નદીના ખાડામાં ન્હાવા પડેલ ત્રણ કિશોરોના ડુબી જવાથી મોત

07 April 2021 11:02 AM
kutch
  • નદીના ખાડામાં ન્હાવા પડેલ ત્રણ કિશોરોના ડુબી જવાથી મોત

ભચાઉના શિકારપુર ગામની સીમમાં બનેલ બનાવ : શ્રમજીવી પરિવારોમાં ભારે કલ્પાંત

ભૂજ તા.7
પૂર્વ કચ્છના શિકારપુર ગામ નજીક ગત મંગળવારે બપોરે નદીના ખાડામાં નહાવા ગયેલા ત્રણ કિશોરોના ડૂબી જવાથી મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે. કરુણાંતિકાની મળતી વધુ માહિતી અનુસાર શિકારપુર ગામની પૂર્વ દિશાએ આવેલી ખારી નદીમાં લાંબા સમયથી ભુમાફિયાઓ રેતી ઉપાડી રહ્યા છે જેના કારણે નદીમાં 15 થી 20 ફૂટના ખાડાઓ પડ્યા છે જેથી તળમાંથી કુદરતી ઝરા સ્વરૂપે પાણી આવતા ખાડાઓ ભરાયેલા રહે છે જેમાં નહાવા પડેલા શિકારપુરના પ્રકાશ હાજા ગોહિલ ઉવ. 13, કમલેશ લાધો વાઘેલા ઉવ. 16 અને વાંધિયા ગામનો મુકેશ પ્રેમજી મિયોત્રા ઉવ. 13 નામના શ્રમજીવી પરિવારના બાળકો ડૂબીને મૃત્યુ પામ્યા હતા. ત્રણેય કિશોરોના મૃતદેહોને લાકડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયા હતા જ્યાં તેમના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. બનાવની કરુણતા એ હતી કે છેલ્લા પાંચ-સાત દિવસથી શિકારપુર ગામમાં પાણી આવ્યું નહોતું ત્યારે આજે દલિત સમાજના પરિવારમાં દાડાનો પ્રસંગ હોતાં સંબંધીઓ એકત્ર થયા હતા તે દરમ્યાન બપોરે જમણવાર પતાવ્યા બાદ નાહવા માટે ગયેલા આ ત્રણેય કિશોરો ગામની નદીમાં આવેલા ખાડાઓમાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા. ત્રણ માસુમોના મૃત્યુથી આઘાતમાં સરી પડેલા શિકારપુર ગામમાં રાત્રીના ત્રણેયની અંતિમવીધી એક સાથે કરાતા ગામ આખુ જાણે હિબકે ચડ્યું હતુ અને હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.


Loading...
Advertisement