આઈશાના આપઘાત બાદ તંત્ર જાગ્યું : સાબરમતી નદી પર સુરક્ષા વધારી, રીવરફ્રન્ટ પર 20 પોલીસ ચોકી બનાવાશે

08 March 2021 07:30 PM
Ahmedabad Gujarat
  • આઈશાના આપઘાત બાદ તંત્ર જાગ્યું : સાબરમતી નદી પર સુરક્ષા વધારી, રીવરફ્રન્ટ પર 20 પોલીસ ચોકી બનાવાશે

રિવરફ્રન્ટ પર ફેસ સ્કેનિંગવાળા 250 સીસીટીવી લાગશે, નદીમાં 15 સ્કૂટર, 2 ગોલ્ફ કાર્ટ દ્વારા પેટ્રોલિંગ થશે : ફક્ત મહિલાઓ માટે 2 નવા સાઇબર પોલીસ સ્ટેશન બનશે

અમદાવાદ, તા.8
દેશભરમાં બહુ ચર્ચિત આઈશા આપઘાત પ્રકરણ બાદ તંત્ર જબકીને જાગ્યું છે. આઈશાએ વીડિયો બનાવી સાબરમતી નદીમાં પડતું મૂકી જિંદગી ટૂંકાવી હતી. ત્યારે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

સાબરમતી નદીમાં પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે. રીવરફ્રન્ટ પર 20 પોલીસ ચોકી બનાવવામાં આવશે. સાબરમતી નદીમાં 15 સ્કૂટર, 2 ગોલ્ફ કાર્ટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. સાબરમતી નદીમાં સ્પીડ બોટથી પેટ્રોલિંગ થશે અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવશે. સાથે જ વધુ 250 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે.

સાબરમતી ફ્રન્ટ પર જે સીસીટીવી ફિટ કરાશે તે ફેસ સ્કેનિંગવાળા હશે. તમામ કેમેરાનું મોનિટરિંગ રિવરફ્રન્ટ પરની જ પોલીસ ચોકીમાં થશે, જેના આધારે કોઇ વ્યક્તિનો ફોટો કંટ્રોલ રૂમની મોનિટરિંગ સિસ્ટમમાં નખાશે તો તે રિવરફ્રન્ટ ઉપર આવ્યો હશે તો તેનું લોકેશન કેમેરા શોધી કાઢશે. હાલ રિવરફ્રન્ટ પર એક સ્પીડ બોટ છે, જેની મદદથી નદીમાં ડુબી રહેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવે છે. હવે વધુ 2 સ્પીડ બોટ પોલીસને આપવામાં આવશે,

જેમાં તરવૈયાઓની સાથે પોલીસ કર્મચારીઓ પણ હાજર રહેશે. ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા થતી મહિલાઓની છેડતીની ઘટનાઓમાં મહિલા પોલીસ દ્વારા તપાસ થઇ શકે તે માટે 2 નવા સાઇબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. અહીં મહિલાઓને લગતા સાઇબરના ગુનાની ફરિયાદ નોંધવાનું અને ગુના શોધવાનું કામ માત્ર મહિલા પોલીસ જ કરશે. શહેરની તમામ ટેક્સી-કેબ તેમજ રિક્ષાઓ ઉપર ક્યુઆર કોડ લગાવશે અને રેકોર્ડ પોલીસ કંટ્રોલ રૂમ પાસે રહેશે.

પોલીસ એક વેબસાઇટ પણ લોન્ચ કરશે, જે મહિલાએ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે, જ્યારે મહિલા પેસેન્જર, ટેક્સી, કેબ, રિક્ષામાં બેસે તે પહેલા મોબાઇલ ફોનમાં ક્યુઆર કોડ સ્કેન કરશે તો તે મહિલા ક્યા વાહનમાં મુસાફરી કરી રહી છે તે પણ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જાણી શકાશે.


Related News

Loading...
Advertisement