આજે સાંજે રાજકોટ, જામનગર, ભાવનગરના મેયરો ફાઇનલ કરશે ભાજપ

08 March 2021 11:32 AM
ELECTIONS 2021 Gujarat
  • આજે સાંજે રાજકોટ, જામનગર, ભાવનગરના મેયરો ફાઇનલ કરશે ભાજપ

મુખ્યમંત્રી નિવાસે પુરૂ સપ્તાહ રોજ સાંજે સંસદીય બોર્ડની બેઠક : જિલ્લાઓના નવા સુકાની પણ ફાઇનલ થશે:રાજકોટમાં ઓબીસી, ભાવનગર-જામનગરમાં મહિલા દિને બહેનોની પસંદગી : મુખ્ય પદાધિકારીઓની યાદી કાલ સુધીમાં બની જશે

રાજકોટ તા.8
રાજયભરની મ્યુનિ.કોર્પોરેશનમાં તોતીંગ બહુમતી સાથે ફરી સત્તા મેળવનાર ભાજપ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા આજે સાંજથી શરૂ થશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે અને આવતીકાલ એમ બે દિવસમાં તમામ પદાધિકારીઓની પસંદગી કરી લેવામાં આવશે.રાજકોટ મનપાનું જનરલ બોર્ડ આગામી તા.12ના રોજ બોલાવવામાં આવ્યું છે. ભાવનગરમાં તા.10 અને જામનગરમાં તા.12ના રોજ બોર્ડ છે. આ દિવસે મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી સાથે પ્રજાના પ્રતિનિધિઓનું શાસન ફરી પાંચ વર્ષ માટે શરૂ થશે અને વહિવટદાર શાસનનો અંત આવશે. રાજકોટમાં લોકોએ ભાજપને 72માંથી 68 બેઠક આપી છે.


આજે સાંજથી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થશે. આવતીકાલે પણ ચર્ચા યથાવત રહેશે. આથી આજે અને કાલે એમ બે દિવસમાં છએ મહાનગરના મેયરો નક્કી થઇ જશે. રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી મેયરનું રોટેશન છે. અમદાવાદમાં એસસી, સુરતમાં મહિલા, વડોદરામાં જનરલ, ભાવનગર અને જામનગરમાં મહિલા અનામત છે. આથી છ પૈકી ત્રણ કોર્પો.માં મહિલા પસંદ થશે.
રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે હવે મહાનગરપાલિકાઓમાં મેયર,ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી કરવા કવાયત હાથી ધરી છે. આજે સાંજથી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે રાજકોટ સહિત છ મહાનગરપાલિકાના મેયરની પસંદગી કરવામાં આવશે.


મહાનગરપાલિકામાં શહેરી મતદારોએ ભાજપને જ સત્તા સોંપવા નક્કી કર્યુ હોય તેમ અમદાવાદ, ભાવનગર, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર મહાનગરપાલિકા પર ભાજપે શાસન જાળવી રાખ્યુ છે જયારે કોંગ્રેસનો કારમો રકાસ થયો હતો. હવે ભાજપે છ મહાનગરપાલિકામાં મેયર,ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક કરવા તૈયારીઓ શરૂ કરી છે.આજે સાંજે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના સભ્યો ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર,ડેપ્યુટી મેયરના નામો પર મહોર મારવામાં આવશે.


અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકાનુ બોર્ડ 10મી માર્ચે મળનાર છે જેમાં મેયરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ જ પ્રમાણે, રાજકોટ અને વડોદરામાં 12મી માર્ચે અને સુરત-જામનગરમાં 12 માર્ચે મેયર,ડેપ્યુટી મેયરના નામો જાહેર કરવામાં આવનાર છે.સામાજીક,રાજકીય સમીકરણો આધારે ભાજપની પ્રદેશ નેતાગીરી મેયરના નામ પર આખરી મહોર મારશે. આજે અથવા કાલે છ મનપાના મેયરના નામોની પસંદગી કરાશે અને તા.10,11 અને તા.12મી માર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડમાં મેયર.ડેપ્યુટી મેયરના નામોની સત્તાવાર જાહેરાત કરાશે. મહાનગરો બાદ તુરંત જિલ્લા પંચાયતો, પાલિકાઓ, તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદાધિકારીઓની પસંદગી થશે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રુમખની પસંદગી બોર્ડ તા.12ના રોજ કરે તેવી શકયતા છે. આમ ચાલુ પુરૂ સપ્તાહ રોજ સાંજે નવા પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા બોર્ડના સભ્યો કરશે.


Related News

Loading...
Advertisement