સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કહેરની સ્થિતિ વણસી : વધુ 762 કેસ

07 April 2021 11:35 AM
kutch Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કહેરની સ્થિતિ વણસી : વધુ 762 કેસ

સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌથી વધુ 385 કેસથી લોકોમાં ગભરાહટ : જામનગર-ભાવનગર-જુનાગઢ-મોરબી-અમરેલી જિલ્લામાં સંક્રમણ ફેલાયું : કચ્છમાં નવા 35 કેસથી ફફડાટ : કુલ 399 દર્દીઓ ડિસ્ચાર્જ : ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલોમાં બેડ વધારવા તંત્ર ઉંધા માથે

રાજકોટ, તા. 7
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોનાની લહેર પ્રસરી વળતા સંક્રમણ અટકાવવા માટે રાત્રી કફર્યુનો સમય વધારી દેવાયો છે. તેમ છતાં હવે સ્થિતિ કાબુ બહાર જતી હોવાની ચિંતા તબીબી આલમે વ્યકત કરી છે. સમગ્ર ગુજરાત સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં પોઝીટીવ કેસોમાં ઉછાળા સાથે સરકારી ખાનગી કોવિડ હોસ્પિટલોના બેડ ફુલ થવા લાગ્યા છે. કોરોનાએ ફરી કોહરામ મચાવ્યો છે.


સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ જિલ્લો પોઝીટીવ કેસ અને મૃત્યુ આંકમાં મોખરે રહ્યો છે. છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં 321 શહેર 64 ગ્રામ્ય કુલ 38પ, જામનગર 81 શહેર 61 ગ્રામ્ય કુલ 142 ભાવનગર 65 શહેર 29 ગ્રામ્ય કુલ 94, જુનાગઢ ર1 શહેર 16 ગ્રામ્ય કુલ 37, મોરબી 32 અમરેલી 24, દ્વારકા 15 સુરેન્દ્રનગર 12 ગીર સોમનાથ 10, બોટાદ 7, પોરબંદર 1 અને કચ્છ 3પ સહિત 732 પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે રાજકોટ 197, જામનગર 89, ભાવનગર 39, જુનાગઢ 16, મોરબી 11, અમરેલી 1ર, સુરેન્દ્રનગર 14, પોરબંદર 2 અને કચ્છ 19 સહિત 399 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.રાજકોટ 19 અને જામનગર 16 દર્દીઓના મોત નોંધાયા છે.સમગ્ર રાજયમાં નવા 3ર80 પોઝીટીવ કેસ સામે 2167 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયનો રીકવરી રેટ 93.24 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો વેકસીન રસીકરણ અને રાત્રી કફર્યુ હોવા છતાં પોઝીટીવ કેસમાં રોજિંદો ઉછાળો જોવા મળી રહ્યો છે. મૃત્યુ આંક વધતા સ્મશાનગૃહોમાં ડેડબોડીની ફરી કતારો લાગી રહી છે. છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ શહેર 321 અને 64 ગ્રામ્ય સહિત 385 પોઝીટીવ કેસ નોંધાયા છે.
જયારે 153 શહેર અને 197 ગ્રામ્ય સહિત 197 દર્દીઓ સ્વસ્થ થયા છે.પોઝીટીવ કેસમાં વધારો થતા ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં સતત વધારો કરવા તંત્ર ઉંધા માથે થયું છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ જિલ્લામાં આજે સૌથી વધુ 385 પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ફરી ગભરાહટ ફેલાતા ટેસ્ટીંગ કરાવવા કતારો લાગી રહી છે.રાજકોટ જિલ્લામાં હાલ 1632 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ આંક 20607 નોંધાયો છે. રીકવરી રેટ 91.93 ટકા નોંધાયો છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા નવા 94 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,343 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 42 પુરૂષ અને 23 સ્ત્રી મળી કુલ 65 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે 1, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે 15, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે 3, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે 1, પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના શામપરા ગામ ખાતે 1, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે 1, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે 1, સિહોર ખાતે 1, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે 1, સિહોર તાલુકાના ઝરીયા ગામ ખાતે 1, સિહોર તાલુકાના ભડલી ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે 1 કેસ મળી કુલ 29 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.


જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 32 અને તાલુકાઓમાં 13 કેસ મળી કુલ 45 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા 7,343 કેસ પૈકી હાલ 580 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 73 દર્દીઓનુ અવસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈકાલે મંગળવારે નોંધપાત્ર એવા ખંભાળિયાના 13 તેમજ કલ્યાણપુરમાં બે અને દ્વારકા અને ભાણવડના એક- એક મળી, કુલ 17 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વચ્ચે ખંભાળિયાના ત્રણ સહિત કુલ છ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા જિલ્લામાં 88 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચિંતાજનક મનાતા આ નવા આંકડાઓ સાથે રાજ્યમાં પણ કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું હોવાથી આગામી દિવસોમાં લોક ડાઉન આવશે તેવી અફવાઓએ ખંભાળિયામાં ગઈકાલે આખો દિવસ વ્યાપક જોર પકડ્યું હતું. જેના કારણે ગઈકાલે શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાં મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.


આટલું જ નહી, આ અગાઉના લોક ડાઉનમાં ભારે કફોડી હાલતમાં મૂકાઈ ગયેલા તમાકુ, ગુટકા, બીડીના બંધાણીઓ એ ગઈકાલે બપોરથી જ તથા આજે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાન- ગુટકા વિગેરે વિક્રેતાઓને ત્યાં દોડી ગયા હતા અને જરૂરિયાત મુજબ આવી ચીજ વસ્તુઓનો જથ્થો લઈ લેવા લાઈનો લગાવી હતી. બંધાણીઓના વધતા જતા ધસારાના કારણે તમાકુના વિક્રેતાઓએ ગઈકાલે ઢળતી સાંજે દુકાનો બંધ કરી દેવાની ફરજ પડી હતી.આમ, ખંભાળિયામાં કોરોનાના વધતા સંક્રમણએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. સાથે- સાથે લોક ડાઉન સહિતની વ્યાપક અફવાઓએ જોર પકડતાં લોકોની મુશ્કેલી બેવડાઈ છે. જો કે ગતરાત્રીના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રી કર્ફ્યુ જેવા પગલાઓની અમલવારી થનાર ન હોય, લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.


ભાયાવદર
ભાયાવદરમાં કોરોનાના કેસમાં વધારો થતા નાગરીકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ દિવસેને દિવસે કોરોનાને મહાત આપતા દર્દીની સંખ્યામાં સતત વધારો થયો છે. તા.6ના ભાયાવદરના કેસની સંખ્યા રર થઇ હતી આવી જ રીતે જો કેસ વધતા જશે સ્થિતિ બેકાબુ બનશે. તેમજ ભાયાવદર સ્વા. ગુરૂકુલમાં અગાઉ 4 વિદ્યાર્થીને કોરોના પોઝીટીવ આવેલ. કોરોના સામે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. ભાયાવદર નગરની આમ જનતાને કામ સિવાય બહાર નહીં નીકળવા, માસ્ક પહેરવું, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


અમરેલી
અમરેલી જિલ્લામાં આજે કોરોનાં પોઝીટીવનાં નવા 24 કેસ નોંધાયા હતા. જેની સામે 33 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડીસ્ચાર્જ આપવામાં આવેલ છે. આજની તારીખે 221 દર્દીઓ હજુ સારવાર હેઠળ હોય, જિલ્લાનો કુલ આંક 4300 થવા પામ્યા છે.કોરોનાની મહામારીએ માથું ઉંચકયું છે ત્યારે તેમને રોકવા માટે થઈ વહીવટીતંત્ર તથા પોલીસ દ્વારા વધુ કડક પગલા ભરવાની શરૂઆત થવા પામી છે. જાફરાબાદના સામાકાંઠા વિસ્તારનાજીવણભાઈ રાણાભાઈ વંશ ઉર્ફે કાબર વાળો, જાફરાબાદના મીતીયાળા ગામના મોહનભાઈ ગીગાભાઈ મકવાણા, એભલવડ ગામના હિતેષભાઈ ધીરૂભાઈ પનારા વિગેરે સામે માસ્ક વગરના આંટાફેરા મારી જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ રાજુલા ગામે ઓટો રીક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા સબબ સિહોર ગામના સલીમભાઈ સતારભાઈ સૈયદ તથા ડુંગર રેલ્વે ફાટક પાસે પોલીસે કડીયાળી ગામના ભાવેશભાઈ ઉકાભાઈ મેર સામે મેજીકમાં વધુ મુસાફરો બેસાડી જાહેરનામા ભંગ કરવા સબબ કાર્યવાહી હાથ ધરી હતી.

 

 


Related News

Loading...
Advertisement