પુષ્કરધામ મેઇન રોડ પર શહેરની પ્રથમ હાઇજેનિક ફૂડ માર્કેટનું નિર્માણ કરાશે

07 April 2021 04:37 PM
Rajkot Saurashtra
  • પુષ્કરધામ મેઇન રોડ પર શહેરની પ્રથમ હાઇજેનિક ફૂડ માર્કેટનું નિર્માણ કરાશે

ગુરૂવારની સ્ટે.કમીટીમાં 34 દરખાસ્તો : પ્રથમ વખત બ્રાન્ડેડ ખાણીપીણીના સ્ટોલની સુવિધા : 12 સ્ટોલ માટેના ફૂડ કોર્ટને મંજૂરી આપવા આવતીકાલની સ્ટે.કમીટીમાં દરખાસ્ત : કાલાવડ રોડ ગાર્ડન બાજુમાં પણ નવું ફૂડ કોર્ટ : ગીતા મંદિર પાછળ પાકો હોકર્સ ઝોન બનશે

રાજકોટ, તા. 7
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે.કમીટીની બેઠક આવતીકાલ ગુરૂવારે બપોરે 12 વાગ્યે ચેરમેન પુષ્કર પટેલે બોલાવી છે તેના એજન્ડા પર કુલ 34 દરખાસ્ત છે. પુષ્કરધામ મેઇન રોડ પર નવા ફૂડ કોર્ટ ખોલવા, કાલાવડ રોડ પર ગાર્ડન પાસે ફૂડ કોર્ટનું સંચાલન સોંપવા, ભકિતનગર સર્કલ પાસેના પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવા સહિતની દરખાસ્તો પર આવતીકાલે નિર્ણય કરવામાં આવશે.


શહેરના યુનિ. રોડ પર વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઇન રોડ પર હોકર્સ ઝોનની બાજુમાં વિશાળ ફૂડ કોર્ટ માટે વિશાળ ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જગ્યાએ રાજકોટના ખાણીપીણીના શોખીન લોકો માટે 646 ચો.મી. જગ્યા લીઝથી આપવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જયાં ફૂડ ઝોન બનાવવા બે પાર્ટી રાજેશ પાટડીયા અને શ્રીરામ ગૃહ ઉદ્યોગએ ભાવ ઓફર કર્યા હતા. તેમાં રામ ગૃહ ઉદ્યોગની 21.21 લાખની ઓફર ઉંચી આવતા આ ભાવથી 10 વર્ષ માટે સંચાલન આપવા દરખાસ્ત આવી છે. સંચાલન યોગ્ય લાગે તો વધુ પાંચ વર્ષ કોન્ટ્રાકટ લંબાવવામાં આવશે. ભરેલા ભાવો પર બીજા વર્ષે પાંચ ટકા અને ત્રીજા વર્ષ પછીના દરેક વર્ષે 10 ટકાનો ઉત્તરોતર ભાવ વધારો આપવાનો રહેશેે. ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે આ જગ્યા ફકત ખાણીપીણીના સ્ટોલ અને ફેમીલી રેસ્ટોરન્ટના હેતુ માટે જ ફાળવવામાં આવશે. 12 સ્ટોલ મનપાની ડિઝાઇન મુજબ પાર્ટીએ બનાવવાના છે. ત્યાં ફકત બ્રાન્ડેડ આઇટમના સ્ટોલ ફેે્રન્ચાઈઝ મોડેલથી મંજૂર કરવામાં આવશે.


આ ફૂડ ઝોનમાં કાઠિયાવાડી ફૂડ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, કોન્ટીનેન્ટલ, ચાટ ફૂડ, પાઉંભાજી, આઇસ્ક્રીમ, શેઇક-જયુસના એક એક તથા ફાસ્ટ ફૂડના ત્રણ સ્ટોલની મંજૂરી આપવામાં આવશે. આમ રાજકોટની પ્રથમ હાઇજેનીક ફૂડ માર્કેટ પુષ્કરધામ રોડ પર થોડા સમયમાં બને તેવી આશા છે. મહાપાલિકા દ્વારા કાલાવડ રોડ પર ચંદ્રશેખર આઝાદ ગાર્ડન પાસે પુલ નજીક આવેલા ફૂડ કોર્ટનું સંચાલન સોંપવા પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં પણ શ્રીરામ ગૃહ ઉદ્યોગના 11.11 લાખના ઉંચા ભાવ મંજુર કરવામાં આવ્યા છે. તેમાં પણ ભાડાની શરતો આ મુજબ જ છે. અહીં પણ ચા-પાન કે માવાના ધંધા માટે સ્ટોલની મંજૂરી આપવામાં આવનાર નથી.


આ રીતે કાલાવડ રોડના ગાર્ડન બાજુમાં પણ હવે એક નવો ફૂડ ઝોન તુરંતમાં ઉભો થઇ જશે. શહેરના વોર્ડ નં.14માં ભકિતનગર સર્કલ પાસે મેઘાણી રંગ ભવન પાછળ અને ગીતા મંદિરને લાગુ પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ શેરીમાં વર્ષોથી ખાણી પીણી બજાર ભરાઇ છે. ત્યાં હવે પાકી સુવિધા સાથેની જગ્યા બનાવવા નિર્ણય કરાયો છે. અહીંની 580 ચો.મી. જગ્યામાં પેવીંગ બ્લોક અને સ્ત્રી-પુરૂષના શૌચાલય બનાવવાના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા છ ઓફર આવી હતી. તેમાંથી ચિન્મય એન્ટરપ્રાઇઝના ભાવ 12.58 ટકા ઓછા આવતા 55.54 લાખમાં આ કામ આપવા દરખાસ્ત કરવામાં આવી છે જે અંગે પણ આવતીકાલની મીટીંગમાં નિર્ણય લેવાશે.


આ સિવાય વોર્ડ નં.3માં આરસીસી બોકસ કલ્વર્ડ, સુએજ પ્લાન્ટ સુધી ડીઆઇ લાઇન, કૈલાસધામ સ્મશાન પાસે પમ્પીંગ સ્ટેશનની કમ્પાઉન્ડ વોલ, કોઠારીયાની એનીમલ હોસ્ટેલ પાસેના પ્લાન્ટમાં કમ્પાઉન્ડ વોલ, વોર્ડ નં.15 આજી ડેમ ઓવરફલો સામેના પ્લાન્ટ સુધી કમ્પાઉન્ડ વોલ, ડ્રેનેજ શાખાના કામદાર સહિતના લોકો માટે સેફટી સાધન ખરીદવા, જુદા જુદા ગાર્ડનમાં બાલક્રિડાંગણ સહિતના સાધનો ખરીદવા, લીકવીડ ફલોરીન, જમીન વેચાણને મંજૂરી આપવા, વોર્ડ નં.15ના ગંજીવાડા સહિતના વિસ્તારમાં ડ્રેનેજ લાઇન, વોર્ડ નં.11માં નવી ભૂગર્ભ સુવિધા, વોર્ડ નં.2 રેસકોર્ષ મેળાના મેદાનમાં વરસાદી પાણીની કલેકટીવ ચેનલ બનાવવા સહિતની દરખાસ્ત અંગે આવતીકાલે નિર્ણય કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement