કલકતા તા.6
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પાટનગર કલકતામાં એક વિશાળ રેલીને સંબોધન કરવા જઈ રહ્યા છે અને આ રેલી ઉપરાંત સમગ્ર કોલકતામાં ભાજપે અનેક મેદાનોમાં એલઈડી ગોઠવી દીધા છે અને સમગ્ર મહાનગરના લોકો પોતાના નિવાસની આસપાસ જ મોદીની આ રેલીમાં વડાપ્રધાનનું સંબોધન જાળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. જેના કારણે ભાજપના અંદાજ મુજબ અંદાજે 15 લાખ લોકો એકી સાથે કોલકતામાં વડાપ્રધાનની રેલીમાં હાજરી આપશે તેવા સંકેત છે. બીજી તરફ વડાપ્રધાનની આ બ્રિગેડ મેદાન ખાતેની ભવ્ય રેલીમાં પશ્ર્ચિમ બંગાળના મોટા ચહેરા ભાજપમાં સામેલ થઈ શકે છે અને છેલ્લા બે કે ત્રણ દિવસથી અભિનેતા મિથુન ચક્રવર્તી ઉપરાંત પુર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીના નામ ચર્ચામાં છે.
જયારે ભાજપના સૂત્રો હજુ કોઈ નામ આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે વડાપ્રધાનની આ રેલીથી પશ્ચિમ બંગાળમાં કેસરીયો છવાઈ જશે તે નિશ્ચિત છે. હાલમાં જ આરએસએસના વડા મોહન ભાગવત કલકતામાં હતા તે સમયે મિથુન ચક્રવર્તી સાથેની તેમની મુલાકાતથી આ અભિનેતા ભાજપમાં સામેલ થઈ જશે તેવી ચર્ચા શરુ થઈ છે. ઉપરાંત પુર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીક ગણાય છે અને ક્રિકેટ બોર્ડમાં ચેરમેન પદે તેઓ અમિત શાહના આશિર્વાદથી જ આવ્યા હોવાનું માનવામાં આવે છે. આથી સૌરવ ગાંગુલી પણ ભાજપમાં જોડાવવાની શકયતા સ્થાનિક વર્તુળો દર્શાવી રહ્યા છે. જો કે વડાપ્રધાનની આ રેલીમાં જોડાનાર મિથુન ચક્રવર્તી ભાજપના ઉમેદવાર બનશે કે ફકત સ્ટાર પ્રચારક રહેશે તે પણ હજુ નકકી નથી. ભાજપના સૂત્રો માને છે કે પશ્ર્ચિમ બંગાળમાં આ પ્રકારના ચહેરાઓથી પક્ષને નવો વેગ મળશે. જો કે હાલ પશ્ચિમ બંગાળનો હવાલો સંભાળી રહેલા પક્ષના મહામંત્રી કૈલાસ વિજય વર્ગીય એ કહ્યું કે આવતીકાલની રેલીમાં વડાપ્રધાન હશે અને ફકત જનતા હશે. સાર્વજનિક રીતે જે કંઈ આવે તેનું અમે સ્વાગત કરશું તેમાં મિથુન ચક્રવર્તી આવે તો પણ તેનું સ્વાગત હશે. આમ તેઓએ સસ્પેન્સ વધારી દીધું છે.
આખરે દિનેશ ત્રિવેદી ભાજપમાં સામેલ
આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રેલી પુર્વે જ હાલમાં રાજયસભામાંથી રાજીનામુ આપનાર તૃણમુલના વરિષ્ઠ નેતા દિનેશ ત્રિવેદી આજે ભાજપમાં વિધિવત રીતે સામેલ થઈ ગયા છે. પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડાએ આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે શ્રી ત્રિવેદીએ ભાજપમાં સામેલ થવાની ઈચ્છા વર્તાવી હતી અને તેમને પક્ષની સદસ્યતા આપવામાં આવી છે.