રાજકોટ તા. 8 : ગુજરાતમાં સ્થાનીક સ્વરાજની સંસ્થામાં ભાજપના ભવ્ય વિજયને પગલે રાજયમાં ધારાસભા ચુંટણીઓ વહેલી યોજાઇ શકે છે તેવા રાજયના વન મંત્રી રમણભાઇ પાટકરના વીધાનોને ફગાવી દેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે વિધાનસભા સંકુલમાં પત્રકારો સાથેની વાચચીતમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ચુંટણીઓ વહેલી યોજવાનો કોઇ પ્રશ્ન નથી. વિધાનસભા ચુંટણી ડીસેમ્બર 2022માં તેના નીયત સમયે યોજાશે. શ્રી રમણ પટેલના નિવેદન પર ટીપ્પણી કરતા મુખ્યમંત્રી એ કહયુ હતુ કે ગુજરાતમાં એક બાદ એક ચુંટણીઓમાં વર્તમાન સરકારની કામગીરીને જબરો જન ચુકાદો મળ્યો છે. તેથી અમારે આગામી સમયની ચુંટણીઓની ચીંતા કરવાની જરુર નથી. રાજય સરકાર વિકાસના એજન્ડા ઉપર કામ કરી રહી છે. આ સરકાર તકવાદી સરકાર નથી. ઉપરાંત રાજયમાં ર0રર માં પણ ભાજપ પ્રચંડ બહુમતીથી વિધાનસભામાં બહુમત મેળવશે. અને હાલની ચુંટણીઓમાં એ સાબીત થઇ ગયુ છે કે 182 માંથી 164 બેઠકો ઉપર ભાજપની સરસાઇ સ્થાપીત થઇ છે અને તેથી અમારે વહેલી ચુંટણી યોજવાની કોઇ જરુર નથી. શ્રી રૂપાણીએ આ સાથે તેમના કેબીનેટના મંત્રીના વીધાનોને ફગાવી દીધા હતા. ગઇકાલે શ્રી પાટકારે એક નીવેદનમાં કહયુ હતુ કે સ્થાનીક સ્વરાજની ચુંટણીઓમાં જે રીતે ભાજપને જબરી સફળતા મળી છે અને હવે પ.બંગાળમાં જો ભાજપ જીતશે તો ગુજરાતમાં વિધાનસભા ચુંટણી વહેલી આવી શકે છે. શ્રી પાટકરે આ માટે પક્ષના પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશના નેતાઓનો હવાલો આપ્યો હતો અને કહયુ હતુ કે તેઓ સમજે છે કે ચારે બાજુ ભાજપ-ભાજપ છે. તો વહેલી ચુંટણી યોજી અને તેનો લાભ લેવામાં આવશે. પરંતુ શ્રી રૂપાણીએ આ તર્કને નકાર્યો હતો અને કહયુ હતુ કે અમે ડીસેમ્બર 2022માં ચુંટણીઓ માટે તૈયાર છીએ અને તે પણ ભાજપ જીતશે તે નિશ્ર્ચિત છે.