ભૂજ તા.7
સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં પણ વિશ્વિક મહામારી કોરોના વાઇરસની બીજી લહેરે પંજો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હોય તેમ ’સત્તાવાર’ કોરોનાના નવા 35 કેસ નોંધાતાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે.હોટસ્પોટ બની ગયેલા જિલ્લા મથક ભુજ અને ગાંધીધામમાં કોરોનાનું વધતું સંક્રમણ ચિંતા સર્જી રહ્યું હોય તેમ ભુજમાં સર્વાધિક 13 અને ગાંધીધામમાં 11 મળી શહેરોમાં 24 કેસ સામે મુંદરામાં 5, રાપરમાં 3, અંજારમાં 2 અને ગાંધીધામમાં 1 કેસ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 11 કેસ નોંધાયા હતા.એપ્રિલમાં સંક્રમણ તેની પરાકાષ્ટાએ પહોંચ્યું હોય તેમ પ્રથમ છ જ દિવસમાં 166 કેસ નોંધાયા છે જે સંભવત: અત્યાર સુધી એક સપ્તાહના ગાળામાં નોંધાયેલા સર્વાધિક હોવાનું સત્તાવાર આંકડા બોલી રહ્યા છે.35 નવા કેસ સામે 19 દર્દીઓ સાજા થતાં સક્રિય કેસ વધીને અઢીસોની નજીક ર45 પર પહોંચી ગયા છે.
કચ્છમાં છેલ્લે 15મી ડિસેમ્બરના દિવસે 35 કેસ નોંધાયા હતા તો 19મી ડિસેમ્બરે 38 સંક્રમિતો વધ્યા બાદ આજે નોંધાયેલા કેસનો આંક ઊંચો આવ્યો છે. અત્યારસુધી જિલ્લામાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 5185 તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4828 પર પહોંચી છે. સોમવારે મૃતાંક વધ્યા બાદ મંગળવારે મોતનો આંકડો 82 પર સ્થિર રહ્યો હતો. સક્રિય કેસમાં વધારાના પગલે રિકવરી રેટ પણ વધુ ઘટીને 93.11 ટકાએ પહોંચ્યો છે.
દરમ્યાન,સમગ્ર દેશની સાથે ગુજરાતમાં કોરોનાના કેસો બેકાબૂ બન્યા છે અને હાઈકોર્ટે પણ ત્રણ-ચાર દિવસના લોકડાઉન સહિતના તાકીદના પગલાં લેવા માટે સરકારને આગ્રહ કર્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મહાનગરો ઉપરાંત ભુજ, ગાંધીધામ, મોરબી સહિતના રાજ્યના 20 કોરોનાગ્રસ્ત શહેરોમાં બુધવારે મધરાતથી રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી.
બેકાબુ બનેલા સંક્રમણ પર લગામ લગાવવા માટે રૂપાણીએ 30 એપ્રિલ સુધી તમામ સરકારી કચેરીઓમાં શનિ-રવિની રજા, લગ્નપ્રસંગમાં 200ને બદલે 100 જણને જ મંજૂરી, 50થી વધુ લોકોના એકત્ર થવા પર મનાઈ સહિતના પગલાંનું એલાન કર્યું હતું.શરૂઆતમાં લોકડાઉન થશે તેવા ભયથી શહેરીજનોએ માલ-સમાન ભરવા મોડી સાંજ સુધી દોડધામ કરી હતી જયારે વ્યસનીઓ પાનના ગલે બીડી-તમ્બાકુ લેવા બેબાકળા બનીને દોડતા નજરે પડ્યા હતા.