કચ્છ વાયુદળના અધિકારીના પિતા સાથે 3.16 લાખની ઓનલાઇન ઠગાઇ

07 April 2021 11:29 AM
kutch Crime
  • કચ્છ વાયુદળના અધિકારીના પિતા સાથે 3.16 લાખની ઓનલાઇન ઠગાઇ

રીચાર્જ કરાવવાના બહાને ગઠીયાએ નાણાં ટ્રાન્સફર કરી લીધા:

ભૂજ તા.7
આજના ડિજિટલ યુગમાં છેતરપિંડીના અચરજમાં મુકાઈ જવાય એવા સંખ્યાબંધ કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પાસે સ્થિત ભાનાડા વાયુ સેના મથકમાં ફરજ બજાવતા સ્કવોડ્રન લીડરના પિતા સાથે નંબર રીચાર્જ કરાવવાના નામે અજાણ્યા ગઠીયાએ 3.16 લાખની ઓનલાઇન છેતરપિંડી કરતાં ચકચાર પ્રસરી છે.


આ અંગે વાયુદળના અધિકારી હેમંત બીષ્ટે અજાણ્યા ફોન કોલર સામે કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.ફરિયાદીના પિતા ભુપાલસિંગને અજાણ્યા નંબર પરથી એરટેલ કંપનીના નામે મેસેજ આવ્યો હતો કે નાણા રીચાર્જ કરાવો નહીંતર સીમકાર્ડ બંધ થઇ જશે. ત્યારબાદ ભેજાબાજે ફોન કરી ઓછામાં ઓછું દસ રૂપિયાનુ઼ રીચાર્જ કરાવવા જણાવ્યું હતું જેથી ભૂપાલસિંગે આખા વર્ષના નાણાં એડવાન્સમાં ભરી દીધા હોવાની વાત કરતા આ ઠગે સ્કિમ અપગ્રેડ કરાવવાના બહાને રીચાર્જનો આગ્રહ રાખ્યો હતો.


ભૂપાલસિંગે ઠગની વાતોમાં આવી રીચાર્જ કરતા તે શખ્સે ફોનકોલ ચાલુ રાખ્યો હતો અને તેમને એરટેલ લાઇટ અને એરટેલ સપોર્ટ નામના બે સોફ્ટવેર ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. ભુપાલસિંગે આ સોફટવેર ડાઉનલોડ કર્યાની ગણતરીની મિનીટોમાં જ તેમના બે બેન્ક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેકશન મારફતે 3.16 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી ઓનલાઇન છેતરપીંડીના કિસ્સા વધી રહ્યા છે ત્યારે અજાણ્યા કોલરો ફોન કરીને લોટરી લાગી છે, એટીએમ કાર્ડ બંધ થઇ જાશે સહિતની અનેક વાતો કરીને લોકોને જાસ્સામાં લે છે અને છેતરી રહ્યા છે ત્યારે લોકોએ અત્યંત સાવધાન થવું જરૂરી બન્યું છે.


Related News

Loading...
Advertisement