રાજકોટમાં મહિલા તસ્કર બેલડી દ્વારા અજીબો ગરીબ વસ્તુની ચોરી : જાણો એવું શું ચોરાયુ કે પોલીસને અરજી કરવી પડી

07 March 2021 10:18 AM
Rajkot Crime Saurashtra
  • રાજકોટમાં મહિલા તસ્કર બેલડી દ્વારા અજીબો ગરીબ વસ્તુની ચોરી : જાણો એવું શું ચોરાયુ કે પોલીસને અરજી કરવી પડી
  • રાજકોટમાં મહિલા તસ્કર બેલડી દ્વારા અજીબો ગરીબ વસ્તુની ચોરી : જાણો એવું શું ચોરાયુ કે પોલીસને અરજી કરવી પડી

● તસ્કર મહિલાઓ એક્ટિવા પર આવી હતી, જે ઘરને નિશાન બનાવ્યું ત્યાં અગાઉ રેકી પણ કરી, ઘટના સીસીટીવીમાં કેદ ● માનવામાં ન આવે પણ તસ્કર મહિલાઓ મોંઘાદાટ વૃક્ષના 4 છોડવા ચોરી રફુચક્કર થઈ ગઈ

રાજકોટઃ
રાજકોટમાં મહિલા તસ્કર બેલડી દ્વારા અજીબો ગરીબ વસ્તુની ચોરી કરવામાં આવી છે. તમને પણ જાણીને નવાઈ લાગશે કે હવે આવી વસ્તુની ચોરી પણ થવા લાગી છે. માનવામાં ન આવે પણ તસ્કર મહિલાઓ મોંઘાદાટ વૃક્ષના 4 છોડવા ચોરી રફુચક્કર થઈ ગઈ છે. તસ્કર મહિલાઓ એક્ટિવા પર આવી હતી અને જે ઘરને નિશાન બનાવ્યું ત્યાં અગાઉ રેકી પણ કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

મળતી વિગત મુજબ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં.10 ખાતે રહેતા મયુરભાઈ ફળદુનામના વ્યક્તિએ ગાંધીગ્રામ પોલીસ મથકે એક અરજી આપી છે. જેમાં જણાવ્યા મુજબ ગત તા.૨ના રોજ મયુરભાઈના ઘરમાંથી કિંમતી બોન્સાઇ વૃક્ષના 4 પ્લાન્ટ ગાયબ થઈ જતા તેઓએ સોસાયટીના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. સીસીટીવીમાં જે દ્રશ્ય જોવા મળ્યા તે ચોંકાવનારા હતા. ફૂટેજમાં જોવા મળ્યું કે, વહેલી સવારે મોઢે બુકાની બાંધી એક્ટિવા પર સવાર બે મહિલા મયુરભાઈ રહે છે તે શેરીમાંથી પસાર થાય છે. પસાર થતા દરેક ઘરમાં નજર કરી લે છે અને એક્ટિવા આગળ હંકારી મૂકે છે. થોડીવાર બાદ એ જ મહિલાઓ એક્ટિવા સાથે આવી મયુરભાઈના ઘર પાસે એક્ટિવા ઉભું રાખે છે. આસપાસના ઘરમાં કોઈ જાગતું નથી ને? તે જોયા બાદ એક મહિલા એક્ટિવા પરથી નીચે ઉતરી મયુરભાઈના ઘરની કમ્પાઉન્ડ વોલ પર રાખેલા વૃક્ષના 4 કિંમતી છોડવાઓ ઉઠાવી ફરાર થઈ જાય છે.

જે ચોરી થયા તે બોન્સાઇ વૃક્ષના પ્લાન છે. તેની ઉંમર વધુ હોય છે તેમ તેની કિંમત પણ વધે છે. આ કિંમતી વૃક્ષ ₹1500થી શરુ કરી લાખો રૂપિયાની કિંમતે પણ વેચાય છે. કદાચ આટલી કિંમતો થતી હોવાથી જ તસ્કર મહિલા બેલડીએ આ વૃક્ષ પ્લાન્ટની ચોરી કરી હશે. નોંધનીય છે કે, બોન્સાઇ એ એક જાપાનીઝ કળા છે. બોન્સાઇ દ્વારા છોડને આકર્ષક અને અનેકવિધ રૂપ આપી શકાય છે. બોન્સાઇ વૃક્ષ એક ઇંચથી લઈ 48 ઇંચ સુધીના જોવા મળે છે. બોન્સાઇ વૃક્ષના ફોર્મલ બોન્સાઇ, ઇનફોર્મલ બોન્સાઇ, સ્વાન્ટ બોન્સાઇ, કેસકેડ બોન્સાઇ, રાફ્ટ બોન્સાઇ, વિન્ડ શેપ બોન્સાઇ, ટ્વીન ટ્રંક, ટ્રીપલ ટ્રંક, મલ્ટી ટ્રંક, અને બોન્સાઇ જંગલ વગેરે પ્રકાર હોય છે.

મયુરભાઈના જણાવ્યા મુજબ ચાર પ્લાન્ટ પૈકીના બોન્સાઇ વૃક્ષનો ઉછેર તેઓ ચાર વર્ષથી કરી રહ્યા હતા. આ ઇન્ડોર પ્લાન્ટ છે. છતાં છોડને સૂર્યપ્રકાશ મળે તે હેતુથી તેને અઠવાડિયામાં બે દિવસ બહાર રાખતા હતા. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કર મહિલા બેલડીની શોધખોળ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement