રાજકોટ તા.27
કોરોના સંક્રમણનાં દૌરમાં પણ હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતાં રાજકોટની એર ફ્રિકવન્સીમાં ઉમેરો થવા લાગ્યો છે.રાજકોટ એરપોર્ટમાં સ્પાઈલ જેટ, એર ઈન્ડીયા બાદ કાલથી ઈન્ડિગો કંપનીની વિમાની સેવા શરૂ થનાર છે.આવતીકાલે તા.28 ને રવિવારે બપોરે ઈન્ડિગો એરલાઈન્સ પ્રથમ ફલાઈટ મુંબઈ-રાજકોટ ફલાઈટનું રાજકોટ એરપોર્ટ પર લેન્ડીંગ થતાં જ વોટર કેનનથી સ્વાગત બાદ એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ, રાજકીય ક્ષેત્રનાં મહાનુભાવો, વેપારી સંગઠનના આમંત્રીત આગેવાનો દ્વારા મુસાફરોનું સ્વાગત કરવામાં આવનાર છે.કાલથી ઈન્ડિગોની મુંબઈ, દિલ્હી, હૈદરાબાદની ત્રણ ફલાઈટ સાથે એર ઈન્ડીયાની વધુ એક મુંબઈની ફલાઈટ શરૂ થતાં સવારથી રાત્રીનાં 9.30 કલાક સુધી રાજકોટ એરપોર્ટ ધમધમી ઉઠશે.કાલથી મુંબઈની પાંચ, દિલ્હીની ત્રણ અને હૈદરાબાદની બે સહીત 10 વિમાનોનાં આગમન-પ્રસ્થાનથી રાજકોટ એરપોર્ટ ધમધમતુ થશે આજથી બેગ્લોરની વિમાની સેવા 20 દિવસ બંધ રહેશે એપ્રિલ માસમાં પુન: શરૂ થશે.