રાજકોટમાં કોરોના ભયાનક: દર 4 મિનિટે એક એમ્બ્યુલન્સ કોલ

07 April 2021 03:16 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં કોરોના ભયાનક: દર 4 મિનિટે એક એમ્બ્યુલન્સ કોલ
  • રાજકોટમાં કોરોના ભયાનક: દર 4 મિનિટે એક એમ્બ્યુલન્સ કોલ

શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય જ્યાં એમ્બ્યુલન્સનું સાયરન ન સંભળાતું હોય !:પ્રથમ વેવ કરતાં પણ બીજા તબક્કામાં હાલત ખરાબ હોવાનો વધુ એક પૂરાવો: 108ને બે દિવસમાં 500થી વધુ અને ખાનગી એમ્બ્યુલન્સોને પણ 200થી વધુ ફોન આવ્યા:માર્ચ મહિના દરમિયાન ઘડીક ‘શાંતિ’ જાળવ્યા બાદ એપ્રિલમાં દરરોજ બગડી રહેલી સ્થિતિને કારણે શહેરના માર્ગો ઉપર વાહનો સમકક્ષ જ એમ્બ્યુલન્સ દેખાય છે !

રાજકોટ, તા.7
રાજકોટમાં અત્યારે કોરોના બેફામ રંજાડ મચાવી રહ્યો છે અને શહેરની સિવિલ સહિત એક પણ હોસ્પિટલ એવી નહીં હોય કે જ્યાં દર્દીને દાખલ કરવા માટેની જગ્યા હશે ! સ્થિતિ એટલી ભયાનક બની જવા પામી છે કે શહેરમાં દર 4 મિનિટે એક એમ્બ્યુલન્સ કોલ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 108 અને ખાનગી એમ્બ્યુલન્સોને 700થી વધુ કોલ આવ્યા હોવાનું બહાર આવતાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે. અત્યારે શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં એમ્બ્યુલન્સનું સાયરન સંભળાતું નહીં હોય અને આ સાયરન સાંભળીને ભલભલાના મનમાં ડર ફેલાતાં ક્ષણભરની વાર પણ લાગતી નથી.


શહેરમાં પ્રથમ વેવ કરતાં બીજો વેવ કેટલો ભયાનક છે તેનો વાત આ ઈમરજન્સી કોલ પરથી જ આવી જાય છે. 108 એમ્બ્યુલન્સની વાત કરવામાં આવે તો તેને બે દિવસમાં જ 500થી વધુ કોલ આવ્યા છે. આ સેવાના અધિકારીઓએ જણાવ્યું કે આ આંકડો માત્ર કોવિડ દર્દીઓને જ હોસ્પિટલે લઈ ગયા તેનો છે. અમને ફોન આવે એટલે અમારે દર્દીને કેટલો તાવ છે, શ્ર્વાસ લેવામાં તકલીફ પડે છે કે નહીં, શરદી, ઉધરસ, માથું દુ:ખવું એમ છ લક્ષણો ચેક કરવાના હોય છે અને જો આમાંથી ત્રણ લક્ષણો પણ દેખાય એટલે અમે તેને શંકાસ્પદ ગણીને હોસ્પિટલે લઈ જઈએ છીએ. જો કે આ ત્રણ લક્ષણો દેખાયાનાં દર્દીઓની સંખ્યા તો ઘણી થવા જશે પરંતુ કોવિડના જ દર્દીઓને હોસ્પિટલે લઈ ગયાના 500થી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે.


જ્યારે ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકોએ જણાવ્યું કે અમને દર્દીના પરિવારજનનો ફોન આવે એટલે અમે તુરંત પહોંચી જઈએ છીએ અને પછી દર્દી જે હોસ્પિટલમાં કહે ત્યાં તેને પહોંચાડવામાં આવે છે. હાલ મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલ તરફ જ જવાનો આગ્રહ રાખતાં હોવાથી છેલ્લા બે દિવસમાં 200થી વધુ દર્દીઓને અમારી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે.


આ રીતે જોવા જઈએ તો શહેરમાં છેલ્લા બે દિવસની અંદર દર ચાર મિનિટે એક એમ્બ્યુલન્સ કોલ આવી રહ્યો છે અને શહેરના દરેક રાજમાર્ગો ઉપરથી સાયરન વગાડતી એમ્બ્યુલન્સો પસાર થઈ રહી છે. અત્યારે સૌથી વધુ એમ્બ્યુલન્સના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં જ જોવા મળી રહ્યા છે અને એક એમ્બ્યુલન્સ ગેઈટમાંથી બહાર નીકળે કે બીજી અંદર આવી જાય છે અને તે બહાર નીકળે કે ત્રીજી અંદર આવવા માટે તૈયાર જ હોય છે ! સિવિલ પણ અત્યારે દર્દીઓથી હાઉસફૂલ થઈ ગઈ હોવાને કારણે ભારે ગીર્દી થઈ રહી છે. બીજી બાજુ હોસ્પિટલ સંકુલમાં એમ્બ્યુલન્સનું સાયરન સંભળાય એટલે સંકુલમાં ઉભેલા લોકોના રૂંવાડા ઉભા થઈ રહ્યા છે.

ધસારાને પહોંચી વળવા રાજકોટમાં બે 108 એમ્બ્યુલન્સ વધારાઈ
108 સેવાના પ્રોગ્રામિંગ ડાયરેક્ટર મીલન પટેલે જણાવ્યું હતું કે માર્ચ અને ત્યારપછી એપ્રિલના 7 દિવસની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે ફોન પણ વધી જતાં સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી શહેરમાં 25 એમ્બ્યુલન્સ દોડતી હતી જેમાં બેનો વધારો થતાં કુલ 27 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ પણ સ્થળે 20 મિનિટની અંદર પહોંચવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement