www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભા ચૂંટણી સમયે જ ભંડોળ અંગે કાગારોળ મચાવી રહેલા કોંગ્રેસ પક્ષને વધુ ફટકો

આવકવેરા રીએસેસમેન્ટ સામે કોંગ્રેસની અરજી ફગાવતી દિલ્હી હાઈકોર્ટ


2014-15થી 2016-17 સુધીના ત્રણ વર્ષના કોંગ્રેસના આવકવેરા રીટર્નના રીએસેસમેન્ટને પડકારાયુ હતું: અગાઉ 2017-18 થી 2020-21ના રીએસેસમેન્ટમાં કોંગ્રેસને રૂા.105 કરોડની ટેક્ષ ડીમાંડ નોટીસ પણ ફટકારાઈ છે

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
લોકસભા ચૂંટણી પુર્વે જ બેન્ક ખાતા ફ્રીઝ થવાની અને નાણાકીય રીતે મુશ્કેલીમાં હોવાની કોંગ્રેસની બુમરાણ વચ્ચે આજે ફરી એક વખત આ પક્ષને મોટો ફટકો પડયો છે અને દિલ્હી હાઈકોર્ટે 2014 થી 2017ના વર્ષ માટે કોંગ્રેસના આવકવેરા રિટર્નના રીએસેસમેન્ટ સામેની પક્ષની અરજી ફગાવી દીધી છે.

હાલમાં જ એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે, પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ ભરીને ચુંટણી સમયે જ કોંગ્રેસ સામેની આવકવેરા કાર્યવાહી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા.

આક્ષેપ કર્યો હતો કે, તેમના બેન્ક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે જેના કારણે તેઓ ચુંટણી લડી શકે તેટલા નાણા પણ તેમની પાસે નથી. કોંગ્રેસના નેતાઓએ મોદી સરકાર પર ઈરાદાપૂર્વક આ પ્રકારની કાર્યવાહી કરવાનો આક્ષેપ મુકયો હતો.

તો બીજી તરફ આવકવેરા ખાતાએ 2014 થી 2021ના સમયગાળા દરમ્યાન કોંગ્રેસ પક્ષના હિસાબોમાં જે વ્યાપક ગડબડી અને બિનહિસાબી એન્ટ્રીઓ હોવાનું શોધી કાઢયું હતું. જેના કારણે કોંગ્રેસ પર વધુ ભારે દંડ પણ ફટકારાઈ તેવી શકયતા હતી તે વચ્ચે કોંગ્રેસ વચ્ચે આવકવેરા ખાતા દ્વારા રીએસેસમેન્ટની કાર્યવાહી સામે દિલ્હી હાઈકોર્ટમાં સ્ટે માંગ્યો હતો.

હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માની ખંડપીઠે આ અરજી ફગાવતા જણાવ્યું હતું કે, આવકવેરા ખાતાની કાર્યવાહીમાં આખરી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી અદાલત તેમાં દરમ્યાનગીરી કરવા માંગતી નથી. એક સપ્તાહમાં કોંગ્રેસને બીજો ફટકો છે. આવકવેરા વિભાગે 2017-18થી 2020-21ના વર્ષ માટેના રીએસેસમેન્ટની કાર્યવાહી પણ શરુ કરી હતી અને તેમાં કોંગ્રેસને મોટી ટેકસ જવાબદારી તથા દંડ વગેરે ભરવો પડે તેવી શકયતા છે.

તા.13 માર્ચના રોજ હાઈકોર્ટે આવકવેરા ટ્રીબ્યુનલના એ આદેશ સામે પણ સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો અને તેના આધારે આવકવેરા ખાતાએ કોંગ્રેસ પાસેથી રૂા.105 કરોડની રીકવરી નોટીસ પણ આપી હતી અને તેના બેન્ક ખાતામાંથી આ રકમ પણ એટેચ કરી લીધી છે. કોંગ્રેસે અગાઉ તા.22ના રોજ આવકવેરા ખાતાના સિંગલ બેંચના આદેશને પડકાર્યો હતો.

 

Print