ઉહાપોહ રોકવા નવો પ્રયોગ કે ઉંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ?

સ્માર્ટ મીટરની બબાલ : હવે ગ્રાહકને દૈનિક વિજવપરાશની ‘રકમ’ જોવા નહીં મળે, મહિને બીલ આવશે - અધવચ્ચે જોડાણ નહીં કપાય

Gujarat | Rajkot | 23 May, 2024 | 03:35 PM
મોટા શહેરોમાં ભારે હોબાળાથી ‘બેકફૂટ’ પર આવેલી સરકારે વધુ કેટલીક છુટછાટ જાહેર કરી: દૈનિક રકમ નિહાળીને ગ્રાહકને ‘વધુ વપરાશ’ની ગેરસમજ થતી હોવાનો દાવો
સાંજ સમાચાર

રાજકોટ,તા.23

સ્માર્ટ-પ્રિપેઈડ વિજમીટરમાં મોટી રકમની કપાત થઈ જતી હોવાના દાવા સાથે રાજયના અનેક શહેરોમાં હોબાળો સર્જાતા સરકાર બેકફૂટ પર આવી જ ગઈ છે અને કેટલીક છુટછાટો જાહેર કરવામાં આવી છે. ગ્રાહકોના દાવાઓ-વિરોધ ગેરસમજને કારણે હોવાનો નિર્દેશ કરતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમે આ પ્રકારની સ્થિતિ રોકવા વર્તમાન ધોરણે ડીસકનેકશન જેવી કાર્યવાહી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ઉર્જા વિકાસ નિગમના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, અત્યારે લોકો દૈનિક વિજવપરાશની રકમ નિહાળીને ઉહાપોહ કરવા લાગે છે. વાસ્તવમાં મહિના કે બે મહિનાનું બીલ અગાઉ જેટલું જ થાય છે. આ સ્થિતિ રોકવા માટે હવે દૈનિક યુનિટ વપરાશ દર્શાવવામાં આવશે પરંતુ તેની રકમ દર્શાવવામાં નહીં આવે તેના બદલે મહીને જ બીલની રકમ મોબાઈલમાં અપાશે.

મહિના દરમ્યાન પ્રિપેઈડના નાણાં ખત્મ થઈ જાય તો પણ જોડાણ કાપવામાં નહીં આવે અને વર્તમાન ધોરણે બીલ ભરવા 8-10 દિવસનો સમય આપવામાં આવે છે તે જ રીતે સમય અપાશે. આ સમયમાં પણ ગ્રાહક રીચાર્જ ન કરાવે કે બીલ ન ચુકવે તો જ જોડાણ કાપવામાં આવશે.

ઉર્જા વિકાસ નિગમે જણાવ્યું છે કે, ગુજરાત વીજ વિતરણ કંપની દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી જાન્યુઆરી 2024માં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવેલ હતી. છેલ્લા ત્રણ મહિનામાં એમજીવીસીએલમાં 27700, ડીજીવીસીએલમાં 11800, પીજીવીસીએલમાં 7000 અને યુજીવીસીએલમાં 1000થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવેલ છે. સ્માર્ટ મીટર લગાવ્યા પહેલા જે-તે ક્ષેત્રમાં આ બાબત વિશેની જાણકારી આપવામાં આવેલ હતી.

સ્માર્ટ મીટર બાબતે લોકોમાં કદાચ પુરતી જાણકારીના અભાવે સંશય પેદા થયેલ છે. જૂનું મીટર બદલી સ્માર્ટ મીટર લગાડવામાં આવે ત્યારે છેલ્લા બિલના રીડીંગથી જૂના મીટર બદલવાના સમયે નોંધાયેલા રીડીંગ વચ્ચેના તફાવતના આધારે ગ્રાહકના વીજ વપરાશનું બિલ એક સાથે ગ્રાહક પાસેથી લેવાના બદલે તેની સામે સિકયુરીટી ડિપોઝીટની રકમ એડજસ્ટ કરીને ફાઈનલ આઉટસ્ટેન્ડીંગ એમાઉન્ટની ગણતરી કરી તેને મહતમ છ મહિનામાં વસુલ કરી શકાય તે રીતે દૈનિક રકમ ગ્રાહકના ખાતામાંથી ઉધારવાની જોગવાઈ કરવામાં આવેલ હતી.

સ્માર્ટ મીટર ધારકોના બેલેન્સમાંથી દૈનિક વીજ વપરાશના ચાર્જ ઉપરાંત આ જૂના વપરાશના બિલની રકમ પણ ઉધારવામાં આવતી હોવાથી સ્માર્ટ મીટર ગ્રાહકને વિજબીલ વધુ આવતું હોવાની ગેરસમજ ઉભી થયેલ છે.

વધુમાં દૈનિક વીજ વપરાશના ચાર્જની ગણતરી પણ ગ્રાહકના વીજ વપરાશ મુજબ વિવિધ સ્લેબ મુજબ થતી હોવાથી સ્લેબ બદલાતા ચાર્જની ગણતરી બદલાતી હોવાથી પણ આ પ્રકારની ગેરસમજ ઉભી થયેલ છે. આ પ્રકારના તમામ દાવાઓની વીજ વિતરણ કંપની દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને તમામ કિસ્સામાં ચાર્જની ગણતરી વીજ વપરાશ મુજબ જ થયેલ છે. આથી ગ્રાહક પાસેથી વધુ ચાર્જ વસુલાતો હોવાના દાવાઓમાં તથ્ય નથી. પરંતુ ચાર્જની ગણતરી વિશે માહિતી ન હોવાથી આ પ્રકારનો સંશય પેદા થયેલ છે.

ગ્રાહકના ખાતામાં ચાર્જ બેલેન્સ માઈનસ 300થી નીચે જવાના કિસ્સામાં ડીસ્કનેકશન કરવામાં આવેલ હતું. મોટાભાગના કિસ્સાઓમાં રીચાર્જ કર્યા બાદ ગ્રાહકના એકાઉન્ટ રિકનેકશન તેની નિયત સમય મર્યાદામાં થયેલ છે. વધુમાં ડિસ્કનેકશનની કામગીરી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન જ કરવામાં આવેલ છે. રજાના દિવસોમાં કે કચેરી સમયના બાદના કલાકોમાં કોઈપણ ડિસ્કનેકશન કરવામાં આવેલ નથી. જેનો તમામ રેકોર્ડ સીસ્ટમમાં મોજૂદ છે. તેથી રાત્રે કે વહેલી સવારે ડિસ્કનેકશન કરવામાં આવેલ હોવાના દાવાઓ યોગ્ય નથી.

કેટલાક ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટરમાં વીજ વપરાશ વધુ હોવાની ફરિયાદ કે દાવાઓ કરવામાં આવેલ છે. સ્માર્ટ મીટર એ અન્ય મીટરની જેમ જ તમામ પ્રકારના ટેસ્ટ અને એકયુરેસી ચેક પછી જ લગાવવામાં આવેલ છે. વધુમા સ્માર્ટ મીટર ઈન્ડીયન સ્ટાન્ડર્ડ પ્રમાણેના સ્પેસિફીકેશન ધરાવે છે અને તે સામાન્ય મીટર મુજબ જ વીજ વપરાશની નોંધણી કરે છે. વધુમાં ચેક મીટર દ્વારા કેટલાક ગ્રાહકોમાં સ્માર્ટ મીટર અને ચેક મીટરમાં વીજ વપરાશની સરખામણી કરવામાં આવેલ છે અને બંનેમાં સમાન વીજ વપરાશ નોંધાયેલ છે. આમ સ્માર્ટ મીટરમાં વધુ વીજ વપરાશના દાવાઓમાં તથ્ય નથી.

આમ, ગ્રાહકોમાં બિલની ગણતરી અંગે જે ગેરસમજો ઉભી થયેલ છે તે નિવારવા તેમજ અન્ય માધ્યમોમાંથી મળેલ વિવિધ સૂચનોને ધ્યાને લઈ સ્માર્ટ મીટરને સંલગ્ન બાબતો સરળ બનાવવા નીચે મુજબની પદ્ધતિ અપનાવવાનું નકકી કરવામાં આવે છે.

♦ સ્માર્ટ મીટર ગ્રાહકો પૈકી જે ગ્રાહકો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાડવા ઈચ્છુક હશે તે ગ્રાહકોના ઘરે ચેક મીટર લગાડવામાં આવશે જેથી બંને મીટરનો વપરાશ સરખાવી શકાય.
♦ સ્માર્ટ મીટર ગ્રાહકો દૈનિક વીજ વપરાશના યુનિટ પોતાની મોબાઈલ એપ્લીકેશન પર જોઈ શકશે.
♦ સ્માર્ટ મીટર ધારકને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને પોતાની સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લીકેશન પર માસિક બીલ આપવામાં આવશે જેની ચૂકવણી માટે હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ નિયત સમય આપવામાં આવશે. જે સ્માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટીવ બેલેન્સમાં હશે તો પણ તેને ‘ડીસ્કનેકશન’ કરવામાં આવશે નહી અને નિયત સમયગાળામાં બિલ ભરપાઈ ન કરવામાં આવે તે કિસ્સામાં હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

સ્માર્ટ મીટર માટે ઉર્જામંત્રીની બેઠક

પ્રિપેઈડ સ્માર્ટમીટરનો વિવાદ ગુજરાતભરમાં ફેલાતો રહ્યો છે અને તે રોકવા માટે એક પછી એક છુટછાટો આપતા નિર્ણયો લઈ રહી છે ત્યારે રાજય સરકારે આજે મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે તેમાં કોઈ નવા નિર્ણયો થાય છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે.

સૂત્રોએ કહ્યું કે, ઉર્જામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, ઉર્જા અગ્ર સચીવ મમતા વર્મા, નાણા અગ્રસચિવ જે.પી.ગુપ્તા, ઉર્જાવિકાસના મેનેજીંગ ડાયરેકટર જયપ્રકાશ શિવહરે વગેરે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. સ્માર્ટમીટરને કારણે સર્જાયેલા ઉહાપોહની સમીક્ષા કરીને જરૂરી સુધારા વિશે નિર્ણયો થવાની સંભાવના છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj