www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા ધોરાજીની કોર્ટનો હુકમ


સાંજ સમાચાર

ધોરાજી,તા.10
હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા ધોરાજીની અદાલત દ્વારા હુકમ ફરમાવામાં આવેલ છે.આ બનાવની હકીકત એવી છે કે ઉપલેટા તાલુકાનાં લાઠ ગામે રહેતાં મગનભાઈ જાદવભાઈ મારવાણીયા તથા તેના પુત્ર કૌશીકભાઈ મગનભાઈ મારવાણીયા ઉપર દિલીપભાઈ નાનજીભાઈએ એવી ફરીયાદ કરેલ કે ગત તા.27/2/2020નાં રોજ તેઓ ઘરેથી નીકળેલા ત્યારે મગનભાઈની વાડીની ઓરડી પાસે તેનાં કાકાનો દિકરો સંજય મારવાણીયા લોહીલુહાણ હાલતમાં પડેલ હતો અને મગનભાઈએ કહેલ કે રાત્રીનાં મે સંજયને કુહાડીનાં ઘા મારીને મારી નાંખેલ અને લોહીનાં ધાબાઓ ઉપર માટી ભુસી દીધેલ.જેથી દિલીપભાઈએ પાટણવાવ પોલીસ સ્ટેશન તથા લાઠ ગામનાં પુથ્વીરાજસિંહને ફોન કરી જાણ કરેલ અને પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ.

જે કેશ સેશન્સ અદાલતમાં ટ્રાન્સફર થતાં ધોરાજી કોર્ટ દ્વારા આરોપીઓ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ 302,201,120 (બી) તથા જી.પી.એકટ કલમ-135 મુજબ તહોમતનામુ ફરમાવવામાં આવેલ.ત્યાર બાદ ફરીયાદી તથા તેના સંગા-સંબંધીઓ અને અન્ય સાહેદોની જુબાનીઓ કોર્ટ દ્વારા લેવામાં આવેલ અને પોલીસ સાહેદો તથા ડોકટરની જુબાનીઓ લેવામાં આવેલ.ત્યાર બાદ ફરીયાદ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવેલ અને આરોપી પક્ષે તેમનાં વકીલ ધોરાજીનાં એડવોકેટ ચંદુભાઈ પટેલ દ્વારા વિસ્તૃત દલીલો કરી ઉચ્ચ અદાલતોનાં સિદ્ધાંતરૂપી જજમેન્ટસ રજુ કરવામાં આવેલ અને મરણ જનાર સંજયભાઈ મહારાષ્ટ્રના લાતુર મુકામે રહેતો હતો.

અને ઘણાં લોકો સાથે પૈસાની લેતી દેતી બાબતે સંજયભાઈને ઝઘડા હતા અને સંજયભાઈની પત્નિ પણ તેને છોડીને જતી રહેલી હતી.આ ઉપરાંત પોલીસે તટસ્થતા પૂર્વક તપાસ કરેલ નથી તથા ફોરેન્સીક લેબોરેટરીનાં રીપોર્ટમાં પણ વિસંગગતા આવેલ વિગેરે બચાવ લેવામાં આવેલ. જે તમામ હકીકતો લક્ષમાં લઈ ધોરાજી સેશન્સ અદાલત દ્વારા કહેવાતા ખુનનાં બનાવમાં તેમજ ફરીયાદીની ફરીયાદ મુજબનો કોઈ ગુન્હો આરોપીઓએ કરેલ ના હોવાનું માની આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા સેશન્સ અદાલત ધોરાજી દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કામમાં આરોપીઓ મગનભાઈ જાદવભાઈ મારવાણીયા તથા તેનાં પુત્ર કૌશીકભાઈ મગનભાઈ મારવાણીયા વતી એડવોકેટ ચંદુલાલ એસ.પટેલ તથા સંજયકુમાર પી.વાઢેર રોકાયેલ હતાં.  

Print