અડધો ડઝન હોસ્પિટલો વેઇટીંગમાં : ફાયર NOC ના વાંકે કોરોના દર્દી લઇ શકતા નથી!

07 April 2021 03:21 PM
Rajkot Saurashtra
  • અડધો ડઝન હોસ્પિટલો વેઇટીંગમાં : ફાયર NOC ના વાંકે કોરોના દર્દી લઇ શકતા નથી!

રાજકોટમાં ખુટતા બેડ અને રોજ દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે મોટી ગૂંચ : સાધનો-સુવિધા વસાવ્યા બાદ જ મનપા અરજી સ્વીકારે છે : હાઇકોર્ટની આકરી ટીપ્પણીથી મનપા તંત્ર પણ દ્વિધામાં

રાજકોટ, તા. 7
રાજકોટમાં હવે કોરોના દર્દીઓની સારવાર માટે વધુ બેડ અને વધુ કેર સેન્ટર ખોલવાની નોબત આવી ગઇ છે ત્યારે એક તરફ ખાનગી હોસ્પિટલમાં જગ્યા ન હોવાની સ્થિતિ છે અને બીજી તરફ અમુક સંચાલકો કોવિડ હોસ્પિટલ પૂરી તૈયાર છતાં ખોલી ન શકતા હોવાની સ્થિતિ ઉભી રહી છે. કલેકટર તંત્રએ અડધો ડઝન જેટલી નવી હોસ્પિટલને શરૂ કરવા સૂચના આપી છે, સરકાર અને હાઇકોર્ટના માર્ગદર્શન મુજબના નિયમોનું પાલન હાલ તાત્કાલીક આ હોસ્પિટલો કરી શકતી ન હોય, દર્દીઓનું શું થશે તે ચિંતા ખુદ કલેકટર અને મહાપાલિકા તંત્ર કરે છે.


રાજકોટમાં હાલ ર6 જેટલી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે, થોડા મહિના પહેલા અમદાવાદ અને તે બાદ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં કરૂણ આગ દુર્ઘટના બની હતી જેના પડઘા સીધા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી પડયા હતા. બાદમાં રાજય સરકારે ફાયર સેફટીના કડક નિયમોનું પાલન કરવા આદેશ બહાર પાડયા હતા તો અદાલતે તો બેદરકાર અને સાધન, સુવિધા વગરની હોસ્પિટલોને સીલ મારવા પણ આદેશ કરતા તમામ મહાનગરોમાં કોર્પોરેશન તંત્ર તુટી પડયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં ઘણી હોસ્પિટલોએ સાધન વસાવ્યા છે અને બાંધકામમાં શકય એટલા સુધારા પણ શરૂ કર્યા છે.


દરમ્યાન હજુ તમામ હોસ્પિટલ સંપૂર્ણપણે બિલ્ડીંગ અને સાધનોની દ્રષ્ટિએ સલામત બની નથી અનેક હોસ્પિટલ તો નાના બિલ્ડીંગ કે કોમ્પલેક્ષમાં પણ ચાલે છે. ખાસ કરીને કોમન બિલ્ડીંગમાં હોય તેવી હોસ્પિટલમાં એન્ટ્રી અને એકઝીટના રસ્તા અલગ કરવા સહિતના પ્રશ્ન સામે આવ્યા હતા તેવામાં 15 દિવસથી રાજકોટમાં કોરોના સંક્રમણ ફરી ખતરનાક બનીને અમદાવાદ, સુરત જેવા શહેરોની સમકક્ષ આવી જતા મોટા ભાગની ખાનગી હોસ્પિટલ ફુલ થઇ ગઇ છે. સરકારી હોસ્પિટલમાં પણ મોટા ભાગના બેડ ભરાઇ ગયા છે. આથી કલેકટર વધુ ખાનગી હોસ્પિટલોને તેમના કોવિડ યુનિટ કાર્યરત કરવા સૂચના આપી છે.


હવે સ્થિતિ એ છે કે ફાયર એનઓસી વગરની ઘણી હોસ્પિટલ સરકારના નવા નિયમ મુજબ કાયદેસરની મંજુરીને પાત્ર ઠરતી નથી. હાઇકોર્ટની ફટકાર બાદ મહાપાલિકાએ નિયમ મુજબ તમામ સુવિધા વસાવવામાં આવે તે બાદ જ અરજી ઇન્વર્ડ કરીને ચકાસણીમાં જવાની વ્યવસ્થા કરી છે. તે બાદ જ એનઓસીની કાર્યવાહી થઇ શકે છે. આથી અડધો ડઝન જેટલી હોસ્પિટલની એનઓસી અટકી ગઇ છે.હોસ્પિટલ સંચાલકો કહે છે કે અમો કોવિડ હોસ્પિટલ શરૂ કરવા તૈયાર છીએ. પરંતુ ફાયર સહિતના સાધનો, વેન્ટીલેશન, અલગ સીડી મુકવા સહિતના  પ્રશ્નો હાલ તાત્કાલીક ઉકેલાય તેમ નથી. તંત્ર પણ જાણે છે

કે આ બાબત સમય માંગી લે છે. નવી જુની ઘણી હોસ્પિટલ દ્વારા ઔપચારિકતા પુરી કરવામાં આવી રહી છે. ઘણી હોસ્પિટલે આ સુવિધા વસાવી લીધી પણ છે. પરંતુ બાકીની હોસ્પિટલ તાત્કાલીક મંજૂરીને પાત્ર ન ઠરે ત્યાં સુધી કોરોના દર્દી સ્વીકારી શકે તેમ નથી. રાજકોટમાં હજુ અઠવાડિયા બાદ કેટલા વધુ બેડની જરૂર પડશે તે કોઇ કહી શકતું નથી. આ સંજોગોમાં સરકારનું માર્ગદર્શન લઇ તાત્કાલીક વ્યવહારૂ રસ્તો કાઢવો પડે તેવું ઉચ્ચ અધિકારીઓ પણ કહી રહ્યા છે.હાલ તો સ્થિતિ એ છે કે મોટા ભાગની ખાનગી હોસ્પિટલ ફુલ છે અને સરકારીમાં પણ બેડ ઓછા છે. આથી તાત્કાલીક નવી હોસ્પિટલને મંજૂરી નહીં મળે તો દર્દીઓને કયાં સમાવવા તે સવાલ ગંભીર બનતો જાય છે.


Related News

Loading...
Advertisement