આ વખતે IPLમાં લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમ ‘ફાવશે’: 6 ગ્રાઉન્ડનો રેકોર્ડ પૂરે છે ગવાહી

06 April 2021 10:10 AM
Sports
  • આ વખતે IPLમાં લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમ ‘ફાવશે’: 6 ગ્રાઉન્ડનો રેકોર્ડ પૂરે છે ગવાહી

2018થી 2021 સુધીમાં 6માંથી 4 ગ્રાઉન્ડ ઉપર 60 ટકાથી વધુ મેચ બીજો દાવ લેનારી ટીમે જીત્યા છે: સ્પીન બોલરો માટે ચેન્નાઈ સૌથી શ્રેષ્ઠ, ફાસ્ટ બોલરો માટે અમદાવાદ ‘વ્યાજબી’, બેંગ્લોર સૌથી ખરાબ

મુંબઈ, તા.6

આઈપીએલની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. કોરોનાને કારણે આ વખતે માત્ર 6 વેન્યુ ઉપર જ મુકાબલા રમાશે. આ તમામ 6 વેન્યુના ત્રર વર્ષના ટી-20 રેકોર્ડને જોઈએ તો અહીં લક્ષ્યાંકનો પીછો કરવો આસાન રહ્યો છે મતલબ કે આ વખતે આઈપીએલમાં ટોસ મહત્ત્વપૂર્ણ બની રહેશે. લીગનો પહેલો મેચ પૂર્વ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈમાં રમાશે. મુંબઈએ સૌથી વધુ પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે જ્યારે બેંગ્લોરને હજુ ચેમ્પિયન બનવાની રાહ છે.

આ વખતે આઈપીએલના મુકાબલા મુંબઈ, બેંગ્લોર, કોલકત્તા, દિલ્હી, અમદાવાદ અને ચેન્નાઈમાં રમાશે. 1 જાન્યુઆરી-2018થી રમાયેલા ટી-20 મુકાબલાની વાત કરીએ તો સૌથી વધુ 41 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાના છે. બીજી બાજુ સૌથી ઓછા 10 મુકાબલા ચેન્નાઈમાં રમાયા છે. આ તમામ વેન્યુ ઉપર લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમને વધુ જીત મળી છે. આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

છમાંથી ચાર વેન્યુ પર તો 60 ટકાથી વધુ મુકાબલા લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમે જીત્યા છે. બેંગ્લોરમાં સૌથી વધુ 75 ટકા મેચમાં આવું બન્યું છે. અહીં કુલ 15 મુકાબલા રમાયા છે અને 9 મેચને બીજી બેટિંગ કરનારી ટીમે જીત્યા છે. આ ઉપરાંત મુંબઈમાં 61 ટકા, અમદાવાદમાં 67 ટકા અને ચેન્નાઈમાં 60 ટકા મેચ લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમે જીત્યા છે. કોલકત્તામાં 51 અને દિલ્હીમાં 57 ટકા મેચ બીજો દાવ લેનારી ટીમે જીત્યા છે. મુંબઈમાં આ દરમિયાન 41, કોલકત્તામાં 47, દિલ્હીમાં 28, બેંગ્લોરમાં 15, અમદાવાદમાં 12 અને ચેન્નાઈમાં 10 મુકાબલા રમાયા છે.

આ દરમિયાન 6 મેદાનો ઉપર બોલરોના પ્રદર્શનને જોઈએ તો સ્પિન બોલરોનું પ્રદર્શન ચેન્નાઈમાં સૌથી સારું રહ્યું છે. અહીં સ્પીનરોએ સૌથી ઓછી 6.3ની ઈકોનોમીથી રન આપ્યા છે. બેંગ્લોરમાં સૌથી વધુ ઈકોનોમી રહી છે. અહીં સ્પીન બોલરોએ 8ની ઈકોનોમીથી રન આપ્યા છે. દિલ્હીમાં 7.2, અમદાવાદમાં 7.4 અને મુંબઈમાં સ્પિન બોલરોની ઈકોનોમી 7.9ની રહી છે.

ફાસ્ટ બોલરોના પ્રદર્શનની વાત કરીએ તો તેની ઈકોનોમી અમદાવાદમાં સૌથી સારી રહી છે. ફાસ્ટ બોલરોએ અહીં આઠની ઈકોનોમીથી રન આપ્યા છે અને 20ના સ્ટ્રાઈક રેટથી વિકેટ મેળવી છે. કોલકત્તામાં 8.5, દિલ્હીમાં 8.6, મુંબઈમાં 8.7, ચેન્નાઈમાં 8.8 અને બેંગ્લોરમાં ફાસ્ટ બોલરોએ 9.7ની ઈકોનોમીથી રન આપ્યા છે. કોલકત્તામાં ફાસ્ટ બોલરોનો સ્ટ્રાઈક રેટ સૌથી સારો રહ્યો. અહીં તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 18નો છે.


Related News

Loading...
Advertisement