પેડક રોડ પર 14માં માળેથી ઝંપલાવી યુવાનનો આપઘાત, ત્રણ માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવતીએ ફાંસો ખાધો

05 March 2021 06:41 PM
Rajkot
  • પેડક રોડ પર 14માં માળેથી ઝંપલાવી યુવાનનો આપઘાત, ત્રણ માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવતીએ ફાંસો ખાધો

શહેરમાં આત્મહત્યાના ત્રણ બનાવો : નાડોદાનગરમાં પુત્ર પત્ની સાથે અલગ રહેવા જતા રહેતા એકલવાયુ લાગતા માતાએ ગળાફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

રાજકોટ તા.5
શહેરમાં દિવસેને દિવસે આપઘાત કે આપઘાત પ્રયાસના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઇકાલે આત્મહત્યાના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં પેડક રોડ પર બિલ્ડીંગના 14માં માળેથી ઝંપલાવી એક યુવાને મોત વ્હાલુ કર્યુ હતું. તેમજ ભારતનગર આવાસ કવાર્ટરમાં ત્રણ માસ પૂર્વે જ પ્રેમ લગ્ન કરનાર યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઉપરાંત નાડોદાનગરમાં રહેતા વૃઘ્ધાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી હતી.
પ્રથમ બનાવની મળતી વિગત મુજબ શહેરના પેડક રોડ પર સેટેલાઇટ ચોક, મેલડી માતાના મંદિર પાસે બોમ્બે સુપર હાઇટ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય ચાલુ છે. જેના 14માં માળેથી ઝંપલાવી એક યુવાને મોત વ્હાલુ કરી લેતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને 108ને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના ઇએમટી ડો.કોમલબેને યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. કંટ્રોલ ઇન્ચાર્જ પીએસઆઇ વી.જે.કડછાએ બી-ડીવીઝન પોલીસને માહિતી આપતા હેડ કોન્સ્ટેબલ અશ્ર્વિનભાઇ રાઠોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાગળની કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસે તપાસ કરતા યુવાનનું નામ ચિરાગ રસીકભાઇ સોલંકી (ઉ.વ.22) હોવાનું જાણવા મળ્યું હતું અને ચિરાગ સંતકબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીનો રહેવાસી તેમજ પોતાના ઘરે જ ઇમીટેશનનું મંજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. તેમના પરિવારજનોને જાણ કરાતા તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતક બે ભાઇ બે બહેનમાં બીજા નંબરનો અને અપરિણીત હતો. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા એક બનાવમાં શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ભારતનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી નેહા નિલેશભાઇ વાઘેલા (ઉ.વ.30) નામની નવોઢાએ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. તાલુકા પોલીસને જાણ થતા સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે માધાપર પાસે રહેતી અને બુટ-ચંપલના શો રૂમમાં નોકરી કરતી નેહાએ ત્રણ માસ પહેલા મોલમાં નોકરી કરતા અને મવડી વિસ્તારમાં રહેતા નિલેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. નેહા ફોન પર વધુ વાત કરતી હોય અને સતત ફોનમાં વ્યસ્ત રહેતી હોવાથી આ બાબતે પત્નિ સાથે ઝઘડો થયો હતો. જે બાબતનું લાગી આવતા નેહાએ આ પગલુ ભર્યુ હોવાનું પરિવારજનોની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું.
વધુ એક આત્મહત્યાના બનાવમાં કોઠારીયા રોડ પરના નાડોદાનગરમાં રહેતા જાનકીબેન રામજીભાઇ સરાવા (ઉ.વ.65) એ પોતાના ઘરે ગળાફાંસો લગાવી જીંદગી ટુંકાવી દેતા ભકિતનગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે જાનકીબેનને સંતાનમાં બે પુત્રો છે. જેમાં મોટા પુત્રના લગ્ન થયા છે. છેલ્લા કેટલાક સમયથી લગ્ન બાદ પુત્ર અને પુત્ર વધુ જુદા રહેવા માટે ચાલ્યા ગયા હતા. જેથી જાનકીબેનને એકલવાયુ લાગતુ હોવાથી આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement