♦ ગુજરાત ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશનના આદેશ મુજબ 1000 થી વધુનાં વિજબીલમાં ‘ડિજિટલ પેમેન્ટ’ ફરજીયાત
અમદાવાદ,તા.22
ગુજરાતમાં પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરનો જોરદાર વિવાદ ચગ્યો જ છે અને સરકાર બેકફુટ પર આવી ગઈ છે. ત્યારે વિજતંત્રનાં નિર્ણયથી વધુ એક ઉહાપોહ સર્જાવાની આશંકા છે. રૂા.1000 થી વધુનાં વિજબીલમાં રોકડથી ચૂકવણી કરવા પર પ્રતિબંધ મુકતો ફતવો જારી કરવામાં આવ્યો છે માત્ર ડીઝીટલ પેમેન્ટ થકી જ બીલ ભરી શકાશે.
ગુજરાત ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશન દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ રૂા.1000 થી વધુના વીજબીલનુ પેમેન્ટ રોકડમાં નહીં કરી શકાય.માત્ર ડીજીટલ-ઓનલાઈન ધોરણે જ પેમેન્ટ કરવુ પડશે.અમદાવાદમાં ટોરન્ટ પાવર દ્વારા તો તેનાં તમામ વિજ ગ્રાહકોને આ પ્રકારની સુચના આપી દેવામાં આવી છે. જોકે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની ચારેય સરકારી વિજ વિતરણ કંપનીઓએ નિયમ લાગુ કરવા માટે સમય માંગ્યો છે.સરકારી કંપનીઓના લાખો ગ્રાહકો ગ્રામ્ય કક્ષાનાં હોવાથી અમલ મોડો રાખવા સુચવ્યુ છે.
ગુજરાત ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશનના આદેશને રાજય સરકારે ગત 6 ડીસેમ્બરે જ નોટીફાઈ કરી દીધો હતો તેમાં એમ કહેવાયું છે કે રૂા.1000 સુધીનું વિજબીલ ગ્રાહકો રોકડ, ચેક, ડ્રાફટ કે ઈ-પેમેન્ટ જેવા વિકલ્પથી ચુકવી શકશે. પરંતુ રૂા.1000 થી વધુના બીલ માટે ઈ-પેમેન્ટ ફરજીયાત રહેશે.
સરકારી વિજ કંપનીઓએ 10,000 થી વધુના વીજબીલ રોકડમાં સ્વીકારવાનું ત્રણ વર્ષ પૂર્વે જ બંધ કરી દીધુ હ્તું. મોટી રકમનાં વિજ બીલનું પેમેન્ટ ચેક, ડ્રાફટ, આરટીજીએસ કે ઓનલાઈન ધોરણે જ સ્વીકારવામાં આવે છે.
ઉર્જા વિકાસ નિગમના સુત્રોએ કહ્યું કે ચારેય સરકારી વિજ કંપનીઓના 1.50 કરોડ વિજ ગ્રાહકો છે.તેમાંથી લાખો ગ્રામ્ય કક્ષાએ છે. રાતોરાત નવો નિયમ લાગુ કરવાનું શકય નથી અને એટલે 1000 થી વધુની રોકડ નહીં સ્વીકારવાનો નિર્ણય હાલ તૂર્ત લાગુ નહિં થાય. 10,000 થી વધુના વીજ બીલ રોકડમાં નહિં લેવાનો નિયમ ચાલુ રહેશે.
તેઓએ કહ્યું કે વિજ બીલની વસુલાત ડીજીટલ-ઓનલાઈન ધોરણે થાય તે માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા છેલ્લા ત્રણ વર્ષમાં અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે અનેક ડીજીટલ પ્લેટફોર્મ સાથે કરાર કરવામાં આવ્યા છે. ઈલેકટ્રીક બીલમાં કયુઆર કોડ આપવામાં આવી રહ્યા છે જે સ્કેન કરીને ગ્રાહકો બીલ પેમેન્ટ કરી શકે છે.
ઉપરાંત ડીજીટલ મર્ચટ, એપ.વેબસાઈટ, જેવા પેમેન્ટ વિન્ડોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી જ છે. ગ્રામ્ય કક્ષાએ પણ ગ્રાહકોને ડીજીટલ પેમેન્ટની સુવિધા મળે તે માટે ઈ-ધરા ઓફીસમાં પણ બીલ સ્વીકારવાની સુવિધા છે.
વીજ બીલ વસુલાતમાં ઓનલાઈન પેમેન્ટનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. 2021-22 માં 2.49 કરોડ ડીજીટલ ટ્રાન્ઝેકશન થયા હતા તે 2022-23 માં વધીને 2.95 કરોડ તથા 2023-24 માં 3.45 કરોડે પહોંચ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy