ગાંધીનગર તા.8
ગુજરાત વિધાનસભામાં આજે વિશ્ર્વ મહિલા દિવસ નિમિતે ભાજપ અને કોંગ્રેસનાં ધારાસભ્યોએ પ્રશ્ર્ન પૂછતા પહેલા વિશ્ર્વ મહિલા દિનની ઉજવણી અંતર્ગત અભિનંદન પાઠવ્યા હતા તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદીએ પ્રશ્ર્નોતરી બાદ અધ્યક્ષ તરીકેની કામગીરી કરવા માટે ડો.નિમાબેન આચાર્યને સોંપી હતી. જયારે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે મહિલા ધારાસભ્યો સાથે સરકારના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતાં મહિલા અધિકારીઓ અને તમામ મહિલા કર્મચારીઓને અભિનંદન આપી તેમની સેવાને બિરદાવી હતી અને જણાવ્યુ હતું કે સેવાકીય કામોમાં બહેનોનો સહયોગ ન હોય તો શકય નથી. ત્યારે અમારી સરકાર દ્વારા બહેનોને મદદરૂપ થવાના હેતુથી ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ શરૂ કર્યુ હોવાનો દાવો ગૃહમાં કર્યો હતો અને આવનાર સમયમાં જળ સંચય અભિયાન ઉપરાંત સુજલામ સુફલામ યોજનામાં પ્રત્યેક ધારાસભ્ય લાભ લેવડાવે તેવી અપીલ કરી હતી.