રાજકોટનાં ટેમ્પો-ટેક્ષી ચાલકોએ આર.ટી.ઓ.માં ધામા નાંખ્યા !

07 April 2021 05:04 PM
Rajkot
  • રાજકોટનાં ટેમ્પો-ટેક્ષી ચાલકોએ આર.ટી.ઓ.માં ધામા નાંખ્યા !

વાર્ષિક ટેક્ષ રૂા.18 હજારમાંથી સીધો 36 હજાર કરી દેવાતા : કોરોનાના કારણે કોઇ ધંધા નથી ત્યારે જ ટેક્ષ ડબલ કરી દેવાતા રોષ : રેગ્યુલર ટેક્ષની માંગ સાથે ટેમ્પો-ટેક્ષી ટ્રાવેલ્સ એસો.ની રજૂઆત

રાજકોટ તા. 7 : રાજકોટ શહેરમાં હાલ કોરોના મહામારીનાં કારણે વેપાર-ધંધા સાવ પડી ભાંગ્યા છે. અને નાના તથા મધ્યમ વર્ગ સામે રોજગારીનો મોટો પ્રશ્ન ખડો થયો છે.અન્ય વેપાર-ધંધાની જેમ રાજકોટનાં ટેમ્પો અને ટેક્ષી ચાલકોની હાલત પણ હાલ સાવ કફોડી છે. અને રોજગારી માટે ફાંફા મારવા જેવી હાલત છે. ત્યારે જ રાજકોટ જીલ્લા આરટીઓ તંત્રએ રાજકોટનાં ટેક્ષી અને ટેમ્પોનાં સંચાલકોને પડયા ઉપર પાટુ માર્યુ છે. અને વાર્ષિક ટેક્ષ સીધો ડબલ કરી નાંખ્યો છે. આથી આજરોજ રાજકોટનાં ટેમ્પો અને ટેક્ષી ચાલકોમાં ભારોભાર રોષ ફાટી નીકળેલ હતો. અને 50 થી 60 ટેક્ષી અને ટેમ્પો સાથે રાજકોટ આરટીઓ કચેરી અને જીલ્લા કલેકટર કચેરી ખાતે ધસી જઇ ટેક્ષ પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી અને કલેકટર તથા આરટીઓને આવેદન પત્ર પાઠવી રેગ્યુલર ટેક્ષની વસુલાત કરવા માંગણી કરી હતી. રાજકોટ ટેમ્પો અને ટેક્ષી ટ્રાવેલ્સ એસોસિએશનનાં પ્રમુખ જયદિપસિંહ રાણાએ જણાવેલ હતું કે વર્ષ 2017 થી 2020 સુધી વાર્ષિક ટેક્ષ રૂ.18 હજાર હતો. તેને બદલે રાજકોટ આરટીઓ તંત્રએ સીધો ડબલ કરી રૂ.36 હજાર કરી દીધો છે. જે હાલનાં કોરોના મહામારીનાં સમયમાં વ્યાપેલી મંદીમાં સહન થઇ શકે તેમ નથી હાલ કોઇ ધંધો નથી. વ્યાપક મંદી છે ત્યારે આટલો તોતીંગ ટેક્ષ ભરવો કઇ રીતે ? આથી આરટીઓ તંત્ર ફરી રેગ્યુલર ટેક્ષ કરી આપે. જયદિપસિંહ રાણાએ વધુમાં જણાવેલ હતું કે રાજકોટમાં 3પ0 ટેમ્પો અને 700 થી 800 જેટલી ટેક્ષીઓ છે. અને આ ધંધા થકી પ00 પરીવારોને રોજગારી મળે છે.પરંતુ હાલ કોરોનાને કારણે કોઇ ધંધા ન હોય ટેમ્પો અને ટેક્ષી ચાલકોની હાલત કફોડી બની છે. આથી વ્હેલી તકે ટેમ્પો અને ટેક્ષીનાં ટેક્ષ બાબતે નિર્ણય લેવામાં આવે તે જરુરી છે.


Related News

Loading...
Advertisement