હું ભસતો કૂતરો છું, તમે મારી ચિંતા ન કરો: ‘કોબ્રા’ નિવેદન બાદ મિથુન બન્યા વધુ આક્રમક

08 March 2021 11:36 AM
Politics
  • હું ભસતો કૂતરો છું, તમે મારી ચિંતા ન કરો: ‘કોબ્રા’ નિવેદન બાદ મિથુન બન્યા વધુ આક્રમક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે હું ભાજપમાં જોડાયો છું: તૃણમુલ કોંગ્રેસના નેતાઓ મારું કોઈ મહત્ત્વ નથી છતાં ચિંતા કરે છે

નવીદિલ્હી, તા.8
બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીએ ભાજપમાં જોડાયા બાદ કહ્યું કે તે ગરીબોની લડાઈ લડવા માંગે છે. તેમણે કહ્યું કે હું રાજનીતિ નહીં, મનુષ્ય નીતિ કરું છું. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારે મેં સ્વપ્ન જોયું હતું કે હું ગરીબો માટે લડીશ અને ગરીબોને તેમનું સન્માન અપાવીશ કેમ કે દુનિયાની તમામ પ્રકારની મુશ્કેલી મેં સહન કરી છે.


જ્યાં સુધી ભાજપની વાત છે ત્યાં સુધી કહું તો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે આ પક્ષમાં જોડાયો છું. તમે તેમણે કરેલા સામાજિક કાર્યોને નજરઅંદાજ ન કરી શકો. સાથે સાથે મિથુને મમતા બેનરજી ઉપર પરિવારવાદી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.


જ્યારે મિથુનને પૂછવામાં આવ્યું કે શા માટે તેમણે મમતા સાથે છેડો ફાડી નાખ્યો તો આ પ્રશ્ર્નનો જવાબ આપતાં મિથુને કહ્યું કે રાજનીતિમાં પોતાનો મતલબને આગળ રાખવામાં આવે તે વાત મારાથી સહન થતી નથી. મારા માટે પહેલાં રાજ્ય, પછી રાજ્યવાસી અને પછી તેમનો સિદ્ધાંત સર્વોપરી છે. મમતા બેનરજી પહેલાં હું ના સિદ્ધાંતમાં વિશ્ચાસ કરવા લાગ્યા છે.


‘હું પાણીવાળો સાપ નહીં કોબરા છું’ અંગેના નિવેદન પર મિથુને કહ્યું કે આ તેનો એક ડાયલોગ છે. તેણે આ અંગે સફાઈ આપતાં કહ્યું કે હું સમજૂતિયુક્ત રાજનીતિ નથી કરતો, હું સીધી વાત જ કરું છું. કોબરા મારી ફિલ્મનો એક ડાયલોગ છે. બંગાળની પબ્લીક હવે સમજી ગઈ છે અને હવે આરપાર થઈ જવાનો સમય પણ આવી ગયો છે. શું તમે ચૂંટણી નહીં લડો ? આ સવાલના જવાબમાં મિથુને કહ્યું કે તે પક્ષના પ્રોટોકોલને માનશે. હું જે પક્ષમાં જોડાયો છું તે પક્ષ ઘણો શિસ્તબદ્ધ છે. તેનો પોતાનો એક પ્રોટોકોલ છે. પક્ષ મને જે કહેશે એ હું કરીશ. મિથુને ઈશારા ઈશારામાં કહી દીધું કે તેઓ વિધાનસભા ચૂંટણી પણ લડવા માટે તૈયાર છે.


તૃણમુલ કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ સૌગત રાયની ટીકાઓનો જવાબ આપતાં મિથુને કહ્યું કે જ્યારે મારું કોઈ રાજકીય મહત્ત્વ જ નથી તો તેણે મારા ઉપર ટીપ્પણી ન કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે તૃણમુલ સાંસદે કહ્યું હતું કે મિથુન વીતેલા જમાનાના અભિનેતા છે પરંતુ અત્યારે તેઓ સ્ટાર નથી અને તેમનું બંગાળના રાજકારણમાં કોઈ મહત્ત્વ નથી. મિથુને કહ્યું કે હું ભસતો કૂતરો છું. તમે મને ભૂલી જાઓ ને. તમે તમારા કામમાં લાગ્યા રહો અને મારી ચિંતા છોડી દો. હું કોઈ સ્ટાર નથી. કોઈને કોઈનાથી ફરક પડવાનો નથી પરંતુ હું મારું કામ કરીશ.


Related News

Loading...
Advertisement