મહારાષ્ટ્રમાં વેકસીનના સ્ટોક ખલાસ : કેન્દ્રને તાકીદે વધુ નવા ડોઝ મોકલવા કહેવાયુ

07 April 2021 02:52 PM
India Top News
  • મહારાષ્ટ્રમાં વેકસીનના સ્ટોક ખલાસ : કેન્દ્રને તાકીદે વધુ નવા ડોઝ મોકલવા કહેવાયુ

રાજયમાં વેકસીનના અભાવે સેન્ટર બંધ કરવા પડે તેવી સ્થિતિ : દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણ ધરાવતા રાજયમાં વેકસીનેશનના અભાવે નવી સમસ્યાના સંકેત

મુંબઇ તા.7
દેશમાં કોરોનાના હોટસ્પોટ બની ગયેલા મહારાષ્ટ્રની રાજય સરકારે કેન્દ્રને તાકીદનો સંદેશો મોકલીને વેકસીનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. રાજયના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજયમાં હવે ફકત 3 દિવસ ચાલે તેટલો વેકસીનનો સ્ટોક છે અને મુંબઇ સહિતના શહેરોમાં ઝડપી વેકસીનેશન જરૂરી બની ગયું છે. તેથી અમે કેન્દ્ર સરકારને વેકસીનના વધુ ડોઝ મોકલવા માટે વિનંતી કરી છે. મહારાષ્ટ્રે કોરોના સંક્રમણનો સૌથી વધુ અસરગ્રસ્ત રાજય બન્યું છે.

ટોપેએ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન સાથેની ગઇકાલની વર્ચ્યુઅલ બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમારા મોટા ભાગના વેકસીનેશન સેન્ટરો ખાલી થઇ જતાં તે બંધ કરવા પડયા છે અને લોકોને વેકસીનના અભાવે પરત જવુ પડયુ છે. જેથી તાત્કાલીક વેકસીન મળે તે જરૂરી છે. મુંબઇ મહાનગરપાલિકાએ પણ વેકસીનનો સ્ટોક મહાનગરમાં હવે તળીયે પહોંચી ગયો હોવાનું જણાવ્યું હતું.

અત્યારે મુંબઇમાં સરકારી હોસ્પિટલોમાં ફકત 1 લાખ જેટલા ડોઝ ઉપલબ્ધ છે અને તે ઝડપથી પૂરા થઇ જશે. અમારે વેકસીનેશન કેન્દ્રો પણ નવા ડોઝની માંગણી કરી રહ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે રાજયને ચાલુ માસમાં 14 લાખ ડોઝ મળ્યા હતાં. તેમણે કહ્યું કે આજે અથવા આવતીકાલે મોટા ભાગના કેન્દ્રોમાં વેકસીનનો જથ્થો પૂરો થઇ જશે. કેન્દ્ર સરકાર પણ આ પરિસ્થિતિથી વાકેફ છે. મહારાષ્ટ્ર રોજના 5 લાખ ડોઝ વેકસીન આપે છે અને વેકસીનના જથ્થાની ઘટના કારણે તે 4 લાખ લોકોને વેકસીનેશન કરી રહી છે. મહારાષ્ટ્રે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 82 લાખ લોકોને વેકસીન આપી છે. જો કે કેન્દ્ર કહે છે કે મહારાષ્ટ્રને 1.06 કરોડ ડોઝ પૂરા પડાયા છે અને 88 લાખ ડોઝ હજુ વપરાયા છે અને 3 ટકા જેટલા ડોઝનો બગાડ થયો હોય તેમ મનાય છે.


Related News

Loading...
Advertisement