બુધવારે કોરોનાએ બેવડી સદી ફટકારી: શહેરમાં 109, ગ્રામ્યમાં 93 કેસ

08 April 2021 12:46 PM
Jamnagar Saurashtra
  • બુધવારે કોરોનાએ બેવડી સદી ફટકારી: શહેરમાં 109, ગ્રામ્યમાં 93 કેસ

જામનગરમાં દરરોજ રેકર્ડ તોડતો કોરોના : શહેરમાં 2502 અને ગ્રામ્યમાં 1661 લોકોના કરાયા હતાં ટેસ્ટ: કુલ ટેસ્ટનો આંક 4.67 લાખને પાર

જામનગર તા.8
જામનગરમાં ગઇકાલે કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. ગઇકાલે કોરોના કાળના 367 દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા લોકો અને આરોગ્ય તંત્રમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. જામનગર શહેરમાં કોરોનાએ સદી ફટકારી હતી તો જામનગર ગ્રામ્યમાં પણ ગઇકાલે અત્યાર સુધીના સૌથી વધુ 93 કેસનો રાફડો ફાટ્યો હતો. આમ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળીને ગઇકાલે કોરોનાના કુલ 202 કેસ નોંધાયા હતાં. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 761 કેસ નોંધાયા હતાં.


જામનગરમાં ગઇકાલે કોરોના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટી-20 મેચની માફક તૂટી પડ્યો હોય તેમ રેકર્ડબ્રેક સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા હતાં. જામનગર શહેરની વાત કરીએ તો ગઇકાલે બીજી લહેર દરમિયાનના સૌથી વધુ સેમ્પલ ગઇકાલે લેવામાં આવ્યા હતાં. 2502 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ જી.જી.હોસ્પિટલ અને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો હતો. ટેસ્ટીંગ વધવાની સાથે કોરોનાએ પણ તેનો કલર બતાવ્યો હતો અને ગઇકાલે પોઝીટીવ કેસનો આંક સદી વટાવી 109 થયો હતો. આટલી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ જાહેર થવાની બીજી તરફ ગઇકાલે જામનગર શહેરના માત્ર 40 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલ સુધીમાં જામનગર શહેરમાં 2,58,952 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે.


જામનગર ગ્રામ્યમાં ગઇકાલે સર્જાયેલી સ્થિતિને પગલે આરોગ્ય તંત્રમાં તેમજ ગ્રામ્ય પ્રજામાં પણ કોરોનાના કહેર સામે ભયની લાગણી ઉભી થઇ છે. કેમકે કોરોના કાળના 367 દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આટલી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ નોંધાયા નથી. ગઇકાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં 1661 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી અધધધ... 93 દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ સામે ગ્રામ્ય વિસ્તારના 44 દર્દીઓ ગઇકાલે સ્વસ્થ બનીને ડિસ્ચાર્જ મેળવી શક્યા હતાં.


આમ ગઇકાલે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 4163 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે કોરોનાની બીજી લહેર દરમિયાનનો સૌથી વધુ ટેસ્ટીંગનો આંક છે. આ પૈકી ગઇકાલે કુલ 202 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે કોરોનાગ્રસ્ત માત્ર 84 દર્દી જ ગઇકાલે સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ થયા હતાં. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કોરોનાના પોઝીટીવ કેસની ગઇકાલે બેવડી સદી નોંધાઇ હતી. 5 એપ્રિલ 2020 થી શરૂ કરીને 7 એપ્રિલ 2021 સુધીના 367 દિવસના લાંબા કોરોના કાળ દરમિયાન એક દિવસમાં નોંધાયેલા (જાહેર કરાયેલ) કોરોનાના પોઝીટીવ કેસની સૌથી વધુ સંખ્યા ગઇકાલે જોવા મળી હતી. આ 367 દિવસ દરમિયાન થયેલા શહેર અને ગ્રામ્યના મળીને કુલ કોરોના ટેસ્ટનો આંક 4,67,641 એ પહોંચ્યો છે. જેમાં શહેરના 2,58,952 અને ગ્રામ્ય વિસ્તારના 2,08,689 ટેસ્ટનો સમાવેશ થાય છે.એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કોરોનાની દૈનિક એવરેજ 108
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એપ્રિલ માસની શરૂઆતથી જ કોરોનાએ અજગરી ભરડો શરૂ કર્યો હોય તેમ દરરોજ આગલા દિવસ કરતાં વધુ માત્રામાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં છે. આંતરિક રીતે કોરોના એટલી હદે વકર્યો છે કે, દરરોજ કેસમાં વધારો થાય છે પરંતુ ઘટાડો નોંધાતો નથી. દરરોજ વધતાં કેસને પગલે તંત્ર ઉપર પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. છેલ્લા એક સપ્તાહની અંદર જામનગર શહેર અને ગ્રામ્યના મળીને 761 કેસ જાહેર કરવામાં આવ્યા છે. આમ કોરોનાના કેસની દૈનિક એવરેજ ચાલુ માસમાં 108 જેટલી નોંધાઇ છે.


Related News

Loading...
Advertisement