મોરબી : આરોગ્ય તંત્રની ગોલમાલ! કોરોનાથી 230 મોત પણ સરકારી ચોપડે માત્ર 19!

07 April 2021 05:31 PM
Morbi
  • મોરબી : આરોગ્ય તંત્રની ગોલમાલ! કોરોનાથી 230 મોત પણ સરકારી ચોપડે માત્ર 19!

લીલાપર રોડ ઉપરની અનામત ભઠ્ઠીમાં જ એક વર્ષમાં 120 કોરોનાગ્રસ્ત મૃતદેહોનાં અગ્નિ સંસ્કાર કરાયા : છેલ્લા બે દિવસમાં જ 9 મોત થઇ ચુકયા છે

મોરબી તા.7
સમગ્ર રાજયની સાથો સાથ મોરબી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. દિનપ્રતિદિન કેસો વધવા સાથે કોરોનાથી મૃત્યુ પણ સતત વધી રહ્યા છે. છતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મૃત્યુનાં આંકડા સતત છુપાવવામાં આવી રહ્યા છે. મોરબી શહેર-જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોત આરોગ્ય વિભાગ દ્વારા દેખાડવામાં આવે છે. તેમના કરતા વધુ મોત થયાનું બહાર આવી રહ્યું છે.


એવી વિગતો બહાર આવી છે કે મોરબી જિલ્લામાં કોરોનાનાં કારણે 230 દર્દીઓના મોત થઇ ચુકયા છે. પરંતુ સરકારી ચોપડે માત્ર 19 મોત જ દર્શાવવામાં આવ્યા છે! ઉલ્લેખનીય બાબત એ છે કે લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાનમાં કોરોનાનાં દર્દીઓના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવેલ આ અનામત ભઠ્ઠીમાં એક વર્ષમાં જ કોરોનાગ્રસ્ત 120 લોકોનાં અગ્નિ સંસ્કાર કરાયા છે. તેમ છતાં હજુ સરકારી ચોપડે મૃત્યુનાં આંકડાને વધારવામાં આવતા નથી! છેલ્લા બે દિવસની જ વાત કરીએ તો મોરબીમાં કોરોનાને કારણે વધુ 9નાં મોત નિપજયા છે.


છતા પણ તંત્ર દ્વારા હજુ આંકડાકીય ગોલમાલ કરવામાં આવી રહી છે. જે લોકો માટે ઘાતક બાબત છે. હકિકત એ છે કે છેલ્લા એક માસથી મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થવાની સાથો સાથ મૃત્યુનો આંક પણ વધવા પામ્યો છે. સિવિલ હોસ્પિટલમાંથી સ્મશાન ખાતે ડેડ બોડી લઇ જવામાં પણ વેઇટીંગ હોય તેવો ઘાટ છેલ્લા દિવસોમાં સર્જાયો છે. તંત્ર ભલે કોરોનાગ્રસ્ત દર્દીનાં મોતનાં આંકડામાં રમત કરતુ હોય પરંતુ વાસ્તવિકતા જુદી છે. છેલ્લા બે દિવસમાં જ 9 કોરોના દર્દીઓનાં મોત થયા છે અને સરકારી ચોપડે આંકડો નીચો બતાવવા માટે માત્ર 19 લોકોનાં જ કોરોનાને કારણે મોત થયાનું દર્શાવાયુ છે. શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થાય તો તેની બોડીનાં નિકાલ માટે કોરોનાની અનામત ભઠ્ઠી લીલાપર રોડ ઉપર આવેલ છે. આ વિદ્યુત સ્મશાનમાં જ છેલ્લા એક વર્ષમાં કોરોનાગ્રસ્ત 120થી વધુનાં અંતિમ સંસ્કાર કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં વર્ષ 2020નાં મે-માસમાં કોરોનાનો સૌ પ્રથમ કેસ આવ્યો હતો. ત્યારથી લઇ આજ સુધીમાં 3785થી વધુ પોઝીટીવ કેસો આવેલ હતા. જે પૈકી 3286 દર્દીઓ સારવાર લઇ સાજા થયા હતાં.


મોરબીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરીની ખાસ જરૂર કોરોના સંક્રમણ અંતર્ગત કલેકટર કચેરીમાં બેઠક મળી
રાજકોટ તા.7
મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. પરંતુ કેસોનાં સાચા આંકડા બહાર આવતા નથી જેનું મુખ્ય કારણ છે. જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરી જ નથી! આથી કોરોનાનાં સાચા આંકડા બહાર આવી શકતા નથી. દરમ્યાન જિલ્લામાં વધતા જતાં સંક્રમણ સાથો-સાથ ચિંત પણ વધી રહી છે. આથી ગઇકાલે કલેકટર કચેરી ખાતે કચ્છ-મોરબીનાં સાંસદની હાજરીમાં બેઠક મળી હતી અને આ બેઠકમાં મોરબી જિલ્લા માટે પૂરતા ઇન્જેકશનો, દવાનો જથ્થો ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરી અંગે સરકારમાં રજૂઆત કરવા નક્કી કરાયું હતું.


મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે તા.9થી લોકોને કોરોનાનો રેપીડ ટેસ્ટ કરી અપાશે

પોઝીટીવ આવનારને 14 દિવસની દવાની કીટ પણ અપાશે

રાજકોટ તા.7
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી તા.9થી લોકો માટે કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવનાર છે. તેવી જાહેરાત સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ભાજપનાં સ્થાપના દિને કરી હતી. તા.9થી મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રેપીડ કીટ મારફતે લોકોને કોરોના ટેસ્ટ કરી આપવામાં આવશે. આ ઉપરાંત ભાજપનાં સ્થાપના દિવસે ભાજપ દ્વારા શહેરમાં માસ્કનું વિતરણ પણ કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યાલયે ટેસ્ટ કરાયા બાદ જે લોકો પોઝીટીવ આવે તેમને 14 દિવસની દવાની કિટ પણ આપવામાં આવશે.


Loading...
Advertisement