રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, સહીત સૌરાષ્ટ્રનાં 9 શહેરોમાં રાત્રે 8થી નાઈટ-કફર્યુ: લોકોમાં દહેશતનો માહોલ

07 April 2021 11:32 AM
Rajkot Gujarat Top News
  • રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, સહીત સૌરાષ્ટ્રનાં 9 શહેરોમાં રાત્રે 8થી નાઈટ-કફર્યુ: લોકોમાં દહેશતનો માહોલ

અત્યાર સુધી ચાર મહાનગરોમાં જ નાઈટ કફર્યુ હતો, અન્ય 16 શહેરોમાં ચાલુ વર્ષે પ્રથમ વખત લાગશે : આવશ્યક સહિતની ખરીદી માટે સવારથી જ બજારોમાં ભીડ જામવા લાગતા અફડાતફડીનો માહોલ: ભાવનગર, જુનાગઢ, ગાંધીધામ, ભૂજ અમરેલી પણ નાઈટ કફર્યુ હેઠળ

રાજકોટ તા.7
ગુજરાતમાં કોરોનાની ભયજનક રફતારને નિયંત્રીત કરવા માટે 3-4 દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટના સુચન બાદ રાજય સરકારે સૌરાષ્ટ્રનાં 9 શહેરોમાં આજથી જ રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધીનો કરફયુ લગાવવાની જાહેરાત કરી છે જેને પગલે લોકોમાં ફફડાટ સર્જાયો છે. જીવન જરૂરી સહીતની ચીજોની ખરીદી કરવા માટે માર્કેટોમાં ભીડ એકત્રીત થવા લાગતા અફડાતફડી જેવો માહોલ છે.લોકોમાં હજુ સંભવિત લોકડાઉનનો ડર પણ હોવાનું ચિત્ર છે.


ગુજરાતમાં અત્યાર સુધી રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા એમ ચાર મહાનગરોમાં જ રાત્રી કરફયુ હતો.પરંતુ છેલ્લા કેટલાંક દિવસોમાં કોરોના કેસોમાં બેફામ વધારા તથા નાના શહેરોમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાવા લાગ્યુ હોવાના સંકેતોને પગલે વધુ 16 શહેરોનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનાં 9 સહીત રાજયનાં 20 શહેરોમાં નાઈટ કરફયુ રહેશે. નાઈટ કરફયુનો સમય પણ વધારવામાં આવ્યો છે.અત્યાર સુધી ચાર મહાનગરોમાં રાત્રે 9 થી 6 નો નાઈટ કરફયુ હતો તે હવે આજથી 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.


નાઈટ કરફયુમાં સામેલ કરાયેલા 20 માંથી 9 શહેરો સૌરાષ્ટ્રનાં છે. તેમાં રાજકોટ ઉપરાંત જુનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, તથા ગાંધીધામનો સમાવેશ થાય છે. રાજકોટ સિવાય સૌરાષ્ટ્રનાં અન્ય આઠ શહેરોમાં ચાલુ વર્ષે પ્રથમ વખત નાઈટ કરફયુ લાગુ પડશે. આ તમામ શહેરોમાં છેલ્લા દિવસોમાં કોરોના કેસોમાં મોટી વૃધ્ધિ થઈ છે.


નાઈટ કરફયુમાં સામેલ કરાયેલા ગુજરાતનાં અન્ય શહેરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, ઉપરાંત, ગાંધીનગર, આણંદ, નડીયાદ, મહેસાણા, પાટણ, ગોધરા, ભરૂચ, તથા દાહોદનો સમાવેશ થાય છે. રાજયના આ તમામ શહેરોમાં આજ રાતથી જ રાત્રે 8 વાગ્યાથી નાઈટ કરફયુનો અમલ શરૂ થઈ જવાનો છે. ત્યારે લોકો ફફડયા છે. કોરોના કાબુમાં ન આવે તો હજુ વધુ આકરા પગલા આવી શકે તેવી આશંકાને ધ્યાને રાખીને લોકો બજારોમાં ખરીદી માટે ઉમટવા લાગતા અફડાતફડીનો માહોલ છે. રાત્રે 8 વાગ્યાથી કરફયુ છે. એટલે બજારો સાંજે સાત વાગ્યાથી બજારો-દુકાનો બંધ થઈ જવાનું શરૂ થઈ જાય અને ત્યારે ભીડ-ટ્રાફીકની આશંકાને ધ્યાને રાખીને વહેલીતકે ખરીદી કરી લેવાના લોકોનાં માનસથી અફડાતફડીનો માહોલ ઉદભવ્યો છે.લોકોમાં હજુ એવી પણ આશંકા છે કે વડાપ્રધાન આવતીકાલે તમામ રાજયોનાં મુખ્યપ્રધાનો સાથે બેઠક કરવાનાં છે સમગ્ર દેશમાં કોરોનાની બિહામણી રફતાર છે. તેમાં કેન્દ્ર તરફથી પણ પગલા જાહેર થવાનો ઈન્કાર થઈ શકતો નથી. રાજયના ચાર સિવાયના અન્ય 16 શહેરોમા લોકડાઉન પછી પ્રથમ વખત નાઈટ કરફયુ લાગુ પડી રહ્યો છે એટલે વધુ ફફડાટ છે.

 


Related News

Loading...
Advertisement