સાવરકુંડલામાં માસુમ બાળાનાં દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ: 15 લાખનો દંડ

08 April 2021 10:42 AM
Amreli Crime
  • સાવરકુંડલામાં માસુમ બાળાનાં દુષ્કર્મ કેસમાં
આરોપીને આજીવન કેદ: 15 લાખનો દંડ

સ્પે.પોકસો કોર્ટે સજા ફરમાવી: ભોગ બનનાર બાળાને રૂા.10 લાખનું વળતર ચુકવવા હુકમ

અમરેલી તા.8
સાવરકુંડલાના એક નરાધમ શખ્સે એક વર્ષ પહેલા રાત્રીના સમયે ઝુંપડપટ્ટીમાંથી એક ત્રણ વર્ષની માસુમ બાળકીને ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યાની ઘટનામાં આજે સરકારનાં લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા નિમણુંક કરવામાં આવેલ વકીલની ધારદાર રજુઆતના આધારે કોર્ટે આરોપીને જીવીત રહે ત્યાં સુધી આજીવન કેદની સજા અને રૂા.15 લાખના દંડની સજાનો હુકમ કરતા ભારે ચકચાર જાગેલ હતી.


પ્રાપ્ત વિગત મુજબ ગત તા.21-5-2020 ના રોજ રાત્રીનાં સમયે રાજુ ઉર્ફે કડી નારણ માંગરોલીયા નામના નરાધમ શખ્સે સાવરકુંડલાની ઝૂંપડપટ્ટીમાંથી સુતેલી એક ત્રણ વર્ષની માસુમ બાળકીને ઓટોરીક્ષામાં ઉપાડી ગયેલ હતો. સાવરકુંડલા નજીક ઝીંઝુડા ગામના પાદર પાસે રોડના કાંઠે લઈ જઈ બેરહેમીથી દુષ્કર્મ આચરેલ હતું. નરાધમ શખ્સ બાળકીને ત્યાંજ તરછોડી નાસી ગયેલ હતો.સવારે લોહીલોહાણ હાલતમાં બાળકીને સારવારમાં ખસેડાયેલ હતી.દુષ્કર્મની ઘટના અંગે કલમ 363, 366,376 એ.બી.377 અને પોકસોની કલમ 4,6,8,10 મુજબ ફરીયાદ નોંધાવેલ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કરેલ હતો.


દુષ્કર્મની જધન્ય ઘટનાને ધ્યાને લઈ સરકારનાં લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા સ્પેશ્યલ પી.પી.ઉદયન ત્રીવેદીની નિમણુંક કરવામાં આવેલ હતી. સ્પેશ્યલ પોકસો કોર્ટનાં જજ આર.આર.દવેએ વકીલની ધારદાર રજુઆતને ધ્યાને લઈ ગત તા.31-03 ના રોજ આરોપીને કસુરવાર ઠરાવેલ હતો. જે અંગેનો ચુકાદો આજે આપેલ હતો જેમાં આરોપી રાજુ ઉર્ફે રાજુ કડી નારણ માંગરોળીયાને જીવે ત્યાં સુધી આજીવન કેદ અને રૂા.15 લાખના દંડની સજાનો હુકમ કરેલ હતો. જેમાં રૂા.દસ લાખ ભોગ બનનારના નામે રાષ્ટ્રીયકૃત બેંકમાં 18 વર્ષની થાય ત્યાં સુધી મુકવા હુકમ કરેલ હતો.


Related News

Loading...
Advertisement