નવી દિલ્હી તા.8
ભારતમાં કોરોનાની ભયાનક લહેર વચ્ચે અનેક રાજયો નાઈટ કરફયુ લાદવા માંડયા છે. ફરી લોકડાઉનની અટકળો પણ તેજ થઈ છે. જયારે લોકો પેકેજડ તૈયાર ખાદ્યચીજોની મોટાપાયે ખરીદી કરવા લાગ્યા છે. બિસ્કીટ, નમકીન, નુડલ્સ, ફ્રોઝન, ફૂડ, ઠંડાપીણા તથા ખાદ્યતેલ જેવી ચીજોની ડીમાંડમાં મોટી વૃધ્ધિ થઈ છે.
પેકેજ ફૂડ તથા અનાજ-કરીયાણાની ઈકોમર્સ કંપનીઓના સુત્રોના કહેવા પ્રમાણે મુંબઈમાં વિક એન્ડ લોકડાઉન જાહેર થયુ છે અનેક રાજયોમાં નાઈટ કરફયુ છે. ભારતમાં કોરોના કેસ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. લોકડાઉનના પણ ભણકારા વાગી રહ્યા છે તેવા સમયે ઈન્સ્ટંટ ફૂડની ડીમાંડ વધી છે. નિયંત્રણો વધવા સાથે માઈક્રો-ક્ધટેનમેન્ટ ઝોનમાં મોટો વધારો છે. લોકો પાસે ઘેર જમવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. પરીણામે પેકેઝડ તથા ઈન્સ્ટંટ ફૂડના વેચાણ વધવા લાગ્યા છે. આવતા દિવસોમાં કોવીડ હાલતમાં કેવો વળાંક રહે છે તેના પર આવતા મહિનાઓની ડીમાંડ નિર્ભર રહેશે.
ગત વર્ષે એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં લોકડાઉન વખતે પેકેજડ ચીજોનું વેંચાણ રેકોર્ડબ્રેક સ્તરે નોંધાયુ હતું. અનલોક પ્રક્રિયા સાથે ફરી નોર્મલ સ્તરે આવવા લાયુ હતું પરંતુ હવે કોરોનાની નવી લહેર સાથે નવેસરથી નિયંત્રણો આવવા લાગતા પેકેજડ ફૂડની ડીમાંડ સરેરાશ ડબલ થઈ ગઈ છે અમુક કિસ્સામાં તો 6 ગણી થઈ છે.ઈ-કોમર્સ કંપનીઓને મોટો તડાકો છે. સુત્રોના કહેવા પ્રમાણે મોટા ફૂડ પેકેટ ઉપરાંત આરોગ્યવર્ધક ચીજોની ડીમાંડમાં મોટી વૃદ્ધિ છે કોરોનાની વર્તમાન લહેર હળવી ન બને ત્યાં સુધી ડીમાંડ વધતી જ રહેવાની શકયતા છે.નિયંત્રણો લોકડાઉન લોકલ સ્તરે જાહેર થતુ હોવાથી સપ્લાય ચેઈનને કોઈ અસર નથી.
અનાજ-કરીયાણુ પહોંચાડતી ઈ-કોમર્સ કંપનીઓના સુત્રોએ ક્હયું હતું કે રેડી-ટુ-ઈટ તથા રેડી ટુ કુક પ્રોડકટની ડીમાંડમાં 80 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.ફ્રોઝન ફૂડની માંગ પાંચ ગણી વધી ગઈ છે.મિલ્ક પ્રોડકટની ડીમાંડમાં 150 ટકાનો વધારો છે. કોરોનાની લહેર વધુ તીવ્ર બનતી હોવાથી વધુ નિયંત્રણોનાં ભણકારાથી ડીમાંડ હજુ વધવાની ગણતરી રાખીને તમામ તૈયારી કરવામાં આવી છે. નિષ્ણાંતો પણ એવો સંકેત આપી રહ્યા છે કે ફૂડ પ્રોડકટ કંપનીઓ માટે એપ્રિલ-જુનનો સમય ગત વર્ષ જેવો સ્ટ્રોંગ ડીમાંડવાળો જ બની રહેવાની શકયતા છે. કંપનીઓ હવે મોટા પેકેટ તૈયાર કરવા લાગી છે. સાથોસાથ ગ્રાહકોને અનુકુળતાં રહે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. નાના પેકેટો યથાવત રખાયા છે.
રાષ્ટ્રીય સ્તરે ડીમાંડમાં મોટો વધારો છે જ ગુજરાતમાં પણ 20 શહેરોમાં 8 થી 6 નો નાઈટ કરફયુ અમલી બન્યો છે. લોકોમાં લોકડાઉનની પણ દહેશત છે. રાજકોટ સહીતના શહેરોમાં વહેલા રાત્રી કરફયુના ગઈકાલનાં પ્રથમ દિવસે બજારોમાં ભયાવહ ભીડ જોવા મળી જ હતી. અનાજ-કરીયાણા, બેકરી, મોલ, વગેરેમાં લોકોની એન્ટ્રી અનેકગણી હતી એટલે દેખીતી રીતે જ ડીમાંડમાં વૃદ્ધિ સ્પષ્ટ છે.