બોટાદ રેલવે સ્ટેશન પર એલ.પી.જી. ભરેલા એક વેગનમાં ગેસ લીકેજ થતા ભારે અફડાતફડી

27 March 2021 12:02 PM
Botad
  • બોટાદ રેલવે સ્ટેશન પર એલ.પી.જી. ભરેલા એક વેગનમાં ગેસ લીકેજ થતા ભારે અફડાતફડી

યુદ્ધના ધોરણે રેલવે સ્ટેશનને ખાલી કરાવાયું : આસપાસના વિસ્તારનો વિજ પુરવઠો બંધ કરી દેવાયો

બોટાદ, તા. 27
બોટાદ રેલવે સ્ટેશન ખાતે 1720 ટન એલપીજી ગેસ ભરેલી ગુડઝ ટ્રેનના એક વેગન (કેપ્સુલ)માંથી અચાનક ગેસ લીકેજ થતાં અફડાતફડી મચી જવા પામી હતી. કલાકોની ભારે જહેમત બાદ આખરે લીકેજને દુર કરી ટ્રેનને રવાના કરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.ચકચાર મચાવીતી આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પીપાવાવથી 43 કેપ્સુલ (વેગન) સાથેની એક ટ્રેન આઇઓબીપી જવા માટે નીકળી હતી. આ ટ્રેન શુક્રવારે સવારે 9.15 કલાકના અરસામાં બોટાદ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. ત્યારે પ્લેટફોર્મ નં.3માં રહેલી ટ્રેનના કેપ્યુલ નં.6માં કોઇ ટેકનીકલ કારણોસર અચાનક ગેસ લીકેજ થવા માંડયો હતો. જે ઘટનાની જાણ થતાં જ તુરંત ફાયર બ્રિગેડ, આરપીએફ 108, રેલવેના અધિકારી, આઇસોસીએલ, પોલીસ, જિલ્લા કલેકટર, મામલતદાર વગેરેને જાણ કરાઇ હતી. એલપીજી ગેસ લીકેજ થવાના બનાવની ગંભીરતાને લઇ તુરંત જ અધિકારી-કર્મચારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને કોઇ મોટી દુર્ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે પ્રથમ તો પ્લેટફોર્મ અને રેલવે સ્ટેશન પરથી તમામ મુસાફરોને બહાર કાઢી લેવાયા હતા. ત્યારબાદ રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારના વીજ પુરવઠો ખોરવી દેવાયો હતો. ગુડઝ ગાર્ડ અનિલકુમાર ઝા, સ્ટેશન માસ્ટર એન.એસ.કનુલ, દિલીપકુમાર (સી એન્ડ ડબલ્યુ), શાંતિલાલ મગનએ વેગન ઉપર જઇ લીધેજ બંધ કરવા પ્રયાસ કર્યા હતા.


આ ઘટનાની જાણ થતા ભાવનગરથી આઇઓસીએલ (ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લી.)ના બોટીંગ પ્લાન્ટના ચીફ સેફટ ઓફિસર અને તેમને ટીમ તેમજ પીપાવાવથી એક ટીમ બોટાદ દોડી ગઇ હતી અને કલાકોની જહેમત બાદ બપોરે 2.45 કલાક આસપાસ ગેસ લીકેજને બંધ કરી અડધી પોણી કલાક બાદ ટ્રેનને રવાના કરી દેવાઇ હતી.ટ્રેનની અંદર આટલી મોટી માત્રામાં એલપીજી ભરેલો હોય, લીકેજની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં અફડાતફડી જેવો માહોલ ઉભો કર્યો હતો. જોકે, કોઇ દુર્ઘટના ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ ઘટના અંગે ભાવનગર ડીઆરએમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમણે ફોન રિસિવ્ડ કરવાની તસ્દી લીધી ન હતી.


Loading...
Advertisement