કફર્યુ વધ્યો હવે લોકડાઉન લાગશે તો ?: બજારોમાં હકડેઠઠ ભીડ : અફડાતફડીનો માહોલ

07 April 2021 03:37 PM
Rajkot Saurashtra
  • કફર્યુ વધ્યો હવે લોકડાઉન લાગશે તો ?: બજારોમાં હકડેઠઠ ભીડ : અફડાતફડીનો માહોલ
  • કફર્યુ વધ્યો હવે લોકડાઉન લાગશે તો ?: બજારોમાં હકડેઠઠ ભીડ : અફડાતફડીનો માહોલ
  • કફર્યુ વધ્યો હવે લોકડાઉન લાગશે તો ?: બજારોમાં હકડેઠઠ ભીડ : અફડાતફડીનો માહોલ
  • કફર્યુ વધ્યો હવે લોકડાઉન લાગશે તો ?: બજારોમાં હકડેઠઠ ભીડ : અફડાતફડીનો માહોલ

કોરોનાની મહામારીના હાહાકાર અને તંત્રની નિષ્ક્રીયતાના પગલે લોકોના ચહેરા પર ચિંતાની લકીર : એક જ પ્રશ્ન હવે શું થશે ?: ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, જયુબેલીબાગ, ગુંદાવાડી સહિતની બજારો અને માર્કેટોમાં ઉમટતો માનવ મહેરામણ : રાજમાર્ગો પર ઠેર-ઠેર વાહનોના જમેલાથી ટ્રાફીકજામ

કોરોના વાયરસની મહામારીએ મચાવેલા હાહાકારના પગલે સંક્રમિતોની સંખ્યામાં ભારેખમ ઉછાળો આવતા રાજય સરકાર દ્વારા રાત્રી કફર્યુનો સમયગાળો વધારી રાત્રીના 8 થી સવારના 6 સુધીનો કરી નાખવામાં આવ્યા બાદ લોકડાઉન લાગવાના ભયથી શહેરના નગરજનો ગઇકાલ બાદ આજે સવારથી બજારો અને સુપર માર્કેટોમાં આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી રહયા હોય બજારોમાં હકડેઠ્ઠ ભીડ જામી રહી છે. જેના પગલે અફડાતફડીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. લોકોની ભીડમાં સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમોનો પણ ઉલાળીયો થતા જોવા મળી રહયો છે તે વિવિધ તસ્વીરી ઝલક. (તસ્વીર : દેવેન અમરેલીયા)

રાજકોટ તા. 7 :
કોરોના વાયરસની મહામારીએ મચાવી રાખેલા હાહાકારના પગલે રાજકોટ સહીત રાજયના મહાનગરોમાં સંક્રમીતોની સંખ્યામાં ભારેખમ ઉછાળો આવેલ છે. જેના કારણે લોકોમાં ભયના લખલખા સાથે ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.


કોરોનાની ભયાનક પરીસ્થિતિ અને ગુજરાત હાઇકોર્ટે આપેલા નિર્દેશ મુજબ હવે ફરી લોકડાઉન આવશે તેવા ભયના ઓથાર હેઠળ રાજકોટમાં લોકોમાં અફરા તફરીનો માહોલ છવાય જવા પામેલ છે. લોકડાઉનના ભયથી ગઇકાલ સાંજ બાદ આજે સવારથી ખરીદી માટે શહેરની બજારો અને માર્કેટોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.


શહેરની પરાબજાર, દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, જયુબેલીબાગ, યુનિ. રોડ, પંચાયત ચોક સહીત શહેરની તમામ બજારોમાં ભયના માહોલ હેઠળ અનાજ-કરીયાણુ શાકભાજી સહીત જીવન જરુરીયાતની આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરી રહયા છે.


આવી જ રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સુપર માર્કેટોમાં પણ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગૃહીણીઓ અને લોકોએ કતારો લગાવી પડાપડી કરી રહયા છે. કોરોનાની વિકરાળ સ્થિતી અને લોકડાઉનના ભયના કારણે લોકો આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ઉમટી પડતા શહેરમાં ઠેર-ઠેર રાજમાર્ગો પર ટ્રાફીકજામના દૃશ્યો જોવા મળેલ હતા.


તેની સાથોસાથ શહેરના પરાબજાર, જયુબેલીબાગ રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી સહીતના વિસ્તારોમાં ઉમટતી ભીડમાં કોવીડ-19 ની ગાઇડ લાઇનનો ઉલાળીયો થઇ રહયો છે. અકડેઠઠ્ઠ ભીડમાં લોકો માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમનો જાણે-અજાણ્યે ભંગ કરી રહયા હોય કોરોનાની સ્થિતિ વધુ વણસવાની શકયતા રહેલી છે.


અહીં એ પણ ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની વકરતી મહામારી પર રોક લગાવવામાં તંત્ર નિષ્ફળ નીવડતા હવે લોકડાઉન એ જ એકમાત્ર વિકલ્પ હોય તેવી ચર્ચાઓ લોકોમાં વેગ પકડેલ છે. જેના પગલે ફફડાટ અને લોકડાઉનના ભયના કારણે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે શહેરમાં ડી-માર્ટ સહીતની સુપર માર્કેટો અને બજારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા અફડા તફડીનો માહોલ છવાય જવા પામેલ છે.

લોકો એકબીજાને એકજ પ્રશ્ર્ન પુછતા જોવા મળી રહયા છે હવે શું થશે ? મહામારીએ લોકોના ચહેરા પર ચિંતાની લકીર ખેચી દીધી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારી બેલગામ બનતા રાજય સરકાર દ્વારા રાત્રી કફર્યુનો સમયગાળો વધારી રાત્રીના 8 થી સવારના 6 સુધીનો કરી નાખવામાં આવતા લોકો હવે લોકડાઉન લાગશે ? તેવા ભયે બજારોમાં સામુહીક ખરીદી માટે ઉમટી રહયા હોય કોરોનાની પરિસ્થિતી વધુ ગંભીર બને તેવા સંજોગોનું નીર્માણ થઇ રહયુ છે.


Related News

Loading...
Advertisement