અમદાવાદ:
અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને સાબરમતી નદીમાં ઝંપલાવી જીવ દેનાર આઈશાના ચકચારી આપઘાત પ્રકરણમાં પોલીસે દુષ્પ્રેરણાના ગુના હેઠળ તેનો પતિ આરીફ પોલીસ કસ્ટડીમાં છે. આ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરીફએ પોતાના ફોનનો ડેટા ડિલીટ કરી નાખ્યો છે. જેથી ડેટા રિકવર કરવા મોબાઇલ એફએસએલમાં મોકલાશે.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આઈશા રાજસ્થાન રહેતા પતિના ત્રાસથી કંટાળી હસતા મોઢે રિવરફ્રન્ટ ખાતે વીડિયો બનાવી સાબરમતિ નદીમાં સમાઈ ગઈ, આઈશાના આપઘાત બાદ તેને બનાવેલો વીડિયો સોશ્યલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાઇરલ થયો, ગુજરાત સહિત આખા દેશનું ધ્યાન આ વીડિયોએ ખેંચ્યું છે. લોકોમાં આ બનાવથી ભારે ચકચાર વ્યાપી ગઈ છે ત્યારે તેમના પતિ આરીફ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો છે. પોલીસે આરીફની રાજસ્થાનના પાલીમાંથી ધરપકડ કરી હતી. માસૂમ આઈશાના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે અને આરીફના મિત્ર પાસેથી મોબાઇલ કબજે કર્યો છે. જોકે તેમાં તમામ ડેટા ડિલીટ કરી દીધો છે. જેથી પોલીસ મોબાઈલ એફએસએલ મોકલશે. બીજી તરફ આરીફના પ્રેમ પ્રકરણ માટે મોબાઈલની કોલ ડિટેલ કાઢવામાં આવશે. જેથી કોણ કોણ તેના સંપર્કમાં હતું તેની તપાસ પોલીસ કરશે. બની શકે કે તેની પ્રેમિકાની પણ પોલીસ તપાસ કરી શકે છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આરીફ પોલીસ કસ્ટડીમાં પોક મૂકીને રડી પડે છે અને કાર્યવાહીથી બચવા માટે કરગરી રહ્યો છે. જોકે આજે દેશભરમાં ચર્ચાતા આ કિસ્સાની ગુંજ ગુજરાત વિધાનસભામાં પણ ગુંજી હતી. આઈશાના પરિવારે ન્યાયની માંગ કરી છે. ત્યારે વિધાનસભામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આવું કોઈ પણ ધર્મમાં ચલાવી નહીં લેવાય. આઈશાનાં આપઘાતનો વીડિયોએ દરેકના હ્રદયને દ્વવિત કરી નાંખ્યા છે. આઈશાના પિતાએ કહ્યું કોઈ દિકરી સાથે આવું ન થાય અને આઈશા સાથે જે થયુ તે કોઇની દીકરી સાથે ન થાય તે માટે સરકાર કાર્યરત છે. આઈશાને ઇન્સાફ જરૂરથી મળશે.