મહારાષ્ટ્રમાં મહાભારત! સચીન વાઝેનો લેટર-બોંબ: વધુ એક પ્રધાનનું નામ

08 April 2021 12:13 PM
India Politics
  • મહારાષ્ટ્રમાં મહાભારત! સચીન વાઝેનો લેટર-બોંબ: વધુ એક પ્રધાનનું નામ

ચાર પાનાનો સ્ફોટક પત્ર મહારાષ્ટ્રનાં રાજકારણને વધુ ધ્રુજાવશે : શિવસેનાના પરિવહન પ્રધાન અનિલ પરબે કોન્ટ્રાકટરો પાસેથી બે કરોડ, ટ્રસ્ટ પાસેથી 50 કરોડ ઉઘરાવવા સુચવ્યાનો ધડાકો: ગુટખા ઉત્પાદકો પાસેથી 100 કરોડ વસુલવા અજીત પવારનાં સાથીએ સુચના આપી હતી.

મુંબઈ તા.8
રીલાયન્સના વડા મુકેશ અંબાણીના નિવાસ નજીકથી વિસ્ફોટક સાથે પકડાયેલી કારની તપાસમાં નવા-નવા રાજકીય ધડાકાનો સિલસિલો જારી રહ્યો હોય તેમ સમગ્ર ષડયંત્રમાં પકડાયેલા પોલીસ અધિકારી સચીન વાઝેએ નવો પત્ર-બોંબ ફોડયો છે તેમાં વધુ એક પ્રધાનના વસૂલી કારસ્તાનનો ભાંડો ફોડયો છે. ઉપરાંત નાયબ મુખ્યમંત્રીની અત્યંત નજીકનાં માણસ સામે પણ આંગળી ચીંધી છે. સચીન વાઝેનો આ પત્ર કોર્ટે સ્વીકાર્યો નથી અને નિર્ધારીત પ્રક્રિયા મારફત દાખલ કરવા સુચવ્યુ છે. છતા તેનાથી મહારાષ્ટ્રમાં નવુ રાજકીય મહાભારત સર્જાયુ છે.


મહારાષ્ટ્રમાં ખંડણીનાં આરોપ તથા સીબીઆઈ તપાસના આદેશથી ગૃહપ્રધાન અનિલ દેશમુખનો ભોગ લેવાયા બાદ હવે પરિવહન પ્રધાન અનિલ પરખનું નામ ઉપસ્યુ છે. સચીન વાઝેએ એનઆઈએ કોર્ટને લખેલા પત્રમાં એવો ધડાકો કર્યો છે કે શિવસેનાના પરિવહન પ્રધાન અનિલ પરબ પણ પોતાના મારફત ખંડણી ઉઘરાવતા હતા. મુંબઈ કોર્પોરેશનના 50 કોન્ટ્રાકટરો પાસેથી ઓછામાં ઓછા બે કરોડ ઉઘરાવવા સુચના આપી હતી.


ચાર પાનાના પત્રમાં તેઓએ એવો ધડાકો કર્યો હતો કે સૈફી બુરહાની અપલીફટમેન્ટ ટ્રસ્ટ સામેની તપાસ સંકેલી લેવા માટે 50 કરોડનું સેટલમેન્ટ કરવા અનિલ પરબે દબાણ કર્યું હતું. ગત વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં મંત્રીએ પોતાના નિવાસસ્થાને તેડાવ્યા હતા. ટ્રસ્ટનું પ્રકરણ ચકાસવા કહ્યું હતું. તપાસ સંકેલવા પણ 50 કરોડનું સેટલમેન્ટ કરવા કહ્યું હતું. પોતે ટ્રસ્ટમાં કોઈને ઓળખતા ન હોવાથી ઉપરાંત તપાસ પણ પોતાના હસ્તક ન હોવાથી અસમર્થતા દર્શાવી હતી.


આ પછી ગત જાન્યુઆરીમાં મંત્રીએ ફરી બોલાવ્યો હતો.કોર્પોરેશનના 50 કોન્ટ્રાકટરો પાસેથી બે કરોડ ઉઘરાવવા કહ્યું હતું. નનામી અરજીઓના આધારે આ કોન્ટ્રાકટરો સામે તપાસ ચાલુ હતી તે પ્રાથમીક તબકકે જ હતી. મારી બદલી સુધી તેમાં કોઈ ગરબડ માલુમ પણ પડી ન હતી.


વાઝેના આ પત્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનાં નજીકનાં શખ્સ સામે પણ આરોપ મુકવામાં આવ્યો છે. ગેરકાયદે ગુટખા વેંચતા ઉત્પાદન કરનારાઓ પાસેથી મહિને 100 કરોડ વસુલવા સુચવ્યુ હતું.આ શખ્સે ગુટખાનાં ગેરકાયદે વેપારની માહીતી આપીને ફોન નંબર પણ આપ્યા હતા જોકે પોતે ઈન્કાર કરતા આ શખ્સે ફરી પદ ગુમાવવાની ધમકી આપી હતી.પૂર્વ પોલીસ કમી.પરમસિંહના આરોપનો પુનરોચ્ચાર કરતાં તેઓએ કહ્યું હતું કે શરદ પવાર પોતાને ફરી નોકરીએ લેવા માંગતા ન હતા. ત્યારે અનિલ દેશમુખે બે કરોડ આપે તો સમજાવટ કરાવી દેવા કહ્યું હતું પોતે તેમાં અસમર્થતા દર્શાવતાં ‘પછી આપે દેવા’ કહ્યું હતુ.


ગત જાન્યુઆરીમાં અનિલ દેશમુખે 1650 બાર રેસ્ટોરા પાસેથી 3-3.50 લાખની વસુલી કરવા ક્હયું હતું પોતે ના પાડીને બંગલા પરથી નિકળી ગયા ત્યારે તેમનાં પીઓએ નોકરી સલામત રાખવી હોય તો વાત માની લેવા કહ્યું હતું. આ બારામાં પોતે પોલીસ કમી.નું ધ્યાન પણ દોર્યુ હતું. તેઓએ કોઈનાં આવા કામ નહિં કરવા સુચના આપી હતી.


Related News

Loading...
Advertisement