www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાયદો એટલે કાયદો: વડાપ્રધાનના સુરક્ષા કાફલાની 3 ડિઝલ કારનું રજીસ્ટ્રેશન લંબાવવા ‘ના’


એસપીજીની માંગ ફગાવાઈ: 10 વર્ષ જુના ડિઝલ વાહનો પર પ્રતિબંધનો અમલ કરવો પડે

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તૈનાત કરાયેલી ત્રણ ડીઝલ કારનું રજીસ્ટ્રેશન લંબાવવાનો ઈન્કાર કર્યો છે. વડાપ્રધાનની સલામતીનાં વિશેષ હેતુ માટે આ ત્રણેય કાર જરૂરી હોવાથી તેનું રજીસ્ટ્રેશન લંબાવવા સ્પેશ્યલ પ્રોટકશન ગ્રુપ (એસપીજી) એ એનજીટીમાં અરજી કરી હતી. જોકે ટ્રિબ્યુનલે તેની અરજી ફગાવી દીધી હતી.

એનજીટીનાં અધ્યક્ષ ન્યાયમુર્તિ પ્રકાશ શ્રીવાસ્તવ તથા સ્પેશ્યલ મેમ્બર ડો.સેન્થિલવેલની મુખ્ય બેન્ચે એસપીજીની અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટના ઓકટોબર 2018 ના આદેશનો હવાલો આપ્યો હતો. આ આદેશમાં દિલ્હી એનસીઆરનાં રસ્તાઓ પર 10 વર્ષની વધુ જુના ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મુકાયો હતો.

સુનાવણી દરમ્યાન ટ્રિબ્યુનલે જણાવ્યુ હતું કે આ ત્રણેય વાહનો વિશેષ ઉપયોગ માટે છે અને તે સામાન્ય રીતે ઉપલબ્ધ નથી તે બાબતથી અમે વાકેફ છીએ.છેલ્લા 10 વર્ષ દરમ્યાન આ વાહનોનો વપરાશ બહુ ઓછા પ્રમાણમાં થયો છે. તે પણ અમે ધ્યાનમાં લીધુ છે.

આ ઉપરાંત વડાપ્રધાનની સલામતીના વિશેષ હેતુ માટે તેની આવશ્યકતા પણ છે. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયનાં આદેશને પગલે આ ત્રણેય વાહનોનું રજીસ્ટ્રેશન લંબાવી શકાય તેમ નથી.વડાપ્રધાનની સલામતીમાં તૈનાત એસપીજીએ એનજીટીને કરેલી અપીલમાં માર્ગ પરિવહન વિભાગ આ ત્રણેય બુલેટપ્રુફ કારનું રજીસ્ટ્રેશન પાંચ વર્ષ સુધી લંબાવી આપે તેવી માંગ કરી હતી.

આ ત્રણેય ગાડીઓ 2013 ની છે જેમનું રજીસ્ટ્રેશન 2014 માં થયુ હતું. આ ત્રણેય કાર છેલ્લા 9 વર્ષમાં અનુક્રમે 6,000 કી.મી., 9,500 કીમી તથા 15,000 કીમી ચાલી છે.

 

Print