ખાસ સફળ થયો નથી અને ફોર્મ પાછુ મેળવવા માટે ઝઝુમી રહ્યો છે. 

બોલીંગ મોરચે લાગે વળગે છે ત્યાં સુધી મોહમ્મદ સામી ઇજાગ્રસ્ત હોવાથી મોટો પડકાર છે. આઇપીએલની વર્તમાન સિઝનમાં બોલરોના ડુચ્ચા નીકળી ગયા છે. અને બેટરોએ બેફામ બેટીંગ કરીને તમામ બોલરોની બોલીંગના કુર્ચા ઉડાવ્યા છે. અર્ષદીપસિંહ તથા મોહમ્મદ સીરાજે આઇપીએલના મેચોમાં ઓવર દીઠ 9-9 રન જેવા ભારે રન આપ્યા છે. જસપ્રીત બુમરાહ વિશે કોઇ બેમત કે શંકાને સ્થાન નથી. વર્લ્ડ કપમાં ઇમ્પેકટ પ્લેયરનો નિયમ રહેવાનો નથી.

ત્યારે અક્ષર પટેલ વિશે પણ ટીમ મેનેજમેન્ટ વિચારી શકે છે. ઓવેસ ખાન અને મુકેશકુમારે પણ બોલીંગમાં અમુક અંશે પ્રભાવિત કર્યા છે. ટીમમાં વધારાનો સ્પીનર રાખવો કે હાર્દિક પંડયાને સામેલ કરવો તે મુદો પણ પડકારજનક છે. 

પસંદગીકારો માટે સૌથી વધુ પડકારજનક બાબત મીડલ ઓર્ડર કોમ્બીનેશન છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફોર્મ વિશે ખાસ ચિંતા નથી પરંતુ મીડલ ઓર્ડર અને ત્યારબાદના અંતિમ ઓર્ડરમાં આક્રમક બેટીંગની જરૂરીયાત રહેતી હોય છે. હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજાનું ખાસ પરફોર્મન્સ જોવા મળ્યું નથી. પસંદગીકારોની નજર રીન્કુ સિંઘ પર છે. ઉપરાંત શિવમ દુબે પણ ધ્યાને આવ્યો છે.

તિલક વર્મા પર પણ નજર છે. સુત્રોના કહેવા પ્રમાણે ખેલાડીઓની પસંદગી માત્ર આઇપીએલના પરફોર્મન્સના આધારે થવાની નથી પરંતુ અત્યાર સુધીના અન્ય ક્રિકેટ મેચોને પણ ધ્યાને લેવામાં આવનાર છે. વર્લ્ડકપ રમવા માટે ભારતીય ટીમને ર1 મેના રોજ રવાના થવાનું છે એટલે તેમાં પસંદ થનાર ખેલાડીઓ આઇપીએલની અંતિમ મેચોમાં સામેલ નહીં થઇ શકે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj