વેક્સિન લેવામાં વડીલો ઉત્સાહી : ૪ દિવસમાં રાજકોટ જિલ્લામાં ૮,૮૪૩ અને શહેરમાં ૧૧,૭૦૫ લોકોને વેક્સીન અપાઇ

05 March 2021 10:27 PM
Rajkot Government Saurashtra
  • વેક્સિન લેવામાં વડીલો ઉત્સાહી : ૪ દિવસમાં રાજકોટ જિલ્લામાં ૮,૮૪૩ અને શહેરમાં ૧૧,૭૦૫ લોકોને વેક્સીન અપાઇ

બીમારી ધરાવતા શહેરના ૧૧૨૧ અને જિલ્લાના ૭૬૭ મળીને કુલ ૧,૮૮૮ લોકોએ કોરોના વિરોધી રસી મુકાવી : વિના ડરે વેક્સીનેશનને જબરો પ્રતિસાદ

રાજકોટ:
રાજ્ય સરકાર દ્વારા ૧ લી માર્ચથી ૬૦ વર્ષ કે તેથી ઉપરની વ્યકતિઓ તેમજ ૪૫ વર્ષ થી ૫૯ વર્ષની ઉંમરના કોમોર્બિડ લોકોને વેક્સીન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં લોકો ઉત્સાહપૂર્વક આ વેકસિનેશનમાં ભાગ લઈ રહયા છે.

વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તા. ૪ માર્ચ સુધીમાં માત્ર ૪ દિવસમાં રાજકોટ શહેરમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૧૦,૫૮૪ તેમજ જિલ્લામાં ૮,૦૭૬ મળીને કુલ ૧૮૬૬૦ લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
જયારે ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બિડ કે જેઓને ડાયાબિટીસ, બી.પી. સહિતની તકલીફ હોય, તેવા રાજકોટ શહેરના ૧૧૨૧ અને જિલ્લાના ૭૬૭ મળીને કુલ ૧,૮૮૮ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હોવાનું વિભાગીય નાયબ નિયામક રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.

● જાણો રસી લેવા માટે ક્યાં અને કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવશો

કોરોના વેક્સિન મેળવવા લાભાર્થીએ સરકારના કોવિન ૨.૦ પોર્ટલ ઉપર આરોગ્ય સેતુ એપ થકી પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. જો અગાઉ નામ રજીસ્ટર કરાવેલ ન હોય તો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલમાં રૂબરૂ સ્થળ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ ઉપરાંત સ્થાનિક આશાબહેન કે આરોગ્ય કર્મચારીની મદદથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

● નામ નોંધણી માટે ક્યાં પુરાવા જોઈએ?

નામ નોંધણી કરાવવા પોતાનો અથવા કુટુંબના સભ્યનો મોબાઈલ નંબર તથા પોતાની ઓળખના આધારો જેમકે આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ કે સરકાર દ્વારા આપાયેલ કોઈ પણ ફોટો ઓળખકાર્ડની કોપી આપવાથી નામ નોંધણી થઈ શકશે. ૪૫ થી ૫૯ વર્ષના એવા લોકો જે સરકાર દ્વારા નિયત કરેલ ૨૦ બીમારી માંથી કોઈ બીમારી ધરાવતા હોય તો એમ.બી.બી.એસ. કે તજજ્ઞ ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ લઈને જવું, રજીસ્ટ્રેશન થાય તે અંગેનો મેસેજ મોબાઈલ ફોન પર આવશે, ત્યારબાદ જેતે સંસ્થા દ્વારા જણાવવામાં આવે તે દિવસે અથવા વેક્સિન લેવાનો મેસેજ આવે તે દિવસે વેક્સિન લઈ શકશે.


Related News

Loading...
Advertisement