દ્વારકા જિલ્લામાં કોરોનાની ચેઇન તોડવા આરોગ્ય રથ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ

07 April 2021 02:29 PM
Jamnagar
  • દ્વારકા જિલ્લામાં કોરોનાની ચેઇન તોડવા આરોગ્ય રથ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ

આરોગ્ય તંત્રની સાથો સાથ સરકારી કર્મચારીઓને પણ ફરજ

જામખંભાળીયા તા.7
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ સપ્તાહ દરમ્યાન ડબલ ડિજિટ સાથે ચિંતાજનક રીતે ઉછાળો પામેલા કોરોના સંક્રમણ અંગે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા હવે વધુ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ, જિલ્લા કલેકટરની રાહબરી હેઠળ આરોગ્ય અધિકારી સુતરીયા તથા સ્ટાફ દ્વારા જિલ્લામાં આરોગ્ય સર્વેલન્સની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોરોના પોઝિટિવ સ્થળે આરોગ્ય સર્વેલન્સ તથા ધન્વંતરી રથ મારફતે કોરોના ટેસ્ટિંગ ઉપરાંત આરોગ્યને લગતી જરૂરી સારવાર- સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ રહી છે. જિલ્લામાં સ્થાનિક પ્રાંત અધિકારી ડી.આર. ગુરવ તથા નિહાર ભેટારીયાની રાહબરી હેઠળ સફાઈને પ્રાધાન્ય આપી, તમામ લોકો માસ્કનો ઉપયોગ કરી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે જરૂરી પગલાં સાથે લોકો મહત્તમ સંખ્યામાં વેક્સિનેશન કરાવે તે માટે તંત્ર સજાગ તથા સક્રિય બન્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નગાળો આફત નોતરશે..?? ચેપી રોગ એવા કોરોનાવાયરસનું સંક્રમણ લોકોના એકઠા થવાથી ફેલાય છે. ત્યારે તાજેતરમાં ખંભાળિયા તાલુકાના નાના એવા મોવાણ ગામે ચિંતાજનક રીતે અને મોટી સંખ્યામાં બહાર આવેલા કોરોના પોઝિટિવ કેસ બાદ લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. ત્યારે આગામી દિવસોમાં લગ્નગાળો હોય, અને બેદરકાર લોકો હાલ આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવતા હોવાથી કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે ફેલાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. આ સામે આરોગ્ય તંત્ર તથા પોલીસ તંત્રએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તાકીદે નક્કર પગલા લેવા જોઈએ તેમ સમજુ લોકો ઈચ્છી રહ્યા છે.


Loading...
Advertisement