રેલ્વેમાં નોકરી આપવાનું કૌભાંડ : કોલલેટર તૈયાર કરનાર બિહારનો રાકેશ ભગત ઝડપાયો

07 April 2021 05:37 PM
Rajkot
  • રેલ્વેમાં નોકરી આપવાનું કૌભાંડ : કોલલેટર તૈયાર કરનાર બિહારનો રાકેશ ભગત ઝડપાયો

અગાઉ ક્રાઇમ બ્રાન્ચે સાત શખ્સોને ઝડપી પાડયા’તા : આરોપી ગામડામાં ફરતો’તો ત્યારે રાજકોટના ટેકનીકલ સ્ટાફે લોકેશનના આધારે દબોચ્યો

રાજકોટ તા. 7 : રેલવેમાં નોકરી આપવાનું આંતરરાજય બોગસ કૌભાંડ રાજકોટ ક્રામઇ બ્રાંચે ઝડપી પાડયું હતુ. જેમાં નકલી કોલ લેટર બનાવનાર રાકેશ ઉર્ફે અંકુશ ઉર્ફે રાહુલ નાનહક ભગત (ઉ.વ.23 રહે. સેન્ડોર ગામ બિહીયા, જિ. ભોજપુર-આરા) ને બિહારથી દબોચી લેવાયો છે. અગાઉ આ પ્રકરણમાં હિમાંશુ પાંડે, શશીપ્રસાદ ગુપ્તા, સુરજ મોર્ય, અટલ મદન ગોપાલ ત્રીપાઠીની ઉતર પ્રદેશથી ધરપકડ કરાઇ હતી. જયારે કલ્પેશ શેઠ, ઇકબાલ અહેમદ ઉર્ફે મુનો ખત્રી અને શૈલેષ ઉર્ફે સેટીંગ દલસાણીયાની ગુજરાતમાંથી ધરપકડ થઇ હતી. આ સાત આરોપીના રીમાન્ડ દરમિયાન રાકેશ ભગતનું નામ ખુલ્યુ હતુ. જે અંગે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ કુલદિપસિંહ જાડેજા વગેરે ટીમના સભ્યો બિહાર પહોંચ્યા હતા. પરંતુ આરોપીને જાણ હતી કે પોલીસ તેમની પાછળ છે તેથી તે બિહારના જુદા જુદા ગામડામાં ફરતો હતો જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે ટેકનીકલ અને હયુમન રીસોર્સના માધ્યમથી આરોપીને ટ્રેક કરી બિહારના રોહતાસ જીલ્લાના સાસારામ ખાતેથી દબોચી લીધો હતો. અને હાલ તેને રાજકોટ લઇ આવી વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement