મુંબઈમાં આઈપીએલ ટીમોને મેચ અને પ્રેક્ટિસ વખતે કર્ફયુ લાગુ નહીં પડે

06 April 2021 10:08 AM
Sports
  • મુંબઈમાં આઈપીએલ ટીમોને મેચ અને પ્રેક્ટિસ વખતે કર્ફયુ લાગુ નહીં પડે

રાત્રે 8 વાગ્યા બાદ પ્રેક્ટિસ કરવા દેવાની મહારાષ્ટ્ર સરકારે આપી છૂટ: 10માંથી 9 મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે, જો કે નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે

મુંબઈ, તા.6

મહારાષ્ટ્ર સરકારે કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત મુંબઈમાં આઈપીએલ મેચના આયોજનનો રસ્તો સાફ કરતાં મહામારીને રોકવા માટે લગાવવામાં આવેલા રાત્રિકર્ફયુ દરમિયાન રાત્રે 8 વાગ્યા બાદ પ્રેક્ટિસ કરવા અને ટીમોને હોટલ સુધી આવવા-જવાની પરવાનગી આપી દીધી છે.

મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધી રહેલા કેસને કારણે રાજ્ય સરકારે મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી કર્ફયુ લગાવવાની જાહેરાત કરી હતી. આ દિશા-નિર્દેશોનું પાલન પણ શરૂ થઈ ચૂક્યું છે. જો કે સરકારે આઈપીએલ ટીમોને જૈવ સુરક્ષિત વાતાવરણ (બાયો-બબલ)નું ચુસ્ત પાલન કરીને રાત્રે આઠ વાગ્યા બાદ પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપી દીધી છે. આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થશે જેનો પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને જારી કરાયેલા પત્રમાં લખાયું છે કે મેચના સમયને ધ્યાનમાં રાખી ટીમોને સીસીઆઈ (ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા) અને એમસીએ (મુંબઈ ક્રિકેટ એસોસિએશનનું સ્ટેડિયમ વાનખેડે)માં બે સત્રમાં બપોર બાદ ચાર વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી અને સાંજે 7:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરવા દેવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મુંબઈમાં આઈપીએલના 10 મેચનું આયોજન થવાનું છે. આ તમામ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે અને તેમાંથી નવ મેચ રાત્રે 7:30 વાગ્યાથી શરૂ થશે. વાનખેડેમાં પહેલો મેચ 10 એપ્રિલે ચેન્નાઈ અને દિલ્હી વચ્ચે રમાશે.

દરમિયાન મુંબઈ ક્રિકેટ એસો.ને મોટી રાહત મળી છે કેમ કે વાનખેડે સ્ટેડિયમમાં જે 10 કર્મચારીઓને કોરોના આવ્યો છે તેનો ટેસ્ટ હવે નેગેટિવ આવી ચૂક્યો છે.


Related News

Loading...
Advertisement