મુંબઇ તા. 6
મહારાષ્ટ્રમાં ગઢબંધનની સરકારથી એક યા બીજા સમયે સતામાં આવનાર નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને રાજયના ગૃહમંત્રાલય વચ્ચે સતત નવડીનો સબંધ છે અને તેથી જ જે સમયે રાજયમાં એનસીપીના કોઇ નેતા ગૃહમંત્રી તરીકે આવ્યા છે તેઓ કઇંકને કઇંક વિવાદમાં ફસાઇને આ મંત્રાલય અને મંત્રીપદ બંને છોડવુ પડયુ છે. છેક 1999થી આ પ્રકારની સ્થિતિ સર્જાઇ રહી છે. સરકારમાં નંબર ટુ તરીકેનું સ્થાન જાળવવા માટે એનસીપી નાણા અને ગૃહમંત્રાલય જેવા મહત્વના વિભાગો સંભાળવાનો આગ્રહ રાખે છે અને તે કોઇને કોઇ વિવાદમાં ફસાઇ જાય છે.
2003માં એનસીપીનું પ્રતિનિધિત્વ કરતા છગન ભુજબલ કરોડો રૂપિયાની બનાવટી સ્ટેમ્પ પેપર પ્રકરણમાં ફસાઇ ગયા હતા અને તેમણે મંત્રાલય છોડવુ પડયુ હતુ. જોકે તે સમયે એક ટીવી ચેનલની ઓફીસ પર હુમલાના કારણે તેમનું રાજીનામુ લેવામાં આવ્યુ હોવાનું કહેવાય છે. પરંતુ ભુજબલના 4 વર્ષ તરીકેના સમયગાળામાં તેલગી કાંડ સહીતના અનેક વિવાદોમાં તેઓ ફસાયા હતા અને ખાસ કરીને શિવસેનાના વડા બાલઠાકરેની ધરપકડ ઉપરાંત ગૃહમંત્રાલયમાં ભ્રષ્ટાચારના ભારે આક્ષેપોનો પણ તેમણે સામનો કરવો પડયો હતો. વિપક્ષના નેતા તરીકે પણ તેઓ અનેક વિવાદોમાં ફસાઇ ગયા હતા અને અંતે તેઓ એક સમયે જેલવાસ પણ ભોગવી ચુકયા છે.
2008માં 26/11 ના મુંબઇ હુમલાના પગલે તે સમયના ગૃહમંત્રી આર.આર. પાટીલ એ કરેલા વિધાનો તેમના માટે મુસીબત બન્યા હતા. તેઓએ 26/11 હુમલાને અત્યંત હળવાસથી લીધો અને એવુ વિધાન કર્યુ કે મોટા શહેરોમાં આવી નાની બાબતો થતી જ હોય છે અને આ વિધાનોથી તેઓ ફસાઇ ગયા અને તેઓને રાજીનામુ આપવા એનસીપી વડા શરદ પવારે ફરજ પાડી હતી. તેઓ જોકે બાદમાં એક જ વર્ષમાં ફરી મંત્રી પદે આવી ગયા હતા.
અને હવે શિવસેના સાથેની સંયુકત સરકારમાં ગૃહમંત્રી બનેલા અનિલ દેશમુખ માટે પણ રાજીનામુ આપવાનો સમય આવી ગયો હતો જયારે મુંબઇમાં એન્ટીલીયા કાંડ અને પોલીસ ઇન્સ્પેકટર સચિન વાજેના વિવાદમાં તેઓ ફસાઇ ગયા. તેમના પર મુંબઇના જ તે સમયના પોલીસ કમિશ્નરે આક્ષેપ કર્યો કે દેશમુખ રૂ.100 કરોડના ઉઘરાણા માટે ચોકકસ પોલીસ અધીકારીઓને સુચના આપે છે. ગૃહમંત્રાલયમાં જોકે તેઓના સમયમાં સુશાંતસિંઘ રાજપુતની આત્યહત્યા, પુજા ચૌહાણ આત્મહત્યા કેસ અને છેલ્લે એન્ટીલીયા કાંડ અને મુકેશ હિરેનની હત્યા આ બધા વિવાદ તેમના સમયે જ સર્જાયા હતા અને અંતે રાજીનામુ આપવુ પડયુ છે.