વ્રજમાં ચાલીસ દિવસ સુધી ઉજવાતો વ્હાલોત્સવ

27 March 2021 05:21 PM
Dharmik
  • વ્રજમાં ચાલીસ દિવસ સુધી ઉજવાતો વ્હાલોત્સવ

વ્રજવાસીઓ માટેનો પોતાના વ્હાલા-લાડલાને વધાવવાનો વ્હાલોત્સવ એની સંગ માણવાનો મહોત્સવ એટલેસ્તો વ્રજમાં આ અનેરા ઉત્સવ ચાલીસ-ચાલીસ દિવસ સુધી ઉરના ઉમંગે, રંગેચંગે ઉજવાય છે. કહેવાય છે નિકુંજ નાયક આ અનેરો ઓચ્છવ પ્રથમ પચ્ચીસ દિવસ નિજકુંજમાં ઉજવે છે. ત્યારબાદ પંદર દિવસ નિકુંજ બહાર ઉજવાય છે. વાસ્તવમાં કુંજલાલા ભાવ-સિદ્ધ હોઇ વ્રજવાસી વિવિધ ભાવથી અલગ અલગ કુંજમાં અલગ અલગ ભાવથી ‘હોરી’ ઉજવે છે. આવા ભાવ કુંજ સાત છે એવું કહેવાય છે. (1) પ્રેમકુંજ, (2) વિરાટ કુંજ (3) મધુ કુંજ (4) પ્રિતિકુંજ (5) લીલાકુંજ (6) કંદર્પ કુંજ, અને (7) યુગલ કુંજ.
હોરીના બીજા દિવસે એટલે કે ધુળેટીના પરમ પાવક દિને વણજોયા મુહૂર્તે ડોલોત્સવ તરીકે અનેરા આનંદ ઓચ્છવભેર ઉરના ઉમંગે ઉજવાય છે. આ ઉત્સવ મોટે ભાગે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં ઉજવાય છે.


આ ડોલોત્સવને ‘વિરહોત્સવ’ પણ કહે છે, આ વિરહની વેદના અને વ્યથાને વ્યકત કરવા અનેે વાચા અર્પણ ગુલાલ ઉડાડાય છે. હોરીએ ‘સખ્યભાવોત્સવ’ પણ છે. જે એકતા અને આત્મીયતાની આલબેલ વગાડે છે. અને વ્રજ આત્માઓને જગાડે છે.દરેક પુષ્ટિમાર્ગી માટે તો આ પ્રેમનો પ્રાગટયોત્સવ છે. પોતાના પ્રાણ પ્યારાને એના રંગમાં રંગી દેવા આજીજી કરતો ઓચ્છવ છે અને એટલે જ દરેક હવેલીમાં આ હોલિકાત્સવ હેતના હિલ્લોળે, ઉમંગોના ખોળે ઉલ્લાસભેર ઉજવાય છે. અને એ દ્વારા વ્હાલાને વધાવાય છે. એના પોખાણા લેવાય છે. ફગવા વહેંચાય છે. (સુકો મેવો, ધાણી, દાળીયા, ખજુર વિગેરે)એ રસીયાના રાસ લેવાય છે અને તન, મન, રંગાય છે.
સં : ઉષાબેન ઠકકર (રાજકોટ)


Related News

Loading...
Advertisement