રૈયા ચોકડીએ ચાની હોટલ સીલ : તંત્ર હવે તુટી પડશે

07 April 2021 05:03 PM
Rajkot
  • રૈયા ચોકડીએ ચાની હોટલ સીલ : તંત્ર હવે તુટી પડશે
  • રૈયા ચોકડીએ ચાની હોટલ સીલ : તંત્ર હવે તુટી પડશે

લોકોને અગત્યના કામ વગર કચેરીમાં ન આવવા મેયરનો અનુરોધ : કમિશ્નર સાથે સમીક્ષા બેઠક કરી

રાજકોટ, તા. 7
રાજકોટમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે મહાપાલિકા તંત્ર હાલ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની અમલવારી માટે જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે એક બે દિવસમાં ભીડવાળા સ્થળો સીલ કરવાનું શરૂ કરાઇ તેવા નિર્દેશ મળ્યા છે. આજે રૈયા ચોકડીએ ચાની એક હોટલ મોમાઇ ટી અને ડિલકસ પાન પર સતત ભીડ અને માસ્ક વગરના લોકોની હાજરીના કારણે સીલ કરી દેવામાં આવી છે.

ડે.કમિશ્નર એ.આર.સિંહ સહિતની ટીમ સતત ફિલ્ડમાં ફરી રહી છે. તે દરમ્યાન આજે મેયર પ્રદીપ ડવે કમિશ્નર સાથે હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને સંક્રમણ રોકવા લોકોને વધુને વધુ જાગૃત કરવા પર ભાર મુકયો હતો. મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાનાં કેસ સાથે શહેરમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મહાનગરપાલિકા પણ જુદા જુદા પગલાઓ લઇ રહેલ છે.

કોરોના સંક્રમિત અટકાવવા માટે શહેરીજનોએ પણ ખાસ તકેદારી રાખવી પડશે. અગત્યના કામ સિવાય સરકારી કચેરીઓમાં કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ફરજીયાત કામ માટે જવાનું થાય તો માસ્ક ફરજીયાત પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, સેનેટાઇઝ કરવું વિગેરેનું ચુસ્ત પાલન કરવા તેમજ ચા-પાનના ગલ્લાઓએ એકઠું નહિ થવા અપીલ કરી છે.

કોરોનાને હરાવવા રસીકરણ ખુબ જ અગત્યતા છે. દેશભરમાં રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે. મહાનગરપાલિકા પણ જુદી જુદી સંસ્થાઓ અને સોસાયટીને જોડી જુદા જુદા વિસ્તારોમાં રસીકરણનાં કેમ્પો યોજવામાં આવે છે. જેથી 45 વર્ષથી ઉપરના તમામ ભાઈ-બહેનોએ રસી લઇ લેવા મેયરે અનુરોધ કરેલ છે.
હાલની સ્થિતિમાં લોકો સરકારના નિયમો પાળે અને રાત્રી કફર્યુનો અમલ કરે તેવો અનુરોધ પણ મેયર દ્વારા કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement