(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 7
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સતત સંક્રમણ વધી રહ્યું છે અને વધતા જતાં કોરોના પોઝીટીવ કેસોને ધ્યાને લઈ જીલ્લા વહિવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિને પહોંચી પડવા શહેરની અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ કોવીડ હોસ્પીટલોમાં અંદાજે 300થી વધુ નવી વધારાની બેડોની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને દરરોજ મોટીસંખ્યામાં સરેરાશ કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે જેને ધ્યાને લઈ આગામ દિવસોમાં પરિસ્થિતિને પહોંચી વળવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને હાલાકી ન પડે તે માટે જીલ્લા કલેકટર કે.રાજેશે તાત્કાલીક જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત કોવીડ હોસ્પીટલોમાં વધુ બેડની સુવિધાઓ ઉભી કરવા જણાવ્યું હતું.
જેના ભાગરૂપે શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ ખાતે-100 બેડ, લીંબડી ખાતે-70 બેડ, પાટડી ખાતે-50 બેડ અને ધ્રાંગધ્રા સ્વામીનારાયણ મંદિર ખાતે-100 બેડ મળી અંદાજે 320 જેટલાં વધુ બેડની સંપૂર્ણ સુવિધા સાથે સુવિધા ઉપલબ્ધ કરી છે. આ ઉપરાંત વધુ 26 વાહનો અને અંદાજે 90 જેટલા વધુ હેલ્થ વર્કરોને પણ વધારાની જવાબદારી સોંપી છે આમ કોરોના વાયરસના કહેરને પહોંચી વળવા જીલ્લા કલેકટરની સુચનાથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ થયું છે.