મોરબી રોડ પુલથી એઇમ્સ તરફ 8.88 કરોડના ખર્ચે 100 ફુટ પહોળો રોડ બનશે

07 April 2021 05:10 PM
Morbi
  • મોરબી રોડ પુલથી એઇમ્સ તરફ 8.88 કરોડના ખર્ચે 100 ફુટ પહોળો રોડ બનશે

રાજકોટને મળનારી ટોચની આરોગ્ય સુવિધાના સેન્ટર સુધી પહોંચવા અઢી કિ.મી.ના રોડનું નિર્માણ થશે : કાલની સ્ટે.કમીટીમાં દરખાસ્ત : પવન કન્સ. કંપનીને 35.10 ટકા નીચા ભાવથી કામ આપવા પ્રસ્તાવ : નવા ચાર બ્રીજના કામ પર થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન માટે પણ એજન્સીની નિમણુંક કરવામાં આવશે

રાજકોટ, તા. 7
રાજકોટ મહાનગરને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા દેશની સૌથી મોટી મેડીકલ સુવિધાના રૂપમાં એઇમ્સની ભેટ મળી છે. જામનગર રોડ પર એઇમ્સ નિર્માણનું કામ શરૂ થયું છે ત્યારે ત્યાં સુધી પહોંચવાના જુદા જુદા રોડની સુવિધા પણ પાકી કરવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે માધાપર ચોકડીથી મોરબી રોડ પુલ બાદ ડાબા હાથ પરથી સીધા એઇમ્સ તરફ નીકળતા અઢી કિ.મી.ના રસ્તાને ડામરથી મઢવા રૂા. 8.88 કરોડના ખર્ચે કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત થઇ ગઇ છે. મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે આ અંગેની દરખાસ્ત સ્ટે.કમીટીને મોકલતા આવતીકાલ ગુરૂવારે ચેરમેન પુષ્કર પટેલે બોલાવેલી મીટીંગમાં આ મંજુરી અંગે નિર્ણય લેવામાં આવશે.


એઇમ્સ હોસ્પિટલ સુધી રોડ સહિતની સુવિધા મહાપાલિકા અને રૂડા તંત્રએ ઉભી કરવાની છે. તેમાં 30 મીટરનો આ રોડ બન્યે મોરબી રોડ પુલથી સીધા એઇમ્સનું બાય રોડ કનેકશન મળતું થઇ જશે તેમ ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું. મનપાએ કરેલી ટેન્ડર પ્રક્રિયા મુજબ વોર્ડ નં.3માં મોરબી બાયપાસ રોડથી મ્યુનિ. કોર્પોરેશન બાઉન્ડ્રી સુધી એઇમ્સ હોસ્પિટલને જોડતો 30 મીટરનો ડીપી રોડ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ 30 મીટર એટલે કે 100 ફુટ પહોળો અને 2.4 કિ.મી. લાંબો બનવાનો છે. જે માટે ઇ-ટેન્ડર બહાર પાડવામાં આવતા ચાર એજન્સીએ ભાવ ઓફર કર્યા હતા. તેમાં પવન ક્ધસ. (35.10 ટકા ઓછા ભાવ), કલાસીક નેટવર્ક (30.33 ટકા ઓછા ભાવ), શ્રીજી દેવકોન ઇન્ડીયા પ્રા.લી. (27.27 ટકા ઓછા ભાવ) લાયક ઠર્યા હતા જયારે શ્રીરાજ ચામુંડા કંપની ટેન્ડરની શરતો મુજબ કવોલિફાઇડ થઇ ન હતી.


આ પ્રક્રિયાના અંતે સૌથી નીચા ભાવ પવન ક્ધસ. કંપનીના હોય તેને મંજૂરી આપવા ભલામણ કરવામાં આવી હતી. આ કામનું એસ્ટીમેન્ટ 13.69 કરોડ બહાર પાડવામાં આવ્યું હતું જેમાંથી ડાઉન ભાવ બાદ થઇ જતા હવે 8.88 કરોડમાં આ કામ થઇ જશે. આવતીકાલની મીટીંગમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે.


થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન
મહાપાલિકા દ્વારા કેકેવી ચોક, જડ્ડુસ સર્કલ, નાના મવા અને રામદેવપીર સર્કલે ફલાય ઓવર બ્રીજની કામગીરી હાથ પર લેવામાં આવી છે. સરકારની યોજના હેઠળ મળતી ગ્રાન્ટની શરત મુજબ 50 લાખથી વધુના કામ માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ફરજીયાત કરવામાં આવેલ છે. જે કામ આપવા અને ટીપીઆઇની નિમણુંક કરવા ઓફર મંગાવવામાં આવી હતી. કાલાવડ રોડ પર કેકેવી અને રામદેવપીર ચોકના કામ માટે ડેલ્ફ અમદાવાદ અને જિંદાલ્સ કંપનીએ આ કામ કરવા સંમતિ આપી હતી.તા. 23 ફેબ્રુઆરીના પત્ર પરથી આ બ્રીજના કામ માટે બ્રીજ સેલના અભિપ્રાય મુજબ કામ કરાવવામાં આવશે. આ રકમ કોન્ટ્રાકટરના બીલમાંથી કપાત કરવામાં આવે છે. કામગીરી માટે એજન્સીએ ઇજનેર સહિતના સેટઅપ ઉભા કરીને રીપોર્ટ આપવાના હોય છે તે ઉલ્લેખનીય છે.

વધુ એક વખત ઇજનેરોના અંદાજ મોંઘા!

નવા રોડના કામનું એસ્ટીમેન્ટ 13.69 કરોડ : કામ પોણા પાંચ કરોડ સસ્તામાં થઇ જશે


રાજકોટ, તા. 7
મહાપાલિકા દ્વારા અપાતા ડામર રોડના કોન્ટ્રાકટમાં છેલ્લે કરાયેલા આ રોડના ટેન્ડરમાં વધુ એક વખત મનપાના ઇજનેરોનો અંદાજ ખુબ જ ઉંચો દેખાયો છે. તંત્રએ ધારેલા ભાવ કરતા 35 ટકા જેટલા ઓછા ભાવમાં પણ કામ કરી દેવા એજન્સીએ સામી ઓફર આપી છે.


મોરબી રોડથી એઇમ્સનો રસ્તો કાઢીને ડામર કાર્પેટીંગનું કામ કરવા માટે 13.69 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં ચાર એજન્સીએ ભાવ આપતા એક ડિસ્કવોલિફાય સાબિત થઇ હતી. તો ત્રણ એજન્સીએ અનુક્રમે 27,30 અને 35 ટકા ઓછા ભાવની ઓફર કરી હતી. એલ-1 એજન્સી પવન ક્ધસ.એ મનપાના અંદાજ કરતા 35.10 ટકા ઓછા ભાવમાં ડામર રોડ કરી દેવા ઓફર ભરી હતી. જેથી આ કામ આ એજન્સીને આપવા દરખાસ્ત આવી છે.


કામનું મુળ એસ્ટીમેટ 136934000 હતું જે સામે ડાઉન ભાવ બાદ કરતા 48063834નો ફાયદો તંત્રને કોન્ટ્રાકટરના રસ્તા ભાવથી થયો છે. જોકે તેમાં પણ કંપનીને નફો તો હોય જ છે. જે સામે ઇજનેરોના આટલા ઉંચા ભાવના અંદાજ એક માત્ર એસઓઆરના કારણે છે કે અન્ય કોઇ કારણે તે સવાલ અનેક વખત થતી આવી ટેન્ડર પ્રક્રિયાના કારણે ઉઠતા રહે છે. હવે આ કામ રૂા. 8.88 કરોડમાં થઇ જવાનું છે. વધુ એક વખત એન્જીનીયરના ભાવ મોંઘા સાબિત થયા છે.


Loading...
Advertisement