એક જ દી’માં 24 મોત; દર કલાકે 1નો ભોગ

07 April 2021 03:25 PM
Rajkot Gujarat
  • એક જ દી’માં 24 મોત; દર કલાકે 1નો ભોગ

રાજકોટમાં કોરોનાનું ક્રુર અટ્ટહાસ્ય : સરકારી દાવો: પુરતા બેડ, વેન્ટીલેટર તથા રેમડેસિવીર ઈન્જેકશનનો પર્યાપ્ત સ્ટોક: ચિંતાની કોઈ જરૂર નથી ‘સબ સલામત’: વાસ્તવિક હાલત : ટપોટપ મોત; ખાનગી કે સરકારી હોસ્પીટલોમાં બેડ મેળવવા રઝળપાટ, આઈસીયુ માટે લાંબુ વેઈટીંગ; ઈન્જેકશન માટે દોડધામ: સૌથી વધુ મોત સિવીલમાં, પાંચ ખાનગી હોસ્પીટલોમાં પણ એક-એક દર્દીએ દમ તોડયો; અંતિમ સંસ્કાર માટે પણ વેઈટીંગની ભયાવહ સ્થિતિ

રાજકોટ તા.7
રાજકોટમાં બેફામ બનેલો કોરોના નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. તેમ મોત મામલે પણ રાજકોટ ડેથસ્પોટ બન્યુ હોય તેમ એક જ દિવસમાં કોરોનાના 24 દર્દીઓએ દમ તોડયો છે.કોરોના દર્દીઓ ટપોટપ મરતા હોય તેમ દર એક કલાકે એકનો ભોગ લેવાતો હોવાનો ઘાટ ઘડાયો છે. મુંબઈ કરતા પણ રાજકોટમાં કોરોના વધુ ઘાતક હોય તેમ આર્થિક મહાનગરમાં આજે 10030 કેસે 31 દર્દીનો ભોગ લેવાયો હતો.જયારે રાજકોટમાં તેની સરખામણીએ કેસ માત્ર ત્રણ ટકા છે. જયારે મોતનો આંકડો 24 છે.


રાજકોટના વહિવટી તંત્ર દ્વારા સતાવાર બુલેટીનમાં જણાવાયા પ્રમાણે મંગળવારે સવારે 8 થી આજે બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં રાજકોટની કોવિડ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા 24 દર્દીઓએ દમ તોડયો હતો. આનો સીધો અર્થ એવો થાય છે કે દર એક કલાકે કોરાનાના એક દર્દીનુ મોત થયુ હતું.


ચાલુ વર્ષનો કોરોનાનો આ સૌથી મોટો મૃત્યુઆંક છે.ગત સપ્ટેમ્બરની લહેર વખતે પણ મૃત્યુઆંક બેફામ બન્યો ત્યારે ગુજરાત સરકાર ખળભળી ઉઠી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, સહીત આખી સરકાર રાજકોટમાં ઉતરી પડી હતી અને ગમે તે ભોગે સંક્રમણ તથા મોત ઘટાડવા ગમે તેમ કરવાની સુચના આપી હતી. રાજકોટ મામલે રાજય સરકાર હજુ ગંભીર ન હોય તેમ હજુ કોઈ નેતાએ રૂબરૂ મુલાકાત લીધી નથી.


એક જ દિવસમાં 24 મોતથી આરોગ્ય સહીતનું વહીવટી તંત્ર પણ ખળભળ્યુ છે. ટપોટપ મોતને કારણે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનોમાં પણ વેઈટીંગની સ્થિતિ અમુક દિવસોથી સર્જાઈ ગઈ જ છે. રાજકોટમાં આજે 24 કોવીડ દર્દીઓનાં મોત જાહેર થયા છે.મંગળવારે 19 મોત જાહેર કરવામાં આવ્યું છે. કોવીડ હોસ્પીટલમાં જ મોતને ભેટતા હોવા છતાં તંત્ર દ્વારા સતાવાર કોરોનાં મોત બહુ ઓછા દર્શાવવામાં આવી રહ્યા છે.


રાજકોટમાં કોરોના મોતના આંકડામા મોટા વધારા વિશે ખાનગી તબીબો નામ નહી દેવાની શરતે એવી ચેતવણી ઉચ્ચારી રહ્યા છે કે કોરોના સંક્રમણની સાથોસાથ મૃત્યુ આંક અંકુશમાં ન આવે તો આવતા દિવસોમાં વધુ ભયાવહ સ્થિતિ સર્જાઈ શકે છે.


લોકોમાં પણ ભયનો માહોલ છે. કોરોના સંક્રમિતો માટે હોસ્પીટલોમાં જગ્યા ન હોવાની સ્થિતિ છે. તંત્ર-સરકાર દ્વારા પર્યાપ્ત બેડ ઉપલબ્ધ હોવાના તેમજ ગંભીર દર્દીઓને અપાતા રેમડેસીવીર જેવા ઈન્જેકશનોની અચત ન હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. છતા દર્દીઓનાં મોતને કેમ અટકાવી શકાતા નથી? તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.


માહિતગાર સુત્રોએ એમ કહ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટની સેલસ, ઓલમ્પસ, વેદાંત, ક્રાઈસ્ટ તથા સ્ટર્લીંગ એમ પાંચ ખાનગી હોસ્પીટલોમાં એક એક દર્દીના મોત થયા હતા. આરોગ્ય વિભાગે 24 મોતમાં ખાનગી હોસ્પીટલોનાં પાંચ મોત સામેલ કર્યા છે કે કેમ તે પણ સવાલ છે. તંત્ર મોતના આંકડા પણ છુપાવતુ હોવાની ચર્ચા છે જ.


Related News

Loading...
Advertisement