ધ્રાંગધ્રા તાલુકાનાં ગામોમાં શૌચાલયની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ !

07 April 2021 12:49 PM
Surendaranagar
  • ધ્રાંગધ્રા તાલુકાનાં ગામોમાં શૌચાલયની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ !

અગાઉ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા યુવાનની આત્મવિલોપનની ચિમકી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 7
સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય સહિતની કામગીરીમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં પણ શૌચાલયની કામગીરીમાં ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજુઆતો, આંદોલનો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં ધ્રાંગધ્રાના ખરાવાડ વિસ્તારમાં રહેતાં યુવક અને સામાજીક કાર્યકરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે અને આ અંગેની જાણ જીલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં કરવામાં આવતાં દોડધામ મચી જવા પામી હતી.


આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મીશન યોજના અંતર્ગત ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં બનાવવામાં આવેલ શૌચાલયમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતી અંગે અગાઉ અનેક અરજીઓ, પુરાવાઓ તેમજ 29 દિવસ સુધી ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યાં હતાં. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલા લવામાં આવ્યાં નથી આ ભ્રષ્ટાચારમાં નીચેના કર્મચારીથી લઈ ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અનેક વખત રજુઆતો તેમજ અગાઉ કરેલ ઉપવાસ આંદોલન વખતે ખાત્રી આપ્યા બાદ પણ કોઈપણ જાતની તપાસ કે પગલા ભરવામાં આવ્યા નથી.અને બે વર્ષથી રજુઆતો કરવા છતાં તપાસ કરવામાં આવી નથી અને તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સાથે મીલીભગત હોય દોષીતોને છાવરવામાં આવી રહ્યાં છે ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા દોષીતો સામે પગલા ભરવામાં નહિં આવે તો સામાજીક કાર્યકર ઉમેશભાઈ સોલંકીએ આગામી તા.19 એપ્રીના રોજ તાલુકા પંચાયત કચેરી બહાર ન્યાય માટે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને આ અંગેની લેખીત જાણ જીલ્લા વિકાસ અધિકારીને કરતાં ચકચાર મચી જવા પામી હતી.


Loading...
Advertisement