તેલંગાણાના ભેંસામાં બે જૂથો વચ્ચે હિંસા: પત્રકારો સહિત 10 લોકો ઘાયલ

08 March 2021 07:30 PM
India
  • તેલંગાણાના ભેંસામાં બે જૂથો વચ્ચે હિંસા: પત્રકારો સહિત 10 લોકો ઘાયલ

બે બાઈક સવાર વચ્ચેના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું : હિંસાખોરોએ અનેક ઘર અને વાહનમાં આગ લગાડી: પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી

નિર્મલ (તેલંગાણા) તા.8
તેલંગાણાના નિર્મલ જિલ્લાના ભેંસામાં ફરી એકવાર બે સમુદાય વચ્ચે હિંસા ભડકી હતી. પથ્થરમારો અને આગજનીની ઘટનામાં પત્રકારો સહિત 10થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં ત્રણની હાલત ગંભીર છે. ત્રણેયને નિઝામાબાદની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ હિંસામાં અનેક ઘર અને વાહનોને આગના હવાલે કરવામાં આવ્યા હતા.


બે સમુદાયો વચ્ચે હિંસાની શરૂઆત એક મસ્જિદથી શરુ થઈ હતી. જાણકારી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લઈ કલમ 144 લાગુ કરી દીધી છે. નિર્મલ જિલ્લાના ભાજપના સાંસદ અરવિંદ ધરમપુરીએ મામલામાં પોલીસને તાત્કાલીક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આ ઘટનાના બારામાં ચાર કેસ નોંધવામાં આવ્યા છે. હિંસામાં સંડોવાયેલા લોકોને અટકમાં લેવાની તૈયારી થઈ રહી છે. પોલીસના જણાવ્યા મુજબ બાઈકસવાર બે વ્યક્તિઓ વચ્ચે વિવાદ બાદ એકત્ર થયેલા બે સમુદાયોએ પથ્થરમારો કર્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી.કિશન રેડ્ડીએ હિંસાની નિંદા કરી દોષીઓને ઝડપથી પકડવાની અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement